GSTV
Ahmedabad GSTV લેખમાળા Health & Fitness

Adenomyosis અને Infertility : ભારતમાં નવદંપતિને બાળકો પેદા કરવામાં નડતી મુશ્કેલી અને તેના ઉપાયો

‘તમારે કંઈ નાનું થયું?’
‘તમારી વહુને હવે કેમ છે?’
‘સારા સમાચાર ક્યારે આપો છો?’
‘બેમાંથી ત્રણ કયારે થશો?’
લગ્ન થાય અને એકાદ વર્ષ પસાર થાય એટલે દંપતીને કે તેમના પરિવારજનોને આવા સવાલો પૂછાવા લાગે. કેમ કે લગ્ન પછીનું સ્વાભાવિક પગલું બાળકના જન્મ અંગેનું જ હોય છે.
એ સ્વાભાવિક પગલાં આડે કેટલીક અડચણો આવે છે. અડચણો મોટે ભાગે સ્વાસ્થ્યને લગતી હોય છે. બાળકો ન થવા પાછળ ઘણા કારણો હોય છે. પરંતુ ભારતમાં બાળક ન થવું એ એક મોટી સામાજિક સમસ્યા છે. અનેક ઘરની વહુઓને બાળક ન થવાને કારણે અથવા તો ઈચ્છીત બાળક ન થવાને કારણે જીવવુ દુષ્કર બને છે. જોકે આપણે સામાજિકને બદલે મેડિકલ સાયન્સની વાત કરવાની છે.
અમદાવાદમાં ગર્ભાવસ્થા સાથે સંકળાયેલા 3 મુદ્દા અંગેનો એક આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો હતો. એ સેમિનારનો વિષય Assisted reproductive technology –  Insights and Advancements હતો. તેમાં મુખ્યત્વે ગર્ભાવસ્થા દરમિયાન જોવા મળતી બિમારી Adenomyosis (એડનોમાયોસિસ-ગર્ભાશયની ગાંઠ), IVF અને મેલ ફર્ટિલિટી.. વિશે વાત કરવામાં આવી હતી.

Adenomyosis (એડનોમાયોસિસ)-ગર્ભાશયનો સોજો

એડનોમાયોસિસને સાદી ભાષામાં ગર્ભાશયની દીવાલ પર થતો સોજો કહી શકાય. આ બિમારીઓ વિશે સામાન્ય નાગરિકોમાં તો જાગૃતિ નથી પરંતુ કેટલાક ગાયનેકોલોજિસ્ટો પણ તેનાથી વાકેફ નથી હોતા. માટે આ રોગને કારણે ગર્ભધારણમાં સમસ્યાઓ આવે છે. આ અંગે વાત કરવા માટે અબુ ધાબીના આંતરરાષ્ટ્રીય નિષ્ણાત (Consultant Obstetrics and Gynecology, Consultant Reproductive Health) ખાસ આવ્યા હતા. ડો.ફાતેમીએ કહ્યું હતું કે ઘણી વખત એડનોમાયોસિસને ફાઈબ્રોઈડ માની લેવામાં આવે છે.

શરીરમાં હોર્મોન્સની અનિયમિતતા, અસ્થિરતા હોય, આર્યનની કમી હોય, લીવરની કામગીરીમાં ખામી હોય, એબોર્શન કરાવ્યુ હોય, માસીક બરાબર ન આવતું હોય, કે પછી વારસાગત એવા વિવિધ કારણોસર એડનોમાયોસિસ થઈ શકે છે. દર મહિને માસીક દ્વારા મહિલાના ગર્ભાશયની નકામી ચામડી-માંસ પેશી બહાર નીકળી જાય છે. પરંતુ કોઈક વખત આ કચરો ન નીકળે તો એ ગર્ભાશયની દીવાલમાં જમા થતો રહે. આ કચરો થોડી માત્રામાં જમા થતો હોય છે, માટે શરૃઆતી તબક્કે ગંભીર સમસ્યા લાગતી નથી. અમુક મહિનાના અંતે એ ગાંઠમાં ફેરવાય છે. એ સોજો બાદમાં અવરોધરૃપ બની શકે છે.

