રાજ્યમાં યોજાયેલી 6 મહાનગરપાલિકાની ચૂંટણીના આજે પરિણામો જાહેર થયા છે. ત્યારે 6 એ 6 મહાનગરપાલિકામાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. જ્યારે કૉંગ્રેસની કારમી હાર થઈ છે. આ વખતની મનપા ચૂંટણીના પરિણામોએ કોંગ્રેસના સૂપડા સાફ કરી દીધા છે. જેના કારણે કોંગ્રેસને મોટો ઝટકો લાગતા એક બાદ એક અલગ-અલગ શહેર કોંગ્રેસ પ્રમુખોના રાજીનામાંના દોર પણ શરૂ થઇ ગયા છે.
અમદાવાદ મનપા ચૂંટણીમાં 159 બેઠકો પર ભાજપે વિજય હાંસલ કર્યો
અહીં વાત કરીએ અમદાવાદ મહાનગર પાલિકાની ચૂંટણીના પરિણામની તો અહીં ભાજપે જંગી બહુમતીથી ગુજરાતની સૌથી મોટી મહાનગર પાલિકા કબજે કરી લીધી છે. ભાજપે અહીં 192 સીટોમાંથી 159 બેઠકો પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસે માત્ર 25 સીટથી જ સંતોષ કરવો પડ્યો છે. જ્યારે અમદાવાદમાં અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM એ અમદાવાદના બે વોર્ડમાં સાત બેઠકો જીતવામાં સફળતા હાંસલ કરી છે.
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલ એક્શનમાં
જો કે તમને જણાવી દઇએ કે, કોંગ્રેસના સૂપડા સાફ થઇ જતા અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. શહેરના 20 જેટલા હોદેદારોને કોંગ્રેસે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા છે. અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શશિકાંત પટેલે પક્ષ વિરોધી કાર્યવાહી કરવા બદલ 20 જેટલા હોદેદારોને સસ્પેન્ડ કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મનપાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર થતા એક બાદ એક શહેર પ્રમુખો રાજીનામાં આપવા લાગ્યા છે. જેમાં અમદાવાદ, સુરત અને ભાવનગર તેમજ વડોદરાના શહેર પ્રમુખોએ રાજીનામાં આપી દીધા છે. ત્યારે એવામાં અમદાવાદ શહેર કોંગ્રેસ દ્વારા પક્ષ વિરોધી કાર્યવાહી કરનારા 20 જેટલા હોદેદારો વિરૂદ્ધ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવી છે.
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કર્યો હારનો સ્વીકાર
બીજી બાજુ 6 મનપાના ચૂંટણી પરિણામોમાં કોંગ્રેસનો રકાસ થયા બાદ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ હાર સ્વીકારી હતી. આ સાથે અમિત ચાવડાએ સ્વીકાર્યું કે, ‘અમે મતદાતાઓની અપેક્ષાઓને પરીપૂર્ણ નથી કરી શક્યાં.’
જાણો કયા-કયા શહેર કોંગ્રેસ પ્રમુખોએ આપ્યાં રાજીનામાં?
વડોદરા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રશાંત પટેલ, અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ શંશીકાત પટેલ, સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ બાબુ રાયકા અને ભાવનગર શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણીએ રાજીનામાં ધરી દીધાં છે.
READ ALSO :
- રાજકોટ પોલીસે ઉકેલ્યો હત્યાનો ભેદ, બાતમી આપ્યાની શંકાએ 2 ઈસમોએ આચર્યું હતું કૃત્ય
- વરવી વાસ્તવિકતા: મહિલા સુરક્ષાની વાતો પોકળ, 6 વર્ષના આંકડા જોઈ શરમથી ઝૂકી જશે માથું
- સ્વાસ્થ્ય/ આદુની છાલને ક્યારેય નકામી સમજીને ફેંકી ના દેતા, ફાયદા જાણી તમે પણ ચોંકી જશો
- વધતા આત્મહત્યાના કેસ સામે તંત્રનો નવતર પ્રયોગ, સાબરમતીના કિનારે લગાવ્યા અનોખા પોસ્ટર્સ
- રાજ્યમાં કોરોના 555 વિસ્કોટ: 24 કલાકમાં નોંધાયા 500થી વધુ નવા કેસ, કુલ 3212 એક્ટીવ કેસ