GSTV
GSTV લેખમાળા Travel Trending

લેડી રેબિન્સન ક્રૂઝો / એડા બ્લેકજેક માટે મોટો સવાલ હતો લાશ સાથે સફેદ રીંછના ટાપુ પર એકલું રેહવું કઈ રીતે?

એડા બ્લેકજેક

એક જ ટાપુ પર એકલા રહેવાની રોબિન્સન ક્રૂઝોની કથા વિશ્વ સાહિત્યમાં જાણીતી છે. એ તો વાર્તા હતી પરંતુ વિશ્વમાં એવા ઘણા સાહસિકો છે, જે ટાપુ પર કે અવાવરુ જગ્યાએ એકલા રહ્યા હોય. એડા બ્લેકજેકનો સમાવેશ તેમાં થાય છે.
1923ના જૂન મહિનાના આખરી દિવસોની વાત છે, જગ્યા છે આર્કટિક સમુદ્રમાં આવેલો વ્રેંગલર ટાપુ. ટાપુના મધ્યમાં ક્યાંક એક મહિલા બેઠી છે. આ મહિલા નજીક એક લાશ પડી છે, પાસે એક બિલાડી છે અને જોડે સામાનમાં માત્ર થોડો ખોરાક, શિકાર કરવાની સામગ્રી અને પાથરવા માટે રેન્ડિયરની ચામડી. સંભાળવામાં આ વર્ણન કોઈ ફસાયેલી મહિલાનું લાગે છે પણ ખરેખર આ મહિલાએ ઇતિહાસ રચી દીધો હતો. આ મહિલાનું નામ એટલે એડા બ્લેકજેક. 23 વર્ષની એડાએ આર્કટિક સમુદ્રમાં આવેલો વ્રેંગલર ટાપુ પર 2 વર્ષ વિતાવ્યા હતા જે ઇતિહાસમાં ઓજલ થઈ ગયેલો એક અનોખો કિસ્સો છે. આર્કટિકની હાડકા ધીજાવી દેતી ટાઢમાં કોઈના સહારા વગર બે વર્ષ વિતાવનારી આ મહિલાને જેટલી પ્રસિદ્ધિ મળવી જોઇએ તેટલી કોઈ દિવસ મળી નથી. એડા બ્લેકજેકે શા માટે બે વર્ષ આર્કટિકનું આકરી ટાઢમાં વિતાવ્યા તેની કહાની કંઇક આ મુજબની છે.

એડા બ્લેકજેકનું શરૂઆતી જીવન

અમેરિકાના અલાસ્કા પ્રાંતના સ્પ્રસ ક્રીક નામની એક નાનકડી વસાહતમાં 1898માં એડાનો જન્મ થયો હતો. જન્મ સમયે એડા ડેલટક નામ ધરાવતી એડા લગ્ન બાદ એડા બ્લેકજેક બની.  અલાસ્કામાં કૂતરાગાડી ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા જેક બ્લેકજેક સાથે એડાના લગ્ન 16 વર્ષની ઉંમરે થયા હતા. એડાના જીવનમાં જોકે પતિના સહવાસનું સુખ લખ્યું જ નહતું કારણ કે 1921માં જેક એડાને તેના પાંચ વર્ષના દીકરા બેનેટ સાથે મુકીને ભાગી ગયો હતો. વધુ ભણેલી ન હોવાને લીધે પોતાના દીકરાના ભરણપોષણ માટે એડાને પણ પોતાનું ગામ મૂકી 64 કિમીની પગપાળા પ્રવાસ ખેડી નોમ શહેર તરફ પ્રયાણ કર્યું. પૈસા વગર પોતાના દીકરાનું ભરણપોષણ કઈ રીતે કરીશ તે એક સવાલનો જવાબ હજી એડા મેળવે તે પેહલા તેના દીકરાની તબિયત બગડી અને એડાને ખબર પડી કે બેનેટને ટયૂબરકલોસિસ છે. એક નિસહાય મહિલા જેની પાસે ખાવા પૂરતા પણ પૈસા નથી તેના માટે પોતાના દીકરાના ઇલાજ કરાવવો અશકય હતો માટે મજબૂર થઈને એડાએ બેનેટને એક અનાથઆશ્રમમાં મૂકી દીધો. કામની શોધમાં ભટકતી એડાને પ્રથમ મોકો ત્યારે મળ્યો જ્યારે તેની મુલાકાત વિલઝામુર સ્ટેફનસન સાથે થઈ.

