GSTV
ANDAR NI VAT Trending

શ્રદ્ધા, આરાધના, આયુષી / આ ત્રણેય હત્યામાં એક બાબત સમાન છે, જે ઘણા પ્રશ્નો સર્જે છે, જાણો

દિલ્હીમાં શ્રદ્ધા વાલકરની ક્રૂર હત્યાને કારણે લાગેલા આઘાતમાંથી લોકો બહાર આવ્યાં નથી ત્યાં ઉત્તર પ્રદેશમા બનેલી બે ઘટનાએ લોકોને ફરી ખળભળાવી મૂક્યા છે. આ બંને ઘટનામાં મૃતક યુવતીઓ શ્રદ્ધાની જ ઉંમરની છે. બંનેને અત્યંત ક્રૂરતાથી, અમાનવિય રીતે મોતને ઘાટ ઉતારી દેવાઈ છે. બંને ઘટનામાં યુવતીના હત્યારા તેમની અત્યંત નજીકનાં જ લોકો છે.

આ પૈકી પહેલી ઘટના ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લાની છે. આ ઘટનામાં  આઝમગઢ જિલ્લાના ગૌરીનાપુરા ગામ પાસે રોડ પાસેના કૂવામાં યુવતીનો મૃતદેહ મળ્યો નહોતો. શ્રદ્ધાની જેમ જ આ યુવતીના મૃતદેહના પણ પાંચ ટુકડા કરી દેવાયેલા અને તેનું મસ્તક ગાયબ હતું. પોલીસે તપાસ કરતાં યુવતીનું કપાયેલું માથું પણ મળી આવ્યું હતું. તેના આધારે તપાસ કરતાં યુવતીની ઓળખ આરાધના પ્રજાપતિ તરીકે થઈ હતી.

પોલીસે આરાધના પ્રજાપતિના ભૂતકાળની તપાસ કરતાં  ખબર પડી કે આરાધના લગ્ન થયેલા હતા પરતું તે લગ્ન પહેલાં તેને પ્રિન્સ યાદવ નામના યુવક સાથે સંબંધ હતા. પ્રિન્સની બહેન આરાધાનની ખાસ મિત્ર હતી અને પ્રિન્સના ઘરે તેની આવનજાવન હતી. તેના કારણે બંનેની આંખો મળી, પ્રિન્સને  પોતાની બહેનની ફ્રેન્ડ આરાધના પ્રજાપતિ સાથે પ્રેમ થઈ ગયો હતો.

પ્રિન્સ અને આરાધના પ્રેમમાં ગળાડૂબ થયા હતાં ત્યાં અચાનક પ્રિન્સને વિદેશ જવાનું થયું હતું. બંને વચ્ચે વાતચીત ચાલ્યા કરતી હતી પણ આરાધનાને લાગતું કે, પ્રિન્સ ભારત પાછો નહીં આવે. બીજી તરફ તેનો પરિવાર લગ્ન માટે દબાણ કરતો હતો તેથી આરાધનાએ ફેબ્રુઆરીમાં બીજા યુવક સાથે લગ્ન કરી નાંખ્યાં હતા. આ વાતની ખબર પડતા પ્રિન્સ વિદેશથી પાછો આવી ગયો અને આરાધનાને છૂટાછેડા લઈન પોતાની સાથે લગ્ન કરવા દબાણ કરતો હતો.  આરાધના સુખરૂપ ચાલતા પોતાના લગ્નજીવનનો અંત લાવવા તૈયાર ન્હોતી અને તેથી બંને વચ્ચે ખેંચતાણ ચાલ્યા કરતી હતી.

પ્રિન્સને લાગ્યું કે આરાધના નહી જ માને તેથી તેણે તેનો કાંટો કાઢી નાખવાનું નક્કી કર્યું હતું. આરાધનાને મળવાના બહાને બોલવીને પ્રિન્સ પોતાના મિત્રના ખેતરમાં લઈ ગયો. ખેતરમાં આરાધનાની હત્યા કરી નાંખી અને તેની લાશના ટુકડા કરીને કૂવામાં ફેંકી દીધા હતા. લાશ સડવા માંડતાં દુર્ગંધ આવી તેમાં હત્યાનો ભાંડો ફૂટી ગયોને પ્રિન્સ જેલની હવા ખાતો થઈ ગયો હતો.

આરાધના જેવો જ હત્યાનો બીજો કેસ આયુષીનો છે કે જેની લાશ પાંચ દિવસ પહેલાં મથુરા પાસે યમુના એક્સપ્રેસવે પરના સર્વિસ રોડ પરની ઝાડીઓમાં મળી હતી. ઝાડીઓમાં એક મોંઘી ટ્રોલી બેગ પણ પડી હતી ને એ ખોલતાં તેમાંથી લાશ મળી આવી હતી. પોલીસે આજુબાજુમાં તપાસ કરી પણ લાશ કોની છે તેની ખબર ના પડી. પોલીસે દિલ્હીમાં પોસ્ટરો લગાવીને યુવતીની ઓળખ મેળવવા પ્રયત્ન કર્યો પણ તેમાં પણ સફળતા મળી ન હતી.

