જસદણ : કોણ બનશે “કુંવર” અને કોને મળશે “અવસર”, આજે થશે જાહેર

જસદણ પેટાચૂંટણીનુ આજે પરિણામ જાહેર થશે.ભાજપ-કોંગ્રેસ માટે રાજકીય પ્રતિષ્ઠાના જંગ સમાન આ પેટાચૂંટણીનુ પરિણામ ગુજરાતના રાજકારણમાં બદલાવ લાવે તેવી સંભાવના છે. રવિવારે મતદારો કુંવરજી બાવળિયાની રાજકીય ઇજ્જત સાચવશે કે પછી અવસર નાકિયાને તક આપશે તે નક્કી થશે. આ પેટાચૂંટણીમાં કોણ બાજી મારશે અને કોનુ પત્તુ કપાશે તેના પર સૌ કોઈની નજર મંડાઇ છે.

ગુજરાત ભરમાં ઉત્તેજના

પેટાચૂંટણીના પરિણામને લઇને સૌરાષ્ટ્ર જ નહીં,સમગ્ર ગુજરાતમાં રાજકીય ઉત્તેજનાપૂર્ણ માહોલ સર્જાયો છે. કોને કેટલી લીડથી જીત મળશે,કયા મતવિસ્તારના મતદારો કોને સ્વિકારશે, કોળી-પાટીદારો કોને મત આપશે તે મુદ્દે અત્યારથી ચોરેને ચોટે ચર્ચા ચાલી રહી છે. જસદણ બેઠક વર્ષોથી કોંગ્રેસનો ગઢ મનાય છે પણ હવે એ જોવાનુ રહ્યુ કે,મતદારો કુંવરજી બાવળિયાને સ્વિકારે છેક પછી પક્ષપલ્ટો કરતાં રાજકીય સબક શિખવાડે છે.

એકઝીટ પોલ અને સ્થાનિકો માને છેકે, બાવળિયાએ પક્ષપલ્ટો કરતાં મતદારો તેમને સ્વિકાર તેવી સંભાવના ઓછી છે જેના કારણે કોંગ્રેસ બાજી મારે તેમ છે. જયારે બુકી-સટ્ટાબજારનુ માનવુ છેકે, બાવળિયા જ જીતશે.પાતળી સરસાઇથી ય ભાજપ કેસરિયો લહેરાવશે. ભાજપ-કોંગ્રેસે પણ જીતના દાવા કર્યાં છે.

ભાજપમાં અસંતુષ્ટોને મોકળુ મેદાન મળશે

એવી ચર્ચા છેકે, જો કુંવરજી બાવળિયા હારે તો,ભાજપમાં અસંતુષ્ટોને મોકળુ મેદાન મળશે.જૂથવાદ વકરી શકે છે.ભાજપની કેન્દ્રીય નેતાગીરીના નિર્ણય સામે પ્રશ્નાર્થ સર્જાઇ શકે છે. પરષોત્તમ સોલંકી-હિરા સોલંકી,જયેશ-વિઠ્ઠલ રાદડિયા,મોહન કુંડારિયા સહિતના સૌરાષ્ટ્રના ભાજપના નેતાઓની રાજકીય કારર્કિદી સામે પણ સવાલો ઉભા થઇ શકે તેમ છે. આ બાજુ,કોંગ્રેસ હારે તો,વર્ષોથી ગઢ સમાન બેઠક ગુમાવાય તો,અમિત ચાવડા અને પરેશ ધાનાણીને હાઇકમાન્ડ સામે જવાબ આપવો મુશ્કેલ બનશે.આ બંન્ને યુવા નેતાઓની કારર્કિદીનો ગ્રાફ નીચો ઉતરી શકે છે.પેટાચૂંટણીમા પરિણામ બાદ ગુજરાતના રાજકારણમાં બદલાવ આવે તેવી પણ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. આમ,રવિવારે જસદણ પેટાચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસમાંથી કોને જનાદેશ મળે તેના પર સૌની મીંટ મંડાઇ છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter