GSTV

અરે બાપ રે! અમદાવાદના આ વિસ્તારોમાં 2 જ કલાકમાં સવા બે ઇંચ વરસાદ, રોડ પર સર્જાયો દરિયા જેવો માહોલ

Last Updated on September 21, 2021 by Dhruv Brahmbhatt

પૂર્વ અમદાવાદ સોમવારે બપોરે ૩ થી ૫ ના બે કલાકના ગાળામાં ધોરમાર વરસાદ પડયો હતો. ઓઢવ અને વિરાટનગરમાં સવા બે ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા બંને વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ જવા પામી હતી. ચકુડિયામાં બે ઇંચ, મણિનગરમાં પોણા બે ઇંચ, મેમ્કો, દૂધેશ્વરમાં એક-એક  ઇંચ વરસાદ વરસી ગયો હતો. જ્યારે નિકોલ, રામોલ, કઠવાડા, દાણાપીઠમાં અડધા ઇંચ જેટલો વરસાદ પડયો હતો. પૂર્વમાં નરોડાથી લઇને નારોલના આખા પટ્ટામાં વરસાદે ઠેરઠેકાણે લોકો માટે અનેક પ્રકારની હાલાંકીઓનું નિર્માણ કર્યું હતું. મોટા ભાગના વિસ્તારોમાં ઢિંચણસમા પાણી ભરાઇ જતા લોકો માટે રસ્તો પાર કરવો જ મુશ્કેલ બની ગયો હતો.

ભરાયેલા પાણી વચ્ચેથી સ્કૂલના બાળકો, વૃદ્ધો, મહિલાઓ માટે હેમખેમ બહાર નીકળવું મુશ્કેલ સાબિત થયું હતું

આગળ કઇ રીતે વધવું તે પ્રશ્ન તમામ લોકો માટે મુંઝવણરૂપ બન્યો હતો. તેવામાં ઉપરા-છાપરી ભરાયેલા પાણીની વચ્ચોવચ જ વાહનો ખોટકાઇ પડવાના કારણે ટ્રાફિકજામની ગંભીરતમ સમસ્યા ઉભી થઇ હતી. ભરાયેલા પાણી વચ્ચેથી સ્કૂલના બાળકો, વૃદ્ધો, મહિલાઓ માટે હેમખેમ બહાર નીકળવું ઘણું મુશ્કેલ સાબિત થયું હતું. બે કલાકમાં બે ઇંચ વરસાદ પડી જતા કેટલાક વિસ્તારમાં વાહનોની અવર-જર વચ્ચે હિલોળા લેતા પાણીમાં દરિયા જેવા ભયાનક દ્રશ્યો જોવા મળ્યા હતાં.

 મેઘરાજાએ સોમવારે પૂર્વ  અમદાવાદની ખેર લઇ નાંખી હતી. સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. દિવસ ચઢતો રહ્યો તેમ રહી રહીને ક્યાંક ક્યાંક વરસાદી છાંટા  પડતા હતા. ક્યાંક ભારે તો ક્યાંક હળવા વરસાદી ઝાંપટાના મારા વચ્ચે શહેરીજનો તેમના નિત્યક્રમમાં પરોવાયેલા રહ્યા હતા. પરંતુ બપોર થતા થતા જ વાતાવરણે રોદ્રરૂપ ધારણ કર્યું હતું. ગાજવીજ, કાળાડિબાંગ વાદળો વચ્ચે વીજળીના બિહામણા ચમકારાની  ભયાનકતા વચ્ચે મેઘરાજાએ મનમુકીને વરસવાનું ચાલું કર્યું હતું.

એક કલાકના ગાળામાંં વિરાટનગરમાં ૩૩.૫૦ મિ.મી. વરસાદ

જેમાં બપોરે થી ૪નાં એક કલાકના ગાળામાંં વિરાટનગરમાં ૩૩.૫૦ મિ.મી.એટલેેકે દોઢ ઇંચ જેટલો અતિભારે વરસાદ તૂટી પડયો હતો. ચકુડિયામાં ૨૮ મિ.મી., ઓઢવમાં ૨૭ મિ.મી., નિકોલમાં ૧૦.૫૦ મિ.મી.દૂધેશ્વરમાં ૨૩.૫૦ મિ.મી., દાણાપીઠમાં ૧૫ મિ.મી., મેમ્કોમાં ૨૨ મિ.મી. જેટલો ભારે વરસાદ એક સામટો પડી જતા આ વિસ્તારોમાં કેડસમા પાણી ભરાઇ ગયા હતા. જેણે આ વિસ્તારના લોકોની દશા બગાડી દીધી હતી.