પોલીસ અંધારામાં ગોથાં ખાતી હતી અને આ કેસ ઉકેલાવાની કોઈ ખાસ સફળતા મળી ન હતી. આ પછી પોલીસને એક અજ્ઞાત વ્યક્તિનો કોલ આવ્યો હતો અને આ સાથે જ બે દિવસમાં તો કેસ ઉકેલાઈ ગયો હતો. કોલ કરનારે આ લાશ આયુષી યાદવની હોવાનો દાવો કર્યો હતો. પોલીસે તપાસ કરતાં ખબર પડી કે, આયુષી  દિલ્હીના બદરપુરાની રહેવાસી હતી અને બીસીએમાં ભણતી હતી. પોલીસ દિલ્હી પહોંચી તો આ વાત સાચી લાગી હતી

પોલીસ આયુષીની માતા, ભાઈ અને પિતાને લઈને મથુરા પહોંચી હતી. હોસ્પિટલમાં જઈને લાશ બતાવી તો લાશ આયુષીની જ હોવાનું સામે આવ્યું હતું.  પોલીસે આકરી પૂછપરછ કરતાં પરિવાર ભાંગી પડયો ને સ્વીકારી લીધું કે, આયુષીની હત્યા તેના જ પિતા નીતિશે કરી હતી.

નીતિશે હત્યા કરવા માટે જે કારણ આપ્યું એ અત્યંત આઘાતજનક છે. આયુષી ૧૭ નવેમ્બરે કોઈને કહ્યા વિના બહાર ફરવા જતી રહી હતી. કલાકો પછી એ પાછી ફરી ત્યારે પિતાએ પૂછતાં તેણે ઉડાઉ જવાબ આપ્યો હતો. તેના કારણે ગુસ્સામાં આવેલા પિતાએ પિસ્તોલ કાઢીને આયુષીને ગોળી મારી દીધી હતી. એક ગોળી છાતીમા વાગી ને બીજી ગોળી માથામાં વાગતાં આયુષીનું તરત મોત થઈ ગયું હતું. આરોપી પિતા પછી બજારમાંથી પોલિથિનની બેગ લઈ આવ્યો હતો. આયુષીની લાશને તેમાં પેક કરીને બેગમાં ભરીને એક્સપ્રેસવે પર ફેંકી દીધી હતી. આયુષીની લાશ દૂર ફેંકેલી તેથી નીતિશ પકડાય એવી શક્યતા ન્હોતી, પણ એક ફોન કોલે નીતિશને ભાંડો ફોડી નાંખ્યો હતો

શ્રદ્ધા, આરાધના અને આયુષી ત્રણેયની હત્યા આઘાતજનક છે. હજુ જીંદગીની મજા માણી શકે એ પહેલાં જ ત્રણેયની જીવનલીલા સંકેલાઈ ગઈ. ત્રણેયની હત્યા અલગ અલગ રીતે થઈ પરતું તેમાં એક વાત સમાન છે કે, ત્રણેયની હત્યામાં આરોપીઓ નજીકના વ્યક્તિ છે.

શ્રદ્ધા કે જે તેના માતા-પિતાને છોડીને પ્રેમી આફતાબ પૂનાવાલા સાથે રિલેશનશીપમાં રહેવા દિલ્હી ગઈ હતી અને તેના આ પ્રેમીએ એ જ તેની હત્યા કરી નાખી હતી. તેના શરીરના ૩૫ ટુકડા કરી નાંખ્યા ને પછી કશું ના બન્યું હોય એમ બીજી યુવતી સાથે અય્યાશીમાં મસ્ત થઈ ગયો હતો. અરાધના પ્રજાપતિએ પણ પ્રિન્સને પ્રેમ કરેલો ને આ પ્રેમના ભરોસે જ એ તેને મળવા ગઈ તેમા મોત મળી ગયું હતું. આયુષીને તો તેના પિતાએ જ ક્રૂરતાથી પતાવી દીધી હતી.

શ્રદ્ધાની હત્યાને રાજકીય રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપ અને ભાજપના નેતા શ્રદ્ધાની હત્યાનો ઉપયોગ રાજકીય ફાયદા માટે કરવા હવાતિયાં મારી રહ્યા છે. આરાધના અને આયુષીની હત્યાના કેસમાં એવા કોઈ પ્રયત્ન થયા નથી પરતું આ ત્રણેય ઘટનાને રાજકારણ સાથે કંઈ લેવાદેવા નથી.

આ ત્રણેય ઘટના ઘણા સવાલ સર્જે છે. આયુષીની હત્યા માટે તો સીધેસીધાં પિતા જ જવાબદાર છે. આ સિવાય જુવાનીના જોશમાં સાચું-ખોટું કે સારું-નરસું નહિ વિચારી શકવાની યુવા પેઢીની નબળાઈ પણ જવાબદાર છે.

Also Read

Related posts

GUJARAT ELECTION / ગુજરાતમાં પ્રથમ તબક્કાની ૮૯ બેઠકો પર આજે મતદાન, પીએમ મોદીએ ટ્વિટ કરી યુવાનોને કહી ખાસ વાત

Kaushal Pancholi

ડીફોલ્ટર્સને પણ કંપની પરનું નિયંત્રણ ગુમાવી દેવાનો ભય રહે છે : આઈબીસી

Padma Patel

GUJARAT ELECTION / શું તમે જાણો છો? મતદાન માટે ભારતમાં કઈ બેઠક પર થયો હતો પ્રથમવાર EVMનો ઉપયોગ

Kaushal Pancholi
GSTV