ભવિષ્યમાં વિવેક ઓબરોયને ભાજપની ટીકિટ મળી જાય તો નવાઈ નહીં, હવે ગુજરાત માટે કર્યું આ કામ

વાયબ્રન્ટ સમિટના સમાપન સમારંભમાં દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ કહ્યું હતું કે, વાયબ્રન્ટ સમિટ હવે ગ્લોબલ પ્લેટફોર્મ બની ગયું છે. દેશ અને દુનિયાભરના રોકાણકારો ગુજરાતમાં મૂડીરોકાણ માટે આવી રહ્યાં છે. તેમણે હળવી શૈલીમાં કહ્યું હતું કે ગુજરાત ઉદ્યમશીલતા, વેપારીવૃત્તિ, ઢોકળાં અને દાંડિયા માટે જાણીતા છે. વર્ષો પહેલાં ગુજરાતના લોકોએ દરિયાપાર ઇજીપ્ત અને ચાઇના સાથે પણ વેપાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર દ્વારા જે રોકાણકારોને ભારતમાં મૂડીરોકાણ કરીને વેપાર કરવો છે તેમના માટે લાલજાજમ પાથરવામાં આવી રહી છે, સાથે સાથે કેન્દ્રએ રોકાણ આવતું અટકાવવા માટે બાબુશાહીની ડખલગીરી દૂર કરી ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં વિશ્વમાં 70મું સ્થાન પ્રાપ્ત કર્યું છે પરંતુ કેન્દ્ર 50મું સ્થાન મેળવવા માટે વધુ પ્રયત્નશીલ છે. કેન્દ્ર દ્વારા છેલ્લા સાડા ચાર વર્ષમાં ઉદારિકણને વધુ આગળ લઇ જતા આર્થિક સુધારાના જે પગલાં લીધા છે તેના કારણે ભારત સમગ્ર વિશ્વમાં ઝડપથી વિકાસ પામતું અર્થતંત્ર બની રહ્યું છે, ભારતે હમણાંથી 7 ટકાનો જીડીપી જાળવી રાખ્યો છે જેના પગલે આગામી 2030 સુધીમાં 10 ટ્રીલિયન ડોલર નું કદ ધરાવતું અર્થતંત્ર થશે. અત્યારે ગ્લોબલ રોકાણકારો માટે એક માનિતો દેશ બની ગયો છે. ભારત એ વિશ્વમાં હેપ્પિનેસ કન્ટ્રી છે જ્યારે ગુજરાત એ તેનું લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટી સ્ટેટ બન્યું છે.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું હતું કે વાયબ્રન્ટ સમિટનું પ્લેટફોર્મ એ માત્ર વ્યાપાર ઉદ્યોગ અને રોકાણ આકર્ષવા માટે મર્યાદિત ન રહેતાં હવે ગ્લોબલ નેટવર્કિંગ પ્લેટફોર્મ બન્યું છે. વાયબ્રન્ટના કારણે દેશના અન્ય રાજ્યો પણ આવી સમિટ કરતાં થયાં છે. તેમણે કહ્યું કે ત્રણ દિવસના સમિટ દરમ્યાન એકંદરે 28,346 એમઓયુ થયાં છે, જ્યારે 27,000 જેટલા એમઓયુ નોલેજ શેરીંગ માટે થયા છે. રૂપાણીએ એવો દાવો કર્યો હતો કે ત્રણ દિવસના સમિટની સફળતાના પગલે રાજ્યમાં વ્યાપક પ્રમાણમાં નવું રોકાણ આવશે જેના કારણે રાજ્યમાં નવી ૨૧ લાખ રોજગારીની તકોનું સર્જન થશે.

વાયબ્રન્ટ સમિટથી ગુજરાત બ્રાન્ડિંગ નહીં પણ હવે ગુજરાત બોન્ડિંગ થયું છે. એમએસએમઇ ઉદ્યોગકારોને વૈશ્વિક સ્તરે નેટવર્કિંગની તકો મળી છે. રૂપાણીએ રાજકીય અવલોકન કરીને કહ્યું હતું કે જે લોકો વાયબ્રન્ટ સમિટની ટીકા કરી રહ્યાં છે તેઓ આજે ખોટા પડ્યા છે, કારણ કે જે લોકોને ગુજરાત સાથે વ્યાપાર કરવો છે તે લોકોએ આ સમિટ દરમ્યાન તક ઝડપી લીધી છે. નવી કંપનીઓએ ગુજરાતમાં રોકાણ કરવા માટે ઇચ્છા દર્શાવી છે જેમાં કૃષિ સેક્ટરમાં સામાજીક જવાબદારી અદા કરવા અગ્રણી કંપનીએ દરખાસ્ત રજૂ કરી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે આ સમિટ સફળ રહ્યું છે, એટલું જ નહીં વિવિધ સેક્ટરમાં નવું રોકાણ આવતા યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે. આ તબક્કે વેલસ્પનના ચેરમેન બી.કે.ગોયન્કાએ આવનારા વર્ષોમાં ટેકનિકલ, ટેક્સટાઇલ, કૃષિ માળખાકીય સુવિધાઓમાં 5,000 કરોડનું મૂડોરોકાણ કરવાની જાહેરાત કરી હતી.

2021માં 10મી વાયબ્રન્ટ સમિટ થશે

ગુજરાતની નવમી સમિટના સમાપન પ્રસંગે ગુજરાત સરકારે જાહેર કર્યું હતું કે રાજ્યમાં 2021માં વાયબ્રન્ટની 10મી સમિટનું આયોજન કરાશે. મુખ્યમંત્રીના અગ્રસચિવ એમકે દાસે આ જાહેરાત કરી હતી જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમર્થન આપ્યું હતું.

વિવેક ઓબેરોય ફિલ્મ સ્ટુડિયો બનાવશે

સમાપન સમાંરભમાં ફિલ્મસ્ટાર વિવેક ઓબેરોય ઉપસ્થિત રહ્યાં હતા. તેઓ નરેન્દ્ર મોદીના જીવન પર આધારિત ફિલ્મમાં નરેન્દ્ર મોદીનો રોલ કરી રહ્યાં છે. તેમણે ગુજરાતના પ્રવાસન વિભાગ સાથે ફિલ્મ સ્ટુડિયો ઉભો કરવાના કરાર કર્યા છે. વિવેક ઓબેરોયે ટ્રેડ શોમાં પણ હાજરી આપી હતી.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter