GSTV

અહેમદ પટેલઃ સંકટમોચક અને અડીખમ યોદ્ધાની વિદાય, કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

કોરોના નામનો કાળ એક વધુ દિગ્ગજ નેતાને ભરખી ગયો. કોંગ્રેસના ચાણક્ય અને સંકટમોચક અહેમદ પટેલ કોરોના સામેનો જંગ હારી ગયા. એક મહિના પહેલા તેઓ કોરોનાની ચપેટમાં આવ્યા હતાં. એ પછી તેમનું સ્વાસ્થ્ય સતત કથળી રહ્યું હતું. સારવાર દરમિયાન તેમના અનેક અંગોએ કામ કરવાનું બંધ કરી દીધું અને મલ્ટીપલ ઓર્ગન ફેલ્યોરના કારણે છેવટે બુધવારે સવારે તેમણે અંતિમ શ્વાસ લીધાં.

કોંગ્રેસને ન પૂરાય એવી પડી ખોટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં ૨૧ ઓગસ્ટ, ૧૯૪૯ના દિવસે જન્મેલા અહેમદ પટેલ ત્રણ વખત લોકસભા સાંસદ અને પાંચ વખત રાજ્યસભા સાંસદ રહ્યાં. તેમના પિતા મોહમ્મદ ઇંશકજી પટેલ પણ કોંગ્રેસમાં હજાં અને ભરૂચ તાલુકા પંચાયતના સભ્ય હતાં તેમજ પ્રદેશના લોકપ્રિય નેતા પણ હતાં. પિતાના પગલે અહેમદ પટેલ પણ કોંગ્રેસમાં જોડાયા. અહેમદ પટેલની રાજકીય કારકિર્દી ઘડવામાં પિતાનો મોટો ફાળો રહ્યો. જોકે અહેમદ પટેલે તેમના સંતાનોને રાજકારણથી દૂર રાખ્યાં. પિતાના ટેકાથી કોંગ્રેસમાં ધીમે ધીમે આગળ વધતા અહેમદ પટેલ તાલુકા પંચાયતના અધ્યક્ષ બન્યાં.

અહેમદ પટેલે તેમના સંતાનોને રાજકારણથી દૂર રાખ્યાં

ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી બાદ કોંગ્રેસના વળતા પાણી હતા ત્યારે ૧૯૭૭ની લોકસભા ચૂંટણીમાં અહેમદ પટેલ વિજયી બન્યા હતાં. એ વખતે કોંગ્રેસના મોટા મોટા નેતાઓ ચૂંટણી હારી ગયા હતાં પરંતુ અહેમદ પટેલે ગુજરાતમાં કોંગ્રેસની લાજ બચાવી હતી. હકીકતમાં ૧૯૭૭માં ભરૂચમાંથી ૨૬ વર્ષની વયે વિજયી યનેલા અહેમદ પટેલ એ વખતની સંસદમાં સૌથી યુવાન સાંસદ હતાં. તેમના વિજયે ઇન્દિરા ગાંધી સહિત અનેક રાજકીય પંડિતોને પણ ચોંકાવ્યાં હતાં. અહીંયાથી જ તેમના કેન્દ્રીય રાજકારણના સફરની શરૂઆત થઇ અને એ પછી તેમણે કદી પાછું વાળીને જોયું નહીં.

કેન્દ્રીય રાજકારણના સફરની શરૂઆત થઇ અને એ પછી તેમણે કદી પાછું વાળીને જોયું નહીં

૧૯૮૦માં કોંગ્રેસ ફરી સત્તામાં આવી ત્યારે ઇન્દિરા ગાંધીએ તેમને મંત્રી બનાવવાની ઓફર કરી પરંતુ અહેમદ પટેલે એ માટે ઇન્કાર કરીને સંગઠન માટે કામ કરવાને પ્રાધાન્ય આપ્યું. ઇન્દિરા ગાંધીની હત્યા બાદ રાજીવ ગાંધીએ કમાન સંભાળી ત્યારે પણ તેઓ તેમના વિશ્વાસુ રહ્યાં. ૧૯૮૪માં રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા બાદ તેમણે પણ અહેમદ પટેલને મંત્રીપદ આપવા ઇચ્છ્યું પરંતુ અહેમદ પટેલે ફરી વખત સંગઠનને પસંદ કર્યું.