સ્ટેફનસન એક કેનેડિયન શોધકર્તા હતો જેને બ્રિટન વત્તી સાઇબેરીયા નજીક આવેલા વ્રેંગલર ટાપુની સફર ખેડી બ્રિટનનું નામ ઊંચું કરવું હતું. સ્ટેફનસન આમ તો પોતાની સાથે પૂરતી તૈયારી કરીને નીકળ્યો હતો પરંતુ તેને તેના સાથીદાર સફળ થશે કે નહીં તે વાતમાં સંદેહ હતો માટે તેણે પોતાની સાથે કોઈ લોકલ રેહવાસી આવે તેવો આગ્રહ રાખ્યો હતો. એડા સાથે સ્ટેફનસનની પેહલી મુલાકાતમાં બંને એ એકબીજા પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો પરંતુ તેઓને બંનેને એકબીજાની જરૂર હોવાને કારણે સ્ટેફનસને એડાને પોતાની ટીમમાં સામેલ કરી લીધી. સ્ટેફનસન માટે છ મહિનામાં વ્રેંગલર ટાપુનો પ્રવાસ ખેડી ઇતિહાસ રચવાનો મોકો હતો માટે તેને જેવો મળે તેવો ભોમિયો લઈને પણ ઝટ પ્રવાસ ખેડવો હતો. સ્ટેફનસન અને તેના ત્રણ સાથીદાર સાથે એડાને માત્ર સહાયક રૂપે જોડવાનું હતું માટે તેનો પગાર 50 ડોલર પ્રતિ માસ નક્કી કરવામાં આવ્યો હતો. પોતાના દીકરાને બચવવા અને પોતાની પાસે લઈ આવવા એક મજબૂર મા માટે તો 50 ડોલર પણ ઘણી મોટી રકમ હતી માટે એડાએ સ્ટેફનસનની ઑફર તરત સ્વીકારી લીધી.  

ઐતિહાસિક સફરનો આરંભ!

સ્ટેફનસન સાથે એક વર્ષનો કરાર કર્યા બાદ 21 સપ્ટેમ્બર 1921ના રોજ એડાએ પોતાની ઐતિહાસિક સફરનો આરંભ “સિલ્વર વેવ” નામના જહાજમાં કર્યો હતો. આ જહાજમાં સ્ટેફનસનના ત્રણ સાથીદાર, એડા અને વિક્ટોરિયા નામની એક બિલાડી સવાર હતી. એડા માટે આ સફર બિલકુલ અનોખી હતી કારણ કે તેણે કોઈ દિવસ આ પ્રકારનું કામ કર્યું નહતું. સફરની શરૂઆત તો સ્ટેફનસન અને તેના સાથીદાર સૌ માટે સારી રહી હતી પરંતુ જેમ જેમ વ્રેંગલર ટાપુ નજીક આવતો ગયો તેમ એડાની ચિંતા વધવા લાગી. હકીકતમાં એડાએ જેટલો ધાર્યો હતો તેના કરતાં વ્રેંગલર ટાપુની વધુ વિશાળ અને વેરાન હતો. એડાને ઘણી વાર વિચાર આવ્યો કે સફરને અધવચ્ચે રોકી દેવી જોઈએ પંરતુ તેનાથી એવું થયું નહિ. એક મજબૂર માં હોવાના નાતે એડાને ઘણી વાર પોતાના દીકરાની યાદમાં રડવું પણ આવી જતું હતું પણ તેમ છતાં પણ સ્ટેફનસન અને તેના સાથીદારની હિંમત ઓછી ન થાય તેના માટે એડ પોતાના આંસુ છુપાવતી હતી.

સફરની શરૂઆતનો એક મહિનો તો એડા, સ્ટેફનસન અને તેના સાથીદારનો ખૂબ આસાનીથી વીતી ગયો પરંતુ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ સ્ટેફનસનને ડર લાગવા માંડ્યો હતો. સ્ટેફનસને એવું નક્કી કર્યું હતું કે એક વર્ષમાં પ્રવાસ પૂરો કરી પાછું ફરવું ત્યાં રસ્તામાં એક તોફાનમાં તેમનું જહાજ પડી ભાંગ્યું. સ્ટેફનસન પાસે અત્યાર સુધી જહાજનો સહારો હતો જ્યારે હવે તે સૌ સંપૂર્ણ પણ નિસહાય થઈ ગયા હતા. આટલું જ થયું હતું કે તેવામાં સ્ટેફનસનનો એક સાથીદાર નાઈટ બીમાર પડ્યો. નાઈટને જે બીમારી લાગુ પડી હતી તેમાં તે સફર ખેડી શકે તેમ નહતો માટે સ્ટેફનસને નાઈટ અને એડાને મૂકીને આગળ વધવાનું નક્કી કર્યું. વ્રેંગલર ટાપુ પર કોઈ કારણોસર ફસાય જવાય તો સ્ટેફનસન અને તેના સાથીદારને બચાવવા માટે એક કેનેડિયન જહાજ આવે તેવું પણ પેહલાથી નક્કી કરવામાં આવ્યું હતું કે માટે સ્ટેફનસન અને તેના સાથીદારોએ વ્રેંગલર ટાપુના કેનેડા તરફના ભાગ તરફ પ્રયાણ કર્યું.

સાથીદારની વિદાય

બીજી તરફ પોતાના કામ પ્રત્યે લાગણી ધરાવતી એડાએ દિવસ રાત જોયા વગર નાઈટની સેવા કરવાની શરૂ કરી દીધી. નાઈટની બીમારી ભયંકર હતી અને તેનું બચવું લગભગ અશક્ય હતું તે વાત એડા કદાચ જાણતી હતી તેમ છતાં પણ તેણે નાઈટને સાજો કરવા માટે પૂરતો પ્રયાસ કર્યો. નાઈટનું ધ્યાન રાખવા ઉપરાંત એડાએ તંબુ બાંધવો, શિકાર કરવો, માંસ સાચવી રાખવું વગેરે જેવા કામમાં પણ પોતાનો હાથ અજમાવવાનું શરુ કરી દીધું. એડાનું નાનપણ જે જગ્યા પર વિત્યું હતું ત્યાં તેને શિકારનું પ્રશિક્ષણ લીધું હતું માટે શિકાર કરવો તેના માટે અઘરું કામ નહતું. તેમ છતાં પણ વ્રેંગલર ટાપુની કડકડતી ઠંડીમાં કપાળ જેવા કોરાકટ વિરાનામાં શિકાર શોધવો સેહલું કામ નહતું. પોતાના નવરાશના સમયે શિકારની બચેલી ચામડી માંથી એડાએ બે નાની નાવડી પણ તૈયાર કરી હતી. આ રીતે નાઈટની સેવા કરતા કરતા વ્રેંગલર ટાપુ પર એડાએ પોતાના જીવનના લગભગ બે વર્ષ વિતાવ્યા હતા. એડા પોતે જાણતી હતી કે જો સમયસર મદદ ન મળી તો નાઈટની જેમ બીમારીથી પીડાઇને તેનું પણ મોત પાક્કું છે, તેમ છતાં પોતાના દીકરાને અનાર્થઆશ્રમ માંથી પાછો પોતાની સાથે લઈ આવવાની ઝંખનાને એડાને જીવતી રાખી હતી.

સ્ટેફનસનના ગયા બાદ થોડા દિવસોમાં જ 23 જૂન 1923ની કાળમુખી રાત્રે નાઈટનું મોત નિપજ્યું. તે દિવસે સવારે એડા માટે વ્રેંગલર ટાપુવધુ વસમો થઈ પડ્યો. એડા માટે નાઈટની મોત કરતા પણ વધુ અઘરો સવાલ હતો એક લાશ સાથે પોલાર રીંછથી ઘેરાયેલા ટાપુ પર એકલું રેહવું કઈ રીતે? એડા પાસે નાઈટની લાશ બળવા પૂરતા લાકડા હતા પરંતુ ઠંડીમાં કડક થઇ ગયેલી લાશને ઘસડીને એક તરફ કરવાની તાકાત એડામાં નહતી માટે તેને નાઈટની લાશને ઠેકાણે પાડવા માટે એક અનોખો ઉપાય શોધી કાઢ્યો. એડાએ સર્વપ્રથમ પોતે ગોઠવેલો કેમ્પ ઉપાડીને દરિયાકાંઠા તરફ મદદ શોધવા જવાનું નક્કી કર્યું. ત્યાર બાદ તેને જરૂરી સમાન ભેગો કરો પોતાની સાથે બાંધી લીધો અને જે તંબુમાં નાઈટને ઇલાજ માટે રાખવામાં આવ્યો હતો તે તંબુના કપડામાં નાઈટની લાશ વિટી તેની ફરતે પથ્થરની નાનકડી દીવાલ રચી નાઈટની એક નાનકડી સમાધિ તૈયાર કરી લીધી.