આ રોગ પકડાતો ન હોવાનું એક કારણ રજૂ કરતા ડો. ફાતેમીએ કહ્યું હતું કે આપણે એ જ જોઈએ છીએ જે આપણે જોવું હોય છે. દૃષ્ટિ બદલવા માટે લાગુ પડતી આ વાત આમ તો ફિલોસોફિકલ છે. પણ ઘણી વાર ડોક્ટરો એડનોમાયોસિસ પકડી શકતા નથી, કેમ કે એ રોગ છે એવી રીતે તેઓ દર્દીને તપાસતા જ નથી. હવે આ રોગ સતત વધી રહ્યો છે. ગર્ભ ન રહેતો હોય એવા દસ કિસ્સામાંથી 6-7 કિસ્સામાં એડનોમાયોસિસ હોવાનું નિદાન થાય છે. એડનોમાયોસિસની જાણકારી મળે એ પછી Obstetrics & Gynaecology તેની પાસે સારવાર કરાવવી પડે છે. આ સોજો શરીરની અંદર સંવેદનશિલ જગ્યાએ થતો હોવાથી સામાન્ય રીતે તેની હાજરી પારખી શકાતી નથી. એ અંગે જાગૃતિ આવે એ બહુ જરૃરી છે. ખાસ તો વહેલી તકે તેનું નિદાન થાય તો ઘણા યુગલોને સામાજિક મુશ્કેલીમાંથી બચાવી શકાય છે.

ડો. ફાતેમીએ પોતાની વાત પુરી કરતી વખતે મુખ્યત્વે ચાર મુદ્દા પર ભાર મૂક્યો હતો

  • એડનોમાયોસિસ વિશે જાગૃતિ વધારવી જોઈએ
  • એડનોમાયોસિસના નિદાન માટે સોનોગ્રાફીના ક્રાયેટેરિયા વધારે ચોકક્સ બનાવવા જોઈએ
  • દર્દીને રોગની અસર વિશે પહેલેથી જ માનસિક રીતે તૈયાર કરવા જોઈએ
  • આ દિશામાં વધારે સંશોધન કરવાની ખાસ જરૃર છે

IVF અને કુદરતી ગર્ભધાન વચ્ચે તફાવત

કોઈ કારણોસર ગર્ભ ધારણ કરી ન શકાય એમ હોય એ સંજોગોમાં ટેકનોલોજીની મદદથી અન્ય મહિલાની કુખ ભાડે લઈને બાળકને જન્મ આપી શકાય છે. આઈવીએફ (ઈન વિટ્રો ફર્ટિલાઈજેશન) નામની એ ટેકનિક હવે તો સૌ કોઈ જાણે છે. આ ટેકનોલોજી અને કુદરતી રીતે ગર્ભધારણ થાય તેમાં શું તફાવત છે, તેની વિગતવાર સમજુતી ડો.આઝાદી પટેલ (Dr. Azadeh Patel)એ આપી હતી. Obstetrics & Gynaecologyમાં માસ્ટર ડિગ્રી ધરાવતા ડો.પટેલે કહ્યું હતું કે ‘આઈવીએફ એ કુદરતી ગર્ભધારણ પ્રક્રિયાથી થોડી અલગ પ્રક્રિયા છે. કુદરતી ગર્ભધાન વખતે પણ કેટલીક મુશ્કેલીઓ તો થતી જ હોય છે. પરંતુ આઈવીએફની વાત આવે ત્યારે તેમાં મુશ્કેલીઓનું પ્રમાણ દસ-બાર ટકા વધી જતું હોય છે. જોકે તેની જાણકારી દર્દીઓને પહેલેથી જ આપી દેવામાં આવતી હોય છે’.

અલબત્ત, આઈવીએફ એ બાળ જન્મની કૃત્રિમ પ્રક્રિયા છે. આદર્શ સ્થિતિ તો એ છે કે આઈવીએફની મદદ જ ન લેવી પડવી જોઈએ. મહિલાને ગર્ભ રહે એ કુદરતી પ્રક્રિયા છે અને કુદરતી રીતે થાય એ જ વધારે હિતાવહ છે. માટે ડો. ફાતેમીએ કહ્યુ હતું કે આઈવીએફ સુધીની સ્થિતિ જ ન આવે એ તપાસ કરવી જોઈએ. એ માટે એડનોમાયોસિસ ન થાય એ પણ જોવુ જોઈએ.