૧૯૮૪માં રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા બાદ તેમણે પણ અહેમદ પટેલને મંત્રીપદ આપવા ઇચ્છ્યું

રાજીવ ગાંધીના વિશ્વાસુ રહેતા તેમણે કોંગ્રેસનું નેશનલ નેટવર્ક તૈયાર કર્યું. ઉપરાંત ૧૯૭૭થી ૧૯૮૨ સુધી તેઓ ગુજરાત યૂથ કોંગ્રેસ કમિટીના અધ્યક્ષ પણ રહ્યાં. સપ્ટેમ્બર ૧૯૮૩થી ડિસેમ્બર ૧૯૮૪ સુધી તેઓ કોંગ્રેસ કમિટીના જોઇન્ટ સેક્રેટરી રહ્યાં. એ પછી તેઓ તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના સંસદીય સચિવ રહ્યાં. હકીકતમાં રાજીવ ગાંધીએ વડાપ્રધાન બન્યા બાદ અરુણ સિંહ, ઓસ્કાર ફર્નાન્ડિસની સાથે અહેમદ પટેલની પસંદગી કરી હતી ત્યારે જ લોકો સમજી ગયાં હતાં કે રાજીવ ગાંધી કોંગ્રેસની યુવા બ્રિગેડ પર ભરોસો મૂકી રહ્યાં છે.

એ સમયે કોંગ્રેસમાં અમર અકબર એન્થોની તરીકે જાણીતી બનનારી આ ત્રિપુટીએ જોકે લાંબુ ન ખેંચ્યું. પાર્ટીની આંતરિક ખેંચતાણના કારણે અહેમદ પટેલે સચિવપદ છોડયું પરંતુ એ સાથે જ તેમણે ગાંઠ બાંધી લીધી કે પાર્ટીમાં કદી આંતરિક વિખવાદ ન થવા દેવો. આંતરિક વિખવાદ જ પાર્ટીની ઘોર ખોદવાનું કામ કરે છે એ જ્ઞાાન તેમને એ સમયે જ મળી ગયું. બસ ત્યારથી તેઓ હંમેશા કોંગ્રેસને આંતરિક રીતે મજબૂત બનાવવામાં લાગી પડયાં.

અંગત સચિવપદેથી દૂર થયા બાદ પણ રાજીવ ગાંધીનો તેમના પરનો ભરોસો ઓછો ન થયો અને અહેમદ પટેલને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં. એ વખતે ગુજરાતના રાજકારણમાં માધવસિંહ સોલંકી, ઝીણાભાઇ દરજી, સનત મહેતા, અમરસિંહ ચૌધરી અને પ્રબોધ રાવલ જેવા દિગ્ગજ નેતાઓ હોવા છતાં રાજીવ ગાંધીએ અહેમદ પટેલને પ્રાધાન્ય આપ્યું. એ વખતે ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધીએ જોર પકડયું હતું જેનું નુકસાન છેવટે ગુજરાતની સત્તા ગુમાવીને પાર્ટીએ ભોગવવું પડયું. ગુજરાત કોંગ્રેસની જૂથબંધીએ પણ અહેમદ પટેલને નવો પાઠ શીખવાડયો. ગુજરાતમાં કોંગ્રેસની પડતી બાદ અહેમદ પટેલે નવી ફિલોસોફી વિકસાવી કે કોંગ્રેસને નબળી પાડતા કોઇ પણ પરિબળને દૂર કરવું, પછી તે વણગમતી પરિસ્થિતિ હોય કે વ્યક્તિ. આ વલણ તેમણે જીવનના અંત સુધી જાળવી રાખ્યું.

વણગમતી પરિસ્થિતિ હોય કે વ્યક્તિ. આ વલણ તેમણે જીવનના અંત સુધી જાળવી રાખ્યું

વર્ષ ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ પણ અહેમદ પટેલનું કોંગ્રેસમાં કદ ન ઘટયું. નરસિંહ રાવ સરકારમાં તેમને કોંગ્રેસ વર્કીંગ કમિટીના સભ્ય બનાવવામાં આવ્યાં જે તેઓ આજીવન રહ્યાં. ૧૯૯૬માં તેઓ કોંગ્રેસ કમિટીના કોષાધ્યક્ષ બન્યાં. એ સમયે સીતારામ કેસરી કોંગ્રેસના અધ્યક્ષ હતાં. જોકે વર્ષ ૨૦૦૦માં સોનિયા ગાંધીના સચિવ વી. જ્યોર્જ સાથે સંબંધો કથળતા તેમણે એ પદ છોડી દીધું. એ પછીના જ વર્ષે તેઓ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર બન્યાં.