ટાપુ પર 703 દિવસ

એડા માટે હવે જોકે વિરાનામાં વસમાં દિવસો કાઢવાનો વધુ સમય બાકી નહતો. એડાએ પોતાના કેમ્પને વ્રેંગલર ટાપુના સમુદ્રી વિસ્તારમાં તરફ રાખ્યો હતો જેના કારણે 19 ઓગસ્ટ 1923ના રોજ “ડોનાલ્ડસન” નામના એક જહાજે તેને ત્યાંથી બચાવી લીધી હતી. અલાસ્કા જતુ તે જહાજે જ્યારે એડા બ્લેકજેકને બચવવા વ્રેંગલર ટાપુ પર પોહચ્યું ત્યાં સુધીમાં એડાના આ ટાપુ પર 703 દિવસ વીતી ગયા હતા, જેમાંથી 57 દિવસનો સમય તો તેણે સંપૂર્ણપણે એકલ વિતાવ્યો હતો. એડા જ્યારે અલાસ્કા પોતાના ઘરે પાછા ફરી તો તેના આ અદભૂત સાહસની ઘણા અખબારોએ નોંધ લીધી હતી અને એડાને “લેડી રોબિન્સન ક્રૂઝો” નામ પણ આપવામાં આવ્યું હતું. એડા પછી આવી ત્યાર સ્ટેફનસન પણ તેને મળવા આવ્યો હતો અને તેને એડાને બે વર્ષના હિસાબે નક્કી કરેલા પૈસા અને વ્રેંગલર ટાપુની સફર માટે બ્રિટિશ સરકાર તરફથી મળેલી ભેટની રકમમાં ભાગીદારી આપી હતી. એડા માટે આ રકમ પોતાના દિકરાનો ઇલાજ કરાવવા અને તેને પોતાની સાથે લઈ આવવા માટે પૂરતી હતી. એડાના આ અનોખા સાહસને બીજી પણ ઘણી મોટી સંસ્થા દ્વારા વખાણવામાં આવ્યું હતું પંરતુ એડા બ્લેકજેકને સ્ટેફનસન અને તેના સાથીદાર જેટલી ખ્યાતિ ક્યારેય નથી મળી. એડાએ પોતાની સફર દરમ્યાન ડાયરી લખી હતી જેના આધારે સ્ટેફનસને “The Adventure of Wrangel Island” નામનું એક પુસ્તક લખ્યું હતું. આ પુસ્તકમાં પણ એડાના પાત્રને જોઈએ એટલું સરખી રીતે અંકિત કરવામાં નથી આવ્યું પંરતુ એડાના સાહસનું રસપ્રદ વર્ણન આ પુસ્તકમાં જોવા મળે છે.

વ્રેંગલર ટાપુ પરથી પાછા આવ્યા બાદ એડાને થોડા સમય સુધી ખૂબ પ્રસિદ્ધિ મળી હતી જેનાથી તેના જીવનમાં થોડી ગરીબી ઓછી થઈ હતી પણ જોઈએ એટલે જશ માટે તો એડાને મૃત્યુ સુધી વલખાં મારવા પડ્યા હતા. એડાએ  પોતાના છેલ્લા દિવસો એન્કરેજ નામ શહેરમાં વિતાવ્યા હતા જ્યાં 1983માં 85 વર્ષની ઉંમરે તેનું મોત થયું હતું. જીદને કારણે વિરાન ટાપુ પર પોહચી ગયેલા યુવાનનું કાલ્પનિક પાત્ર રોબિન્સન ક્રુઝો આજે પણ વાંચકોમાં ખૂબ લોકપ્રિય છે જ્યારે બીજી તરફ વાસ્તવમાં તે પ્રકારનું સાહસ ખેડી તેમાંથી જીવતી પછી આવેલી આ મહિલાનું નામ કદાચ મોટા ભાગના લોકોએ કોઈ દિવસ સાંભળ્યું પણ નહિ.આજના યુવાનોમાં નાનીમોટી અસફળતાને કારણે જ્યા જીવન જીવવાની ઈચ્છા ઓછી થતી જોવા મળે છે ત્યાં એડા બ્લેકજેક જેવી યુવતી એક પ્રેરણાસ્ત્રોત સમાન સિદ્ધ થાય તેમ છે.

Related posts

વિકાસ ગાંડો થયો / અમદાવાદમાં ભૂવામાં ખાબક્યો વાહનચાલક, રસ્તાઓ પર તમારી જવાબદારી સાથે નિકળજો!

Zainul Ansari

નેપાળની રાજધાનીમાં સ્ટ્રીટ ફૂડના વેચાણ પર પ્રતિબંધ, કાઠમંડુમાં કોલેરા પ્રસારને રોકવા કવાયત

Hardik Hingu

સંચાલકો બગડ્યા / ગૌશાળા-પાંજરાપોળ માટે 500 કરોડની કરાઇ હતી જાહેરાત, 7 દિવસનું આપ્યું અલ્ટીમેટમ

Zainul Ansari
GSTV