વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આવતીકાલે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પને પરિવાર સાથે આવકારવા માટે અમદાવાદમાં તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયો છે. શહેરમાં મોટેરા સ્ટેડિયમથી માંડીને રોડ શોના રૂટ પર અભેદ કિલ્લાની જેમ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાઉડી મોદીની તર્જ પર મોટેરા સ્ટેડિયમ પર નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ આયોજિત કરાયો છે. આ કાર્યક્રમને પગલે મોટેરા,ગાંધીઆશ્રમ વિસ્તાર તો જાણે દુલ્હનની જેમ શણગારાયો છે. આખાય વિસ્તારની શકલોસુરત બદલી દેવાઇ છે.અત્યારથી એનએસજી,એસપીજી અને અમેરિકન સિક્રેટ સર્વિસ એજન્ટોએ સંયુક્તપણે ગ્રાન્ડ રિહર્સલ કર્યુ હતું. હવે આવતીકાલે વિશ્વના બે હસ્તીઓને આવકારવા અમદાવાદ આતુર છે.
11-55 કલાકે ટ્રમ્પ અમદાવાદ આવશે
આવતીકાલે બપોરે 11.55 કલાકે એરફોર્સ વનમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમના પરિવાર સાથે અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે જેમને આવકારવા ગુજરાત સરકારે તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.એરપોર્ટ પર ટ્રમ્પ અને તેમના પરિવારને ગાર્ડ ઓફ ઓનર આપીને શાનદાર સ્વાગત કરવામાં આવશે. એરપોર્ટ પર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ થકી ગુજરાતની ઝાંખીના દર્શન કરાવાશે. એરપોર્ટથી જ ટ્રમ્પનો રોડ શો શરૂ થશે. શાહીબાગ,રિવરફ્રન્ટ થઇને ટ્રમ્પનો કાફલો ગાંધીઆશ્રમ પહોંચશે.માર્ગોની બંને બાજુએ હજારો લોકો ટ્રમ્પ-મોદીને આવકાર આપશે. માર્ગો પર વિવિધ રાજ્યોના કલાકારો નૃત્ય સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરશે. માર્ગોની બંને તરફ 60થી વધુ સ્ટેજ બનાવાયાં છે.

ગાંધી આશ્રમમાં 10 મિનિટનું રોકાણ
ટ્રમ્પ-મેલેનિયા ગાંધીઆશ્રમમાં 10 મિનીટ રોકાશે. જયાં તેઓ હૃદયકુંજ સહિત આશ્રમની મુલાકાત લેશે. આશ્રમની પાછળના ભાગે સ્ટેજ બાંધવામાં આવ્યુ છે જયાંથી ટ્રમ્પ-મેલેનિયા રિવરફ્રન્ટનો નજારો માણશે. ગાંધીઆશ્રમની મુલાકાત બાદ ફરી એક વાર રોડ શોનો બીજો તબક્કો શરૂ થશે. ટ્રમ્પ-મોદીનો કાફલો ફરીએરપોર્ટ,ઇન્દિરા બ્રીજ થઇને મોટેરા સ્ટેડિંયમ પહોંચશે. જયા અમેરિકન પ્રેસિડેન્ટ લાખો લોકોના સમુદાયના સંબોધન કરશે. ટ્રમ્પ કયા મુદ્દાઓને લઇને સંબોધન કરશે તેના પર સમગ્ર વિશ્વની નજર મંડાઇ છે. મોટેરા સ્ટેડિયમ પર પણ એક લાખ કરતાં લોકોને જિલ્લા વાઇઝ અને કલર કોડ આધારે બેઠક વ્યવસૃથા કરવામાં આવી છે. સ્ટેડિયમમાં ય બારકોડ આધારે પ્રવેશ આપવામાં આવશે.સંબોધન બાદ ટ્રમ્પ આગ્રા જવા રવાના થશે.
લોખંડી બંદોબસ્ત
આ સમગ્ર કાર્યક્રમમાં ટ્રમ્પની સુરક્ષા માટે 20 હજાર પોલીસ કર્મીઓની મદદ લેવાઇ છે. એસપીજી,ચેતક કમાન્ડો,એનએસજી સહિતની વિવિધ એજન્સીઓ એ પણ સુરક્ષાનો મોરચો સંભાળ્યો છે. રોડ શોના આખાય રૂટને સીસીટીવી કેમેરાથી સજ્જ કરાયો છે.રંગીન ફુલ-છોડથી માર્ગોને સુશોભિત કરવામાં આવ્યાં છે. ઠેર ઠેર અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારતાં બેનરો-પોસ્ટરો લગાવાયાં છે. આ ઉપરાંત ટ્રમ્પ અને નરેન્દ્ર મોદીની વિશાળ કટ આઉટ પણ આકર્ષણનુ કેન્દ્ર બન્યાં છે. આખાય રોડશોના રૂટના માર્ગોની બંને તરફ બેરિકેટ લગાવાયાં છે. આ ઉપરાંત એરપોર્ટના માર્ગની બંને બાજુએ અમેરિકા-ભારતના રાષ્ટ્રધ્વજ લગાવાયાં છે.
દિવાળી જેવો માહોલ
મોટેરા સ્ટેડિયમ,ગાંધીઆશ્રમ વિસ્તારમાં તો રંગીન લાઇટોએ અદભુત દ્રશ્ય સર્જયું છે જાણે કે દિવાળીનો માહોલ હોય.કોઇ વિદેશના શહેરમાં આવ્યાં હોય તેવું લાગે તેવો શણગાર કરાયો છે. અત્યારથી ભારતીય એરફોર્સના હેલિકોપ્ટરે એર પેટ્રોલિંગ શરૂ કર્યું છે. તૈયારીના ભાગરૂપે આજે પોલીસે ગ્રાન્ડ રિહર્સલ પણ કર્યુ હતું. આમ,આવતીકાલે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા અમદાવાદ સપૂર્ણપણે સજ્જ બન્યું છે.
READ ALSO
- સાઉથના આ સુપરસ્ટારની બોલીવુડમાં એન્ટ્રી, સાઇલન્ટ ફિલ્મથી શરૂ કરશે હિન્દી ફિલ્મોમાં કરિયર
- સ્થાનિક સ્વરાજની ચૂંટણી/ કોંગ્રેસને પક્ષપલ્ટાનો ડર, ‘પક્ષ છોડીને જઇશું નહીં’ તેવી બાંહેધરી બાદ જ વિપક્ષ ફાળવશે ટિકિટ
- હવે ઘરે બેઠા જ ઉપાડી શકાશે પૈસા, આ સરકારી બેન્ક લઇને આવી છે Door Step Banking સુવિધા
- અમદાવાદ/ અંદાજીત 40 સીબીએસઇ સ્કૂલો આજથી શરૂ, વાલીઓના પ્રવેશ પર મનાઇ: ગાઇડલાઇનનુ પણ સંપૂર્ણ પાલન
- હેવાનિયત/ કિશોરીનું અપહરણ કરી નરાધમોએ બે વાર ગુજાર્યો ગેંગરેપ, યુપીમાં પાંચ વર્ષની બાળકી પર દુષ્કર્મ