વર્ષ ૧૯૯૧માં રાજીવ ગાંધીની હત્યા બાદ પણ અહેમદ પટેલનું કોંગ્રેસમાં કદ ન ઘટયું

ગાંધી પરિવારના સૌથી નિકટના અને અત્યંત શક્તિશાળી ગણાતા અહેમદ પટેલ પોતે લો-પ્રોફાઇલ રહેતા. તેમના દિમાગમાં શું ચાલી રહ્યું છે એ ગાંધી પરિવાર સિવાય કોઇને કળવા ન દેતાં. ૨૦૦૪થી ૨૦૧૪ સુધી યૂપીએ સરકાર સત્તામાં હતી ત્યારે તેમની રાજકીય તાકાત તમામે નિહાળી છે. કોંગ્રેસ સંગઠન જ નહીં, પરંતુ સ્થાનિકથી લઇને કેન્દ્રમાં બનનારી સરકારમાં કોંગ્રેસ નેતાઓનું ભવિષ્ય અહેમદ પટેલ નક્કી કરતાં. યૂપીએ સરકાર દરમિયાન પાર્ટીની બેઠકોમાં સોનિયા ગાંધી એવું કહેતા કે તેઓ વિચારીને કહેશે ત્યારે બધાં સમજી જતાં કે તેઓ અહેમદ પટેલની સલાહ લઇને નિર્ણય કરશે. યૂપીએની બંને સરકાર દરમિયાન અઢળક નિર્ણયો અહેમદ પટેલની સંમતિ બાદ લેવામાં આવ્યાં. કોંગ્રેસની કમાન ભલે ગાંધી પરિવારના હાથમાં રહી હોય પરંતુ ગાંધી પરિવારની કમાન અહેમદ પટેલના હાથમાં હતી. તેમની મરજી વિના પાર્ટીમાં પાંદડું પણ ન હાલતું. સોનિયા ગાંધીને સુપર પ્રાઇમ મિનિસ્ટર બનાવવામાં અહેમદ પટેલની જ પડદા પાછળ મુખ્ય ભૂમિકા હતી.

અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય ગણવામાં આવતા હતાં.

પડદા પાછળ રહીને પાર્ટીની રણનીતિ ઘડનારા અને રાજકારણના ગણિતમાં કાબેલ એવા અહેમદ પટેલને કોંગ્રેસના ચાણક્ય ગણવામાં આવતા હતાં. કોંગ્રેસની આંતરિક બાબતો હોય કે પછી બીજા પક્ષો સામે મોરચાબંધી કરવાની હોય, કોંગ્રેસ પાર્ટી હંમેશા અહેમદ પટેલ તરફ જ વળતી હતી અને અહેમદ પટેલે ઘડેલી રણનીતિ પર જ આગળ વધતી હતી. અહેમદ પટેલ એક એવા નેતા તરીકે જાણીતા હતાં જે પોતે મીડિયાના કેમેરાથી દૂર રહેતા હતાં, ચૂંટણી સભાઓથી દૂર રહેતા હતાં. જોકે વખત આવ્યે તેઓ સામે પણ આવતા હતાં પરંતુ તેમની રણનીતિઓ વિશે તેમના વિરોધીઓ જ નહીં, નિકટના લોકો પણ અજાણ રહેતાં.

