ગુજરાતમાં પાટીદારો બાદ આ સમાજે પણ કરી અનામતની માગ, રૂપાણીની વધી મુશ્કેલી

એક તરફ ગુજરાતમાં પાટીદારોને અનામત મળે તે માટે છેલ્લા સાડા ત્રણ વર્ષથી આંદોલન ચાલી રહ્યું છે. તો બીજી તરફ મહારાષ્ટ્ર વિધાનસભામાં મરાઠા અનામત બિલ સર્વાનુમતે પસાર થતા મરાઠાઓને અનામત મળવાનો માર્ગ મોકળો થયો છે. ભાજપ-શિવસેનાની ગઠબંધન સરકારે રજૂ કરેલા બિલને કોંગ્રેસ-એનસીપી સહિત તમામ પાર્ટીઓએ સમર્થન આપતા વિધાનસભા અને વિધાનપરિષદ એમ બંને ગૃહોમાં સર્વાનુમતે બિલ પસાર થયું હતું. આથી મરાઠાઓને હવે શિક્ષણ અને નોકરીમાં 16 ટકા અનામત મળી શકશે. ગુજરાતમાં પાટીદારો બાદ રાજપૂત સમાજે પણ આજે ઓબીસી પંચના દ્રાર ખખડાવ્યા છે. ગુજરાતમાં પાટીદારોની જેમ રાજપૂત સમાજનો પણ દબદબો છે. ગુજરાતમાં રૂપાણી સરકારમાં હોમ મીનિસ્ટરથી લઇને શિક્ષામંત્રી સુધી આ સમાજના આગેવાનો પદ પર છે. અા સમાજે પ્રથમવાર ઓબીસી પંચના દ્વાર ખખડાવી અનામતની માગ કરતાં રૂપાણી સરકાર પણ ટેન્શનમાં અાવી છે. ગુજરાતમાં 6 ટકા ક્ષત્રિયો છે. ક્ષત્રિય મતદારો ઘણી સીટો પર નિર્ણાયક ભૂમિકામાં છે.
પાટીદારો પહોંચ્યા ઓબીસી પંચની ઓફિસે
વિધાનસભામાં બિલને મંજૂરી મળતા મરાઠા સમુદાય અને ભાજપના કાર્યકર્તાઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રના પૂણે સહિત વિવિધ શહેરોમાં મરાઠાઓએ એકબીજાને મીઠાઇઓ ખવડાવી તેમજ ફટાકડા ફોડી ઉજવણી કરી હતી. મહારાષ્ટ્રમાં બિલપસાર થયા બાદ ગુજરાતમાં પાસના કન્વીનરો અનામતની માંગ સાથે ફરી ઓબીસી પંચની કચેરીએ પહોંચ્યા હતા. પાસના સભ્યોએ ઓબીસી પંચના અધિકારીઓ સાથે બેઠક કરી રાજ્યમાં સર્વે કરાવવાની માંગણી ફરી દોહરાવી હતી. પાસનું કહેવું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ સરકાર મરાઠાઓને અનામત આપી શકે તો ગુજરાતમાં પણ પાટીદારોને અનામતનો લાભ મળવો જોઈએ.
રાજપૂત સમાજે માગી અનામત
પાટીદારોની અનામતની માગ વચ્ચે રાજપૂત સમાજ પણ અનામતની માગ કરી રહ્યો છે. રાજપૂત સમાજના આગેવાનો અનામતની માગ સાથે ઓબીસી પંચની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં રાજપૂત સમાજના આગેવાનોએ રાજપુત સમાજને અનામત આપવાની રજૂઆત કરી છે. રાજપૂત સમાજ ગુજરાતમાં દબદબો ધરાવે છે. ભાજપ સરકારને રાજપૂતોની નારાજગી ભારે પડી શકે છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ બંનેને આ સમાજ અસર કરી શકે છે. ગુજરાતની ઘણી બેઠકો પર ક્ષત્રિય મતદારો મહત્વની ભૂમિકા ભજવી શકે છે. રૂપાણી સરકાર ક્ષત્રિયોમાં અનામતની માગ અાગળ ન વધે માટે ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક કરી શકે છે. અા માટે મંત્રીઓ પણ મેદાને આવી શકે છે. હાલમાં લોકસભાની ચૂંટણી ટાણે રૂપાણી સરકારને કોઈ પણ સમાજની નારાજગી પોષાય તેમ નથી. અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ફાઉન્ડર ડો. જયેન્દ્રસિંહ જાડેજા સહિતના આગેવાનોએ ઓબીસી પંચની મુલાકાત કરી રાજપૂત સમાજને અનામત આપવા રજૂઆત કરી હતી.