GSTV

ભાઈ આ તો સાચા અર્થમાં મોંઘેરા મહેમાન : પ્રતિ મિનિટે 50 લાખ ખર્ચાયા

છેલ્લા કેટલાક દિવસોથી માત્ર ભારત જ નહીં સમગ્ર વિશ્વમાં આતુરતા જગાવી રહેલો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ ગુજરાત માટે યાદગાર સંભારણા તરીકે સંપન્ન થયો છે. ‘નમસ્તે ટ્રમ્પ’ માટે ડોનાલ્ડ ટ્રમ્પે 3.20 કલાક અમદાવાદને ફાળવ્યા હતા અને તેની પાછળ અંદાજે રૂપિયા 100 કરોડનો ખર્ચ થયો હતો. આમ, ડોનાલ્ડ ટ્રમ્પની આગતા સ્વાગતા પાછળ પ્રતિ મિનિટ એકંદરે રૂપિયા 50 લાખ ખર્ચાયા હતા.

અમદાવાદની મુલાકાત માટે કુલ 180 મિનિટ ફાળવી હતી

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, તેમના પત્ની-પુત્રી-જમાઇ સહિત કુલ 70 સદસ્યોના પ્રતિનિધિ મંડળ સાથે સોમવારે સવારે 11:36ના અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ એરપોર્ટ ખાતે આગમન કર્યું હતું અને તેઓ બપોરે 2:56ના આગ્રા જવા માટે પરત ફર્યા હતા. આમ, ડોનાલ્ડ ટ્રમ્પે અમદાવાદની મુલાકાત માટે કુલ 180 મિનિટ ફાળવી હતી. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના અમદાવાદ પ્રવાસ પાછળ કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો છે તેની કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ કમસેકમ રૂપિયા 100 કરોડનો ખર્ચ થયો હોવાનો અંદાજ છે. ચોમાસા દરમિયાન અમદાવાદનો કોઇ રોડ તૂટે ત્યારે તેના સમારકામના કોન્ટ્રાક્ટ આપવામાં બીજું ચોમાસું આવવા જેટલો સમય ઓછામાં ઓછો થઇ જાય છે.

રોડના સમારકામ માટે કેટલા ?

એ વિસ્તારના નસિબ જોર કરી રહ્યા હોય અને રોડનું સમારકામ થઇ જાય તો પણ ચોમાસા બાદ ‘જૈસે થે’ જેવી સ્થિતિ રહે છે. ટેક્સ ચૂકવતા નાગરિકોને ભલે દરરોજ સમસ્યા નડે પણ 3 કલાક માટે અતિથિ બનેલા એવા ડોનાલ્ડ ટ્રમ્પના પેટનું પાણી પણ હલે નહીં તેવા રોડ બનાવવા માટે જ રૂપિયા પાણીની જેમ ખર્ચાયા હતા. ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો જ્યાંથી પણ પસાર થવાનો હતો તે રોડના સમારકામ માટે રૂપિયા 80 કરોડ ખર્ચાયા હતા. જોકે, આમ આદમી માટે અફસોસની વાત એ છે કે જે રોડ પરથી ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો પસાર થવાનો હતો તેના પર જ તંત્ર મહેરબાન થયું છે અને તેની સામનો રસ્તો ઉબડખાબડ થઇ ગયો હોય તો પણ તેના પર ધ્યાન અપાયું નથી.

ધારે તો 10 દિવસમાં કાયાપલટ કરી શકીએ છીએ….

આ સિવાય રૂપિયા 12-15 કરોડ અમેરિકન રાષ્ટ્રપતિની સલામતી માટે, રૂપિયા 7થી 10 કરોડ મોટેરા સ્ટેડિયમ સુધી ટ્રાન્સપોર્ટેશન-1 લાખ લોકોના ભોજન માટે, રૂપિયા 6 કરોડનો ખર્ચ રોડની સુંદરતા વિદેશી ફૂલોથી વધારવા તેમજ રૂપિયા 4 કરોડનો ખર્ચ રોડ શોમાં સાંસ્કૃતિક કાર્યક્રમ પાછળ કરાયો હતો. એકંદરે, ગુજરાતના વાર્ષિક બજેટના 1.50% ડોનાલ્ડ ટ્રમ્પના ગુજરાત પ્રવાસ પાછળ ફાળવવામાં આવ્યા હતા. ‘નમસ્તે ટ્રમ્પ’ ના સફળ આયોજન બાદ એક વાત ફરી સ્પષ્ટ થઇ ગઇ છે કે આપણા સરકારી તંત્ર, મ્યુનિસિપલ કોર્પોરેશન ધારે તો 10 દિવસમાં શહેરની કાયાપલટ કરી જ શકે છે.

ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદ પ્રવાસ : શેની પાછળ અંદાજે કેટલો ખર્ચ?

  • રૂપિયા 80 કરોડ : ડોનાલ્ડ ટ્રમ્પનો કાફલો પસાર થવાનો હતો તે રોડના સમારકામ માટે.
  • રૂપિયા 12થી રૂપિયા 15 કરોડ : અમેરિકન રાષ્ટ્રપતિની સલામતી માટે.
  • રૂપિયા 7થી રૂપિયા 10 કરોડ : મોટેરા સ્ટેડિયમ સુધી અતિથિઓના વાહન વ્યવહાર-ભોજન માટે.
  • રૂપિયા 6 કરોડ : શહેરની સુંદરતા વધારવા રોડના ડિવાઇડર પર વિદેશી ફૂલ-આકર્ષક વૃક્ષ લગાવવા.
  • રૂપિયા 4 કરોડ : ડોનાલ્ડ ટ્રમ્પના રોડ શો દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ માટે.

READ ALSO

Related posts

ગણદેવી : બાઈક અને ડમ્પર વચ્ચે અકસ્માત થતા ડોક્ટરનું ઘટના સ્થળે જ મોત

Nilesh Jethva

કાલુપુર રેલવે સ્ટેશન બની શકે છે કોરોનાનું સુપર સ્પ્રેડર સ્ટેશન, નથી થતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ

pratik shah

કોરોનામાં તંત્રએ ફાટકારેલા દંડ સામે વેપારીઓમાં ભારે રોષ, પ્રશ્નનો ઉકેલ ન આવે ત્યાં સુધી બજારો બંધ રાખવાનો નિર્ણય

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!