વર્ષ ૨૦૧૪ બાદ કોંગ્રેસ પાર્ટી પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગી છે ત્યારે પણ અહેમદ પટેલ અંતિમ શ્વાસ સુધી અડિખમ ઊભા રહ્યાં

વર્ષ ૨૦૧૪ બાદ કોંગ્રેસ પાર્ટી પત્તાના મહેલની જેમ ધરાશાયી થવા લાગી છે ત્યારે પણ અહેમદ પટેલ અંતિમ શ્વાસ સુધી અડિખમ ઊભા રહ્યાં. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી સરકારની રચનામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી અને ધૂર વિરોધી શિવસેનાને પણ સાથે લાવવામાં સફળ રહ્યાં. થોડા સમય પહેલા સચિન પાયલોટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહેલોત સામે બળવો પોકાર્યો ત્યારે પણ અહેમદ પટેલ સક્રિય બન્યાં. રાજકીય પંડિતોનું અનુમાન હતું કે જ્યોતિરાદિત્ય સિંધિયાની જેમ જ સચિન પાયલોટ પણ ભાજપમાં ભળી જશે પરંતુ અહેમદ પટેલે પડદા પાછળ રહીને મધ્યસ્થીની ભૂમિકા ભજવી અને રાજસ્થાન કોંગ્રેસના સંકટને ટાળ્યું.

સોનિયા ગાંધી બાદ રાહુલ ગાંધીના હાથમાં કોંગ્રેસની કમાન આવી ત્યારે લોકોને લાગ્યું કે અહેમદ પટેલનું કદ ઘટશે પરંતુ રાહુલ ગાંધી એટલું તો સમજી ચૂક્યાં હતાં કે ભાજપના નરેન્દ્ર મોદી અને અમિત શાહની જોડીની રણનીતિ સામે ટક્કર લેવામાં અહેમદ પટેલ વિના નહીં ચાલે. વર્ષ ૨૦૧૭માં અહેમદ પટેલને ફરી વખત રાજ્યસભામાં જવા માટે ઉત્સાહિત નહોતાં. આમ પણ કોંગ્રેસે એ પહેલા કોઇ પણ નેતાને પાંચ વખત રાજ્યસભામાં મોકલ્યા નહોતાં. જોકે સોનિયા ગાંધીએ તેમને મનાવ્યાં અને કહ્યું કે તેઓ એકલા જ એવા નેતા છે જે અમિત શાહ અને ભાજપની બરોબરી કરવામાં સક્ષમ છે.

લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીનું નસીબ સાથ નહોતું આપી રહ્યું

ગયા વર્ષે લોકસભાની ચૂંટણી વખતે રાહુલ ગાંધીનું નસીબ સાથ નહોતું આપી રહ્યું ત્યારે પણ પાર્ટીના કાર્યકરોને એકજૂથ રાખવામાં અહેમદ પટેલે મોટી ભૂમિકા ભજવી હતી. દેશના તમામ રાજ્યોના જમીની સ્તરે રહેલાં કોંગ્રેસી કાર્યકરોથી લઇને નેતાઓને અહેમદ પટેલ ઓળખતાં અને સાવ ઓછા સમયમાં સમજદારી અને ગુપ્તરીતે સંસાધનોની વ્યવસ્થા કરી લેતાં.

આજે કોંગ્રેસ મરણપથારીએ પહોંચી ગઇ છે અને ફરી પાછા બેઠા થવા માટે મથી રહી છે એવા સમયે અહેમદ પટેલની વિદાયથી પાર્ટીને મોટો ફટકો પડયો છે. અહેમદ પટેલના નિધન સાથે કોંગ્રેસે પોતાનો સૌથી મોટો વ્યૂહરચનાકાર ગુમાવી દીધો છે. અનેક વખત કોંગ્રેસને સંકટમાંથી બહાર લાવનાર અને કોંગ્રેસના વર્તમાનથી લઇને ભવિષ્ય સુધીની યોજના ઘડનારા અહેમદ પટેલની ખોટ કોંગ્રેસ પાર્ટીમાં કદી નહીં પૂરાય.

READ ALSO

Related posts

સાબરકાંઠા/ દંત્રાલ ગ્રામપંચાયતમાં ડખો, બે જૂથ વચ્ચે અથડામણ થતાં પોલીસ કાફલો ખડકી દીધો

Pravin Makwana

સુરત/ સીટી બસમાંથી નીચે ઉતરતા યુવકનું થયું મોત, પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

Pravin Makwana

અમદાવાદ/ ઉત્તરાયણ વિત્યા બાદ સફાઈકામદારોનું કામ વધ્યું, અલગ અલગ વિસ્તારમાંથી 500 કિલોથી વધુ દોરીનો કર્યો નિકાલ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!