200થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર અને પૂર્વ મંત્રી અંબરીશનું હાર્ટ ઍટેકને કારણે નિધન થયું છે. અંબરીશ 66 વર્ષના હતા. અંબરીશના નિધન બાદ ન માત્ર સિનેમાજગત પરંતુ રાજકીય જગતમાં પણ શોકની લહેર છે. અંબરીશને હાર્ટ ઍટેક આવ્યા બાદ હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું મોડી રાતે અવસાન થયું હતું. અંબરીશના નિધન બાદ સિનેમાજગતની દિગ્ગજ હસ્તીઓએ સોશ્યલ મીડિયા પર શ્રદ્ધાંજલિ અર્પિત કરી.
રજનીકાંતે ટ્વિટર પર લખ્યું કે મારા બેસ્ટ ફ્રેન્ડ અને એક સારા માણસને મેં ગુમાવી દીધો છે. હું તમને બહુ યાદ કરીશ. ભગવાન તમારી આત્માને શાંતિ આપે. આ સાથે જ ફિલ્મ એક્ટ્રેસ રાધિકા સરથકુમારે એક તસવીર પોસ્ટ કરીને અંબરીશને શ્રદ્ધાંજલિ આપી. રાધિકા સરથકુમારે ટ્વિટ કર્યુ કે “અંબરીશ તમે સારા માણસ હતા, હું તમને યાદ કરીશ. આ ખબર સાંભળીને હૃદય તૂટી ગયું. ભગવાન તમારી આત્માને શાંતિ આપે”
જ્યારે બૉલીવુડના બિગ બી અમિતાભ બચ્ચન પણ પોતાને રોકી ન શક્યા અને એક તસવીરને રિટ્વીટ કરીને કહ્યું કે મારા સહકલાકાર અંબરીશના નિધનથી ઘણું દુઃખ થયું છે. ભગવાન તેમની આત્માને શાંતિ આપે. આ સાથે કમલ હાસને પણ કન્નડ ભાષામાં ટ્વીટ કરીને પોતાના મિત્રને ભીની આંખોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
મોહનલાલે પણ લખ્યું કે ભાઈ અને મિત્ર અંબરીશના નિધન વિશે જાણીને ઘણું દુ:ખ થયું. ભગવાન તેમના પરિવારને દુઃખ સહન કરવાની તાકાત આપે.
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુને લખ્યું કે કન્નડ સ્ટાર અંબરીશનું નિધન થયું છે. સવારે જ્યારે જ આ ખરાબ સમાચાર મળ્યા. આ વ્યક્તિ સારા હૃદયના હતાં. ભગવાન તેમની આત્માને શાંતિ આપે.
એક્ટ્રેસ કૃતિ ખરબંદાએ લખ્યું કે અમે લોકો તમને બહુ યાદ કરીશું. અમે લોકોએ માત્ર એક લીજેન્ડ જ નહીં પરંતુ પિતાને ગુમાવ્યા છે. ભગવાન આપની આત્માને શાંતિ આપે સર. આ ખોટથી ઉભરવામાં અમને ઘણો સમય લાગી જશે.