કોઈ પણ રાજ્યની ચૂંટણી પ્રચાર બાદ અમિત શાહ સીધા પહોંચે છે ગુજરાતની આ જગ્યાએ

રાજસ્થાનમાં ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા બાદ ભાજપ અધ્યક્ષ અમિત શાહ સોમનાથ દર્શન માટે આવી પહોંચ્યા છે. અમિત શાહે વાયા અમદાવાદ કેશોદ એરપોર્ટ પર ઉતરાણ કર્યું હતું. જ્યાંથી તેઓ સપરિવાર સડક માર્ગે સોમનાથ આવી પહોંચ્યા. સોમનાથમાં જિલ્લાભરના ભાજપના આગેવાનો તેમજ સોમનાથ ટ્રસ્ટના સેક્રેટરી પી.કે.લહેરી તેમજ અન્ય પદાધિકારીઓ દ્વારા અમિત શાહનું સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે પૂર્વ રાજ્યપ્રધાન જશાભાઇ બારડ, બીજ નિગમના ચેરમેન રાજશી જોટવા, ગુજરાત મેરીટાઇમ બોર્ડના ડાયરેક્ટર કિશોરભાઇ કુહાડા, વેરાવળ નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન, જિલ્લા ભાજપ પ્રમુખ ઝવેરીભાઇ ઠક્કર, તેમજ ભાજપના અન્ય નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા.

અમિત શાહ સોમનાથમાં જ રાત્રિરોકાણ કરશે. જે દરમિયાન તેઓ ભાજપના આગેવાનો સાથે મહત્વની બેઠક યોજશે. ગુરૂવારે સવારે સોમનાથ ચોપાટી પર 45 કરોડના ખર્ચે નિર્માણાધીન વોક-વેના કામનું ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમ માટે પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ સવારે સોમનાથ પહોંચશે. ખાતમુહૂર્ત બાદ અમિત શાહ સભાને સંબોધન પણ કરશે. મહત્વનું છે કે અમિત શાહ કોઇ પણ રાજ્યની ચૂંટણીનો પ્રચાર પૂર્ણ થયા બાદ સોમનાથદાદાના દર્શને અચૂક આવતા હોય છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter