GSTV

જ્ઞાનનું દાન/ એક હજાર વિદ્યાર્થીને સ્પર્ધાત્મક પરીક્ષામાં તૈયાર કરશે અમદાવાદના ડીસીપી રાજેશ ગઢિયા, 14 યુવાનોને PSI બનાવ્યા

Last Updated on June 12, 2021 by Harshad Patel

દરેક માતા-પિતા પોતાના બાળકોને સારો અભ્યાસ કરાવવા માટે તનતોડ મહેનત કરતા હોય છે. પરંતુ અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ક્યારેક આર્થિક સંકડામણને કારણે કારકિર્દી ઘડતરમાં પાછળ રહી જાય છે. ગત એક વર્ષ કરતાં વધુ સમયથી કોરોના મહામારી ચાલી રહી છે. સ્કૂલ-કોલેજમાં ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ છે ત્યારે શહેરના ઘણાં વિદ્યાર્થીઓ આવનારી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને ઓનલાઇન માર્ગદર્શન આપીને તેમને વિવિધ વિષયોનું જ્ઞાન પીરસીને તૈયાર કરવાનું અનેરું કામ શહેરના ઝોન -૪ના ડીસીપી રાજેશ ગઢિયા દ્વારા કરાવાઈ રહ્યું છે.

માતા-પિતાની પ્રેરણાથી અભ્યાસ કરવામાં કોઇ કચાશ ન છોડી

તેઓ કહે છે કે, મારા પરિવારની આર્થિક સ્થિતિ સારી ન હતી પણ માતા-પિતાની પ્રેરણાથી અભ્યાસ કરવામાં કોઇ કચાશ ન છોડી. ઓર્ગેનિક કેમેસ્ટ્રીમાં એમ.એસસી. પૂરું કર્યા પછી કેમ્પસ ઇન્ટરવ્યૂમાં પસંદગી પામીને એક મહિના સુધી પ્રાઇવેટ નોકરી કરી હતી પણ મનમાં કંઇક અલગ જ ચાલતું હતું. શિક્ષણ થકી વધુ લોકોને સતત પ્રેરણા આપીને સમાજસેવાનું કામ કરવાના વિચારને વળગી રહ્યો હતો ત્યારબાદ વર્ષ ૨૦૦૬માં સુરેન્દ્રનગર જિલ્લામાં શિક્ષક તરીકે કારકિર્દીની શરૃઆત કરી હતી ત્યારબાદ ૨૦૦૮માં પીએસઆઇમાં જોડાયો હતો. પીએસઆઇની જોબની સાથે પણ જીપીએસસીની પરીક્ષામાં સફળતા મેળવીને ડીવાયએસપી તરીકે પોરબંદરમાં પોસ્ટિંગ થયું હતું. આ સમયે પોરબંદરમાં એસપી તરીકે દિપેન ભદ્ર સાહેબ હતા અને તે સમયે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષાની તૈયારી કરી રહેલા યુવાનોનું એક ગૂ્રપ તેમની પાસે આવીને કેવી રીતે તૈયારી કરી શકાય તે માટેનું પૂરતું માર્ગદર્શન મેળવ્યું હતું.

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઔર પ્રલય ઉનકી ગોદ મેં પલતે હૈ

‘શિક્ષક કભી સાધારણ નહીં હોતા નિર્માણ ઔર પ્રલય ઉનકી ગોદ મેં પલતે હૈ’એ કહેવતની પંક્તિ અમારા માટે પ્રેરણારૃપ સાબિત થઇ રહી હતી. આ સમયે એસપી ભદ્ર સાહેબ અને મેં સખત શિડયુલ વચ્ચે પણ તે યુવાઓને વિનામૂલ્યે કોચિંગ આપવાનું નક્કી કર્યું હતું. વર્ષ ૨૦૧૨-૧૩માં પોરબંદરમાં અમે ૧૮ યુવાનોને કોચિંગ આપ્યું, તેમાંથી ૧૪ યુવાનો તે વર્ષે યોજાયેલી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતી પરીક્ષા પાસ કરીને પસંદગી પામીને ગુજરાત પોલીસમાં સેવા આપી રહ્યા છે. ત્યારબાદ મારું એસીપી તરીકે અમદાવાદમાં પોસ્ટિંગ થયું હતું.

અમદાવાદમાં આવીને પણ શિક્ષણકાર્ય શરૃ કર્યું હતું

શિક્ષણની સુવાસ ફેલાવવા માટે અને વધુ લોકોને પગભર કરવાના ઉદ્દેશ્ય સાથે અમદાવાદમાં આવીને પણ શિક્ષણકાર્ય શરૃ કર્યું હતું. વર્ષ ૨૦૧૭-૧૮માં એફ ડિવિઝન દરિયાપુર પોલીસ સ્ટેશનમાં એસીપી તરીકે જોડાયો હતો. આ સમયે કોરોના ન હતો જેને લીધે ઓફલાઇન રીતે ૯૦થી વધારે વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવીને સારા નાગરિક તરીકે જીવનભર પોતાની સેવા આપવાનું માર્ગદર્શન આપ્યું હતું. ડીસીપી તરીકે પ્રમોશન મળ્યા પછી શહેરના કમિશનર સંજય શ્રીવાસ્તવને મળીને વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવાનું કાર્ય શરૃ કર્યું હતું.

સમાજના વિદ્યાર્થીઓને સારા અભ્યાસની સાથે સારા નાગરિક બનાવાનું

હાલમાં અમારી પાસે ૨૦૦ વિદ્યાર્થીઓ છે સાથે શિક્ષણક્ષેત્રમાં આગવી ઓળખ ધરાવતા પીએસઆઇ, પીઆઇ સહિતના ૧૦ કર્મચારીઓની એક ટીમ દ્વારા ઓનલાઇન સવારે ૮થી ૧૦ કલાક સુધી વિદ્યાર્થીઓને શિક્ષણ આપીએ છીએ. વિદ્યાર્થીઓને એન્ટ્રસ પરીક્ષાના આધારે એડમિશન આપવામાં આવે છે. અમારો મુખ્ય હેતુ સમાજના વિદ્યાર્થીઓને સારા અભ્યાસની સાથે સારા નાગરિક બનાવાનું છે. સમાજના લોકો પોલીસનું નામ સાંભળતા ગભરાઇ જાય છે તે ડર ઓછો થાય અને સારી કામગીરીનો સ્વીકાર કરીને તેમાં સહભાગી બને તો ઘણા વિદ્યાર્થીઓના જીવન ઉજવળ બની જાય છે. શહેરની યુવા અનસ્ટોપેબલ સંસ્થા દ્વારા વિદ્યાર્થીઓને શ્રેષ્ઠતમ પુસ્તકો લાવવા માટે સહાય કરે છે. આ સિવાય સમાજના આગેવાનો પણ આવા વિદ્યાર્થીઓને મદદરૃપ બનીને વધુ અભ્યાસ કરવાની પ્રેરણા આપે છે.

રાત્રે મનગમતું પુસ્તક વાંચીને સૂવું છું

કોલેજના સમયથી મને વિવિધ પુસ્તકો વાંચવાના ગમતા હતા. દિવસભરના મુશ્કેલભર્યા સમયની વચ્ચે પણ રાત્રે એક કલાક સુધી મહાનુભાવના પુસ્તક વાંચીને આરામ કરું છુ. વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવા માટે પરિવારની સાથે પોલીસકર્મીઓનો ઘણો સપોર્ટ છે જેનાથી અમને શિક્ષણ આપવાનું કાર્ય કરવું અમને ગમે છે અને તે માટે સતત પ્રયત્નશીલ પણ બન્યા છીએ.

જે વિસ્તારમાં એસીપી હતા ત્યાં ડીસીપી તરીકે જોડાયા

જીપીએસસીની પરીક્ષા પાસ કરીને એસીપી તરીકે એફ ડિવિઝનમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં સેવા આપી હતી સમયની સાથે પ્રમોશન મળ્યા પછી ઝોન ૪ના ડીસીપી બન્યો હતો. આ પોલીસ સ્ટેશનમાં એસીપી તરીકે જોડાયો ત્યારબાદ ડીસીપી તરીકે તે મારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી રહ્યું છે જે સંજોગ સાથેનો બનાવ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

દિલ્હી મુલાકાત / મુખ્યમંત્રી મમતા બેનર્જીએ વડાપ્રધાન મોદી સાથે કરી મુલાકાત, બુધવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ‘ચાય પે ચર્ચા’

Zainul Ansari

2021ના અંત સુધીમાં ભારતને મળશે કુલ 35 રાફેલ, 2022માં સોલો ફાઇટર જેટ થશે સામેલ

Zainul Ansari

કામની વાત / DL, પાસપોર્ટ, આધારકાર્ડ અને પાનકાર્ડ મેળવવા હવે દલાલોની જરૂર નહી, સરકારે લીધું એક મોટું પગલું

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!