ભારતનું ભવિષ્ય અંધકારમાં, જાણો શું આવ્યો ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-2018

ભારતના બાળકો સંદર્ભે ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-2018 દ્વારા ઘણાં ખતરનાક સંકેતો સાંપડી રહ્યા છે. બાળકોના પોષણ અને વિકાસના મામલે ભારત ઘણું પાછળ છે. અવિકસિત, અલ્પવિકસિત અને ઓવરવેટ બાળકોની સંખ્યા રિપોર્ટ પ્રમાણે ભારતમાં ઘણી વધારે છે. વિશ્વના અવિકસિત બાળકોમાંથી લગભગ એક તૃતિયાંશ બાળકો ભારતીય છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હાલ દુનિયામાં 150.8 મિલિયન બાળકો અવિકસિત છે અને તેમાના 46.6 મિલિયન બાળકો ભારતમાં છે. કુપોષણના મામલામાં પહેલા જ ભારતની સ્થિતિ ચિંતાજનક છે. આ રિપોર્ટ વધુ કેટલાક ખતરનાક સંકેતો આપી રહ્યો છે. ભારત બાદ

નાઈજિરિયામાં 13.9 મિલિયન અને પાકિસ્તાનમાં 10.7 મિલિયન બાળકો અવિકસિત છે. આ ત્રણેય દેશોમાં વિશ્વના કુલ અવિકસિત બાળકોમાંથી અડધાથી વધુ અવિકસિત બાળકો વસવાટ કરે છે. પહેલાની સરખામણીએ ભારતમાં અવિકસિત બાળકોના આંકડામાં ઘણો સુધારો થયો છે. ત્યારે ગ્લોબલ ન્યૂટ્રિશન રિપોર્ટ-2018 ખતરનાક સંકેતો આપી રહ્યો છે.

નેશનલ ફેમિલી હેલ્થ સર્વે પ્રમાણે 2005-06માં અવિકસિત બાળકોની સરખામણીએ 2015-16માં લગભગ દશ ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. 2005-06માં આ આંકડો 48 ટકા બાળકોનો હતો. 2015-16મં ઘટીને 38.4 ટકાએ પહોંચ્યો હતો. બાળકોનો પૂર્ણ વિકાસ નહીં થવો અથવા તેમની લંબાઈ ઓછી રહેવાના કારણે લાંબા સમય સુધી ભરપૂર પોષણ નહીં મળી શકવું પણ કારણ છે.

ગ્લોબલ રિપોર્ટ મુજબ ભારતમાં અવિકસિત બાળકોનું પ્રમાણ તમામ રાજ્યોમાં એક સરખું નથી. ભારતના 604 જિલ્લામાંથી 239 જિલ્લામાં અવિકસિત બાળકોનું પ્રમાણ 40 ટકાથી વધારે છે. કેટલાક જિલ્લામાં આવા બાળકોની સંખ્યા 12.4 ટકા સુધીની છે. તો કેટલાક જિલ્લાઓમાં આ પ્રમાણ 65.1 ટકા પણ છે.

અવિકસિત બાળકોની સાથે જ ભારતમાં કમજોર બાળકોની સંખ્યા પણ ઘણી વધારે છે. ઓછા વજન અને લંબાઈના હિસાબથી દુનિયાભરમાં સૌથી વધારે નબળા બાળકો પણ ભારતીય છે. ભારતમાં 25.4 મિલિયન નબળા બાળકો છે. બાદમાં 3.4 મિલિયનના આંકડા સાથે નાઈજીરિયાનું સ્થાન આવે છે. રિપોર્ટ મુજબ આવા બાળકોની સંખ્યામાં 2005-06ની સરખામણીએ વધારો જોવા મળ્યો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter