અમદાવાદની ચાર ટ્રાવેલ કંપનીઓ છેતરપિંડી થઇ છે જેમાં ટ્રાવેલ બૂકિંગ માટે ઓનલાઈન વોલેટમાં રાખેલા લાખો રુપિયા કોઈએ ઉપાડી લીધા છે. એર ટિકીટ બુકિંગ કરાવવા માટે ઓનલાઈન વૉલેટ રાખનારી ટ્રાવેલ કંપનીઓના વૉલેટ હેક કરી લઈને લાખો રૂપિયાની ટીકીટ કરી લઈને તેમના પૈસાથી અન્યોને પ્રવાસ કરાવ્યો છે.

છેતરપિંડી કરી વૉલેટમાંથી 10થી 15 લાખના મૂલ્યની એર ટિકીટ બુક કરી
અમદાવાદની ચાર ટ્રાવેલ કંપનીઓ સાથે છેલ્લા થોડા દિવસોમાં આ રીતે થયેલી છેતરપિંડીમાં તેમના વૉલેટમાંથી 10થી 15 લાખના મૂલ્યની એર ટિકીટ બુક કરાવી દેવામાં આવી છે. સામાન્ય રીતે ટ્રાવેલ કંપનીઓ દ્વારા ટિકીટ બુકિંગ માટે અલગથી વૉલેટ રાખીને તેમાંથી એર ટિકીટ કે અન્ય ટિકીટ બુક કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. તેનો ગેરલાભ ઊઠાવીને હેકર્સ તેમના વૉલેટ હેક કરીને તેમના પૈસાથી અન્યોની ટિકીટ બુકિંગ કરાવી રહ્યા છે.
જમ્મુ-કાશ્મીર અને પોલેન્ડના આઈપી એડ્રેસનો ઉપયોગ થયો
અમદાવાદની વિશ્વા ટ્રાવેલ સહિતની ચાર કંપનીઓ સાથે આ પ્રકારની છેતરપિંડી થઈ હોવાની વિગતો બહાર આવી રહી છે. તેમાંથી એકાદ બે કંપનીઓએ આ મુદ્દે સાયબર ક્રાઈમમાં રજૂઆત પણ કરી છે. સામાન્ય રીતે હેકર્સ શનિવારે મોડી સાંજથી સોમવારની સવારના અગિયાર વાગ્યાના અરસામાં વૉલેટના નાણાંનો ઉપયોગ કરીન ટિકીટ બુક કરાવી લે છે. આ સમયગાળામાં વૉલેટથી બુકિંગ કરાવનારાઓ બહુ સક્રિય હોતા નથી તેનો ગેરલાભ ઊઠાવીને તેઓ એર ટિકીટ બુક કરાવી લે છે.
આ એર ટિકીટ જમ્મુ અને કાશ્મીર તરફથી કરવામાં આવી રહી છે. તેમાંથી થતાં બુકિંગ બહુધા લઘુમતી કોમના સભ્યોના નામે જ થયેલા હોવાનું આ ચાર ટ્રાવેલર્સના કિસ્સાઓમાં જોવા મળી રહ્યું છે. એકાદ કિસ્સામાં તો આઈપી એડ્રેસ પોલેન્ડનું પણ હોવાનું બહાર આવ્યું છે.

દુબઈ કે પછી જમ્મુકાશ્મીરથી પ્રવાસ કરનારાઓના નામે વધુ પડતી ટિકીટ બુક થઇ
વૉલેટથી બુકિંગ કરાવનારાઓ સોમવારે તેમની ઓફિસ ખોલીને સાંજ કે બપોર સુધીમાં બિલ મોકલે છે. આ બિલ મોકલ્યા પછી તેમને એક બે કલાકે ખબર પડે છે કે તેમના વૉલેટમાંથી અન્ય કોઈ હેકર્સે ટિકીટ બુકિંગ કરાવી છે. ગો-ઓર, સ્પાઈસ જેટ અને ઇન્ડિગો સહિતની એરલાઈન્સની ટિકીટ બુક થાય છે. દુબઈ કે પછી જમ્મુકાશ્મીરથી પ્રવાસ કરનારાઓના નામે વધુ પડતી ટિકીટ બુક થઈ હોવાનું બહાર આવી રહ્યું છે. દુબઈ, કુવૈત, મસ્કત સહિતના ડેસ્ટિનેશનનીટિકીટ બુક કરાવવામાં આવે છે. ટિકીટ બુક કરાવ્યા પછીના થોડા જ કલાકમાં ટ્રાવેલિંગ શરૂ થાય અને બાર-પંદર કલાકમાં પૂરું થઈ જાય તેવી રીતે બુકિંગ કરાવવામાં આવે છે.
એર કંપનીઓ નથી આપી રહી સહકાર
વૉલેટ હેક થયું હોવાની જાણકારી મળ્યા પછીય એર કંપનીઓને જાણ કરીને પેસેન્જરને અટકાવવાની સૂચના આપવામાં આવે તો તેઓ તે પેસેન્જરને અટકાવવામાં સહકાર આપતી નથી. અમે પેસેન્જરને અટકાવતા નથી. તેમ જ તેમની ધરપકડ થાય તે માટે પોલીસને જાણ કરીએ તો સહકાર આપવાની માગણી કરવામાં આવે તો તેઓ આ માગણીને ગ્રાહ્ય રાખતા નથી. તેમ જ સહકાર પણ આપતા નથી.