8 ઓગસ્ટે ચાલેલા 15 કલાકથી પણ વધુના ડ્રામા બાદ કોંગ્રેસના અહેમદ પટેલ પાંચમી વાર વિજેતા બન્યા. ભાજપના ચાણક્ય અમિત શાહના ફૂલપ્રૂફ પ્લાનને ઉંધો વાળીને જીતનાર અહેમદ પટેલ રાજનીતિમાં રહ્યા છે ખાસ.
1977માં માત્ર 26 વર્ષની ઉંમરમાં જ ભરૂચની લોકસભા બેઠક જીતીને અહેમદ પટેલ તે વખતે સૌથી યુવાન સાંસદ બન્યા હતા. અહેમદ પટેલની એ વખતની જીતે ઇન્દિરા ગાંધી સહિતના દિગ્ગજ કોંગી નેતાઓ પણ ચોંકી ગયા હતા. એ પછી 1993માં તેઓ પહેલીવાર રાજયસભાના સાંસદ બન્યા.
એ પછી સતત ચાર વાર ગુજરાતમાંથી ચૂંટાતા આવ્યા. અહેમદ પટેલ પડદા પાછળના રાજકારણમાં વિશ્વાસ રાખે છે. એટલે જ તેઓ ક્યારે સામે આવીને રાજકારણ નથી રમતા. 1977માં સાંસદ તરીકેની જીત બાદ 1982 સુધી તેઓ ગુજરાતમાં યુથ કોંગ્રેસની કમિટીના અધ્યક્ષ બન્યા.
સપ્ટેમ્બર 1983થી ડિસેમ્બર સુધી તેઓ એઆઇસીસીના જોઇન્ટ સેક્રેટરી રહ્યા. 1985માં જાન્યુઆરીથી સપ્ટેમ્બર સુધી તત્કાલીન પીએમ રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યા.
એ પછી 1991માં નરસિંમ્હારાવની સરકાર બની તો અહેમદ પટેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બન્યા. 1996માં તેઓ એઆઇસીસીના ખજાનચી બન્યા. તે સમયે સીતારામ કેસરી કોંગ્રેસના પ્રમુખ હતા.
જો કે વર્ષ 2000માં સોનિયા ગાંધીના પર્સનલ સેક્રેટરી વી જોર્જ સાથે મતભેદ થતા તેમણે પદ છોડ્યુ હતું. એ પછી 2001માં તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યા. 2004 અને 2009ની લોકસભા ચૂંટણીમાં યુપીએને જીત અપાવામાં તેમની અહમ ભૂમિકા રહી હતી. મનમોહનસિંહની સરકારમાં અનેક મહત્વના નિર્ણયોમાં પણ તેમની ચાવીરૂપ ભૂમિકા જોવાઇ મળી હતી.