તેમ છતાંય મેઘરાજાએ ખમૈયા કરવાને બદલે વરસવાનું ચાલુ જ રાખ્યું હતું.  બપોરે ૪ થી ૫ વાગ્યાના એક કલાકના ગાળામાં ચકુડિયામાં ૧૯.૫૦ મિ.મી., ઓઢવમાં ૧૭.૦૫ મિ.મી., વિરાટનગરમાં ૧૪.૦૫ મિ.મી. વરસાદ પડયો હતો. બે કલાકના અવિરત વરસાદમાં પૂર્વના વિસ્તારોના રોડ  પાણીમાં ડૂબી ગયા હતા.  ૩ વાગ્યા બાદ જનજીવન એકાએક થંભી ગયું હતું. ભારે વરસાદમાં લોકો જ્યાંના ત્યાં ફસાઇ ગયા હતાં.  ના આગળ વધાય કે ના પાછા જઇ શકાય તેવી સ્થિતિમાં કોઇ ઝાડ નીચે, કોઇ બ્રિજ નીચે, કોઇ બસ સ્ટેશને , કોઇ મોલ, કોમ્પ્લેક્ષ, દુકાન ના શેડનો આશરો લઇને ઉભા રહી ગયા હતાં.

જોતા જોતામાં વરસાદી પાણી રોડ પર ભરાઇ ગયા હતા. વધારામાં ગટરો બેક મારવા લાગતા મુસીબતમાં  પાછો વધારો જોવા મળ્યો હતો. ટ્રાફિકજામને લઇને ઓઢવ-સાંરગપુરના રોડ પર વાહનોની લાંબી કતાર લાગી ગઇ હતી. વાહનોના સતત હોર્ન વાગતા માહોલ ઘોંઘાટિયો બની ગયો હતો. પાણીમાં અધવચ્ચે બાઇકો, રિક્ષા, લોડિંગ રિક્ષા, એક્ટિવા સહિતના વાહનો ખોટકાયેલા જોવા મળ્યા હતા. તો ક્યાંક વાહનો ડિવાઇડર પર ચઢી ગયેલા, ખાડામાં ફસાઇ ગયેલા નજરે ચઢ્યા હતા. લોકોએ સોમવારે બે કલાકના વરસાદમાં અપાર હાલાંકીઓ વેઠવાનો વારો આવ્યો હતો.

વિસ્તારવરસાદ (મિ.મી.)
વિરાટનગર૫૪.૫૦
ચકુડિયા૪૭.૫૦
ઓઢવ૫૭.૦૦
નિકોલ૧૯.૦૦
રામોલ૧૧.૫૦
કઠવાડા૧૪.૦૦
મેમ્કો૨૩.૦૦
નરોડા૮.૫૦
કોતરપુર૯.૫૦
મણિનગર૨૦.૫૦
વટવા૩.૫૦

ઓઢવમાં એકસમાટો ૫૭ મિ.મી.વરસાદ પડી જતા ઓઢવના તમામ વિસ્તારો જળબંબાકાર થઇ ગયા હતા. છોટાલાલની ચાલી ચાર રસ્તા પાણીમાં ડૂબ્યા હતા. ઓઢવ ફાયરબ્રિગેડ રોડ પર કેડસમા પાણી ભરાઇ ગયા હતાં. એકેય તરફ જઇ ન શકાય તેવી સ્થિતિ વચ્ચે આ રોડ પર વાહનચાલકો અટવાયા હતા.મોડી સાંજ સુધી આ પાણી ઓસર્યા ન હોતા.

ઓઢવ જીઆઇડીસીના તમામ રોડ પાણીમાં ગરક થયા હતા. બાજુમાં ખારીકટ કેનાલ હોવાથી બંને સાઇડના કેટલાક વધુ નીચાણવાળા વિસ્તારના રહેણાંક મકાનોમાં ઘરમાં પાણી ફરી વળ્યા હતા. કેનાલમાં ધસમસતા પાણી વહી રહ્યા હતા જે જોતા જ ચક્કર આવી જાય તેવા માહોલ જોવા મળ્યો હતો. ઓડવ ફાયરબ્રિગેડથી તક્ષશિલા સ્કૂલ તરફનો રોડ, રાજેન્દ્રપાર્ક રોડ, કેનાલ પરથી વિરાટનગર તરફનો રોડ પાણીમાં ડૂબી ગયો હતો. ચાલી વિસ્તારોમાં રહેતા લોકોની દશા વધુ દયનિય બની ગઇ હતી. સરદાર પટેલ રિંગ રોડ પર પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

READ ALSO :

Related posts

Pegasus Issue / પેગાસસ મામલે સુપ્રીમ કોર્ટ બુધવારે સંભળાવશે નિર્ણય, સ્વતંત્ર તપાસની માગ કરતી થઈ હતી અરજી

Zainul Ansari

‘આજે સાચુ બોલવાની કોઈ હિમ્મત નથી કરી રહ્યા’, રાજકારણ હવે વેપાર: સત્યપાલ મલિક કોના પર સાધી રહ્યા છે નિશાન

Zainul Ansari

હતા ત્યાં ને ત્યાં / કિસાન સૂર્યોદય યોજનાનું સુરસુરિયું, ખેડૂતોને ફરી રાત ઉજાગરા કરવાનો વારો આવ્યો

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!