મેલ ઈન્ફર્ટિલિટિ

એક સમય હતો જ્યારે લગ્ન પછી બાળક ન થાય તો સ્ત્રીને જ જવાબદાર ઠેરવી દેવામાં આવતી હતી. હવે મેલ ફર્ટિલિટી એટલે કે પુરુષની બાળક પેદા કરવાની ક્ષમતા અંગે ઘણી ચર્ચાઓ થતી રહે છે. માટે બાળક ન રહે એમાં પુરુષની અસક્ષમતા (મેલ ઈન્ફર્ટિલિટી)ને પણ એટલી જ જવાબદાર ગણવામાં આવે છે. તો પણ સમાજમાં સ્ત્રીઓને વધારે જવાબદાર ઠેરવવાનું વલણ તો છે જ. પરંતુ મેડિકલ સાયન્સની રીતે જોઈએ તો એક સમયે બાળક ન રહેવા માટે સ્ત્રીઓની અશક્તિ (ફિમેલ ઈન્ફર્ટિલિટી) વધારે જવાબદાર હતી, હવે એવો સમય આવ્યો છે કે પુરુષો પણ સ્ત્રીઓ જેટલા જ જવાબદાર સાબિત થઈ રહ્યા છે. બીજી મોટી સમસ્યા એ છે કે સામાજિક માળખું સતત બદલાઈ રહ્યું છે. એ વચ્ચે દંપંતીઓની બાળકો પેદા કરવાની ક્ષમતાને વિપરિત અસર થઈ રહી છે. બાળક ન રહેતું હોય એવા દંપતિઓની સંખ્યા સતત વધી રહી છે. માટે recent advances in male infertility પર વાત ડો.વિવેક કક્કડે (MCh, MS, Obs. and Gynecology)) કરી હતી. આ ફિલ્ડમાં આવેલી આધુનિક ટેકનિક અને પરિવર્તનો વિશે તેમણે હાજર રહેલા ડોક્ટરોને વિગતવાર માહિતી આપી હતી.
ફર્ટિલિટિ પર સંશોધન કરતા ART Fertility Clinics દ્વારા આ સંશોધન આધારિત મેડિકલ સાયન્સના પ્રસાર અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

In vitro fertilization

સિઝેરિયન અને સૂર્યપ્રકાશનો અભાવ

ભારતની મહિલાઓમાં સિઝેરિયન (C-section) દ્વારા બાળકોને જન્મ આપવાનું પ્રમાણ વધી રહ્યું છે. તેના કારણે મહિલાઓના આરોગ્ય પર લાંબે ગાળે વિપરિત અસર થયા વગર રહેતી નથી. ભવિષ્યમાં ગર્ભધારણ કરવામાં પણ મુશ્કેલી થઈ શકે છે. 5મા નેશનલ ફેમિલી એન્ડ હેલ્થ સર્વે મુજબ 21 ટકાથી વધારે માતાઓ સિઝેરિયન દ્વારા બાળકોને જન્મ આપે છે. આ સરકારી આંકડો છે. વાસ્તવિક આંકડો ઘણો વધારે હોય એવી પુરી શક્યતા છે. જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન કહે છે કે 10-15 ટકા કરતા વધારે માતાઓ સી-સેક્શનનો સહારો લેવો ન જોઈએ.

બીજી તરફ મહિલાઓને મળતા સૂર્ય પ્રકાશનું પ્રમાણ ઘટી રહ્યું છે. તેના કારણે પણ ગર્ભધારણ કરવાની મહિલાની ક્ષમતામાં ઘટાડો થઈ રહ્યો છે. તડકો ન લાગે કે પછી અન્ય કારણોસર યુવતીઓ સતત બુકાની બાંધી રાખતી હોય છે કે દુપટ્ટો વિંટાળી રાખતી હોય છે. એનો ગેરલાભ એ થાય કે જરૃરી સૂર્યપ્રકાશ શરીરને મળતો નથી. એ સમસ્યા તુરંત દેખાતી નથી પરંતુ ગર્ભધાન વખતે વિપરિત અસર જોવા મળે છે. વિટામીન ડીનું જેટલું વધારે પ્રમાણ એટલી પ્રસૂતી સરળ.

Related posts

શું તમે પણ જંક ફૂડ ખાઓ છો? તો થઈ જાવ સાવધાન! થઈ શકે છે કેન્સરની સમસ્યા

Akib Chhipa

શું તમે ક્યારેય રેટ્રો વૉકિંગ વિશે સાંભળ્યું છે? જીમ ન જનારા લોકો માટે છે શ્રેષ્ઠ કસરત

Akib Chhipa

નિયત કરતા વધુ ઊંઘ લેવાથી થઈ શકે છે નુકસાન, આ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થવાનું વધી જાય છે જોખમ

Akib Chhipa
GSTV