GSTV

ABVP vs સુરત પોલીસ / યુનિવર્સિટીના ગરબામાં નવો વળાંક આપતો વિડીયો વાઈરલ : ગુજરાત યુનિ.માં એબીવીપીના સભ્યો ભણતર માટે નડતરરૂપ બન્યાં

Last Updated on October 14, 2021 by Vishvesh Dave

સુરતની નર્મદ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. પહેલી નજરે લાગે છે કે ઘટના સામાન્ય નથી. કેમ કે ગરબા કાર્યક્રમો તો ઘણે થતા હોય. પોલીસ દરેક જગ્યાએ પહોંચી વળવાની ત્રેવડ દર્શાવતી નથી. બીજી તરફ એબીવીપીના કાર્યક્રમમાં ભંગ પડ્યો એટલે ઘટનાને રાજકીય રંગ મળી રહ્યો છે. બાકી સરકારને વિદ્યાર્થીઓની કેટલી પરવા છે એ સૌ જાણે છે. આ ઘટનામાં નવાં નવાં વળાંકો સામે આવે છે.


નર્મદ યુનિવર્સિટીના ગરબામાં ઉમરા પોલીસના સ્ટાફે સપાટા બોલાવ્યા તે પહેલાનો ૪૮સેકન્ડનો વિડીયો વાયરલ થયો છે. જેમાં પોલીસ આયોજકો સાથે શાંતિથી વાતચિત કરતી નજરે પડે છે. જોકે, ત્યારબાદ બંને વચ્ચે કેમ અથડામણ થઇ ? તે યુનિવર્સિટીમાં ચર્ચાનો વિષય બન્યો છે. સમગ્ર ઘટનામાં યુનિવર્સિટીના કેટલાક સભ્યો આરંભથી અંત સુધી હાજર હતા.
નર્મદ યુનિવર્સિટીના કેમ્પસના ગરબાના વાયરલ થયેલા વિડીયોમાં કોવિડ ગાઇડલાઇન મુજબ નિયત સંખ્યા કરતા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, એબીવીપીના કાર્યકરો ગરબા રમતા નજરે પડે છે. ગરબા દરમિયાન ઉમરા પોલીસની મહિલા અધિકારી સહિતની એક ટીમ આયોજકો કે વિદ્યાર્થીઓ સાથે શાંતિપુર્વક વાતચિત કરતી નજરે પડે છે. વાતચિત વેળા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વચ્ચે ચાર જ પોલીસ નજરે પડે છે. જોકે, ત્યારબાદ એકાએક વિદ્યાર્થીઓ ઉશ્કેરાયા હતા અને બંને પક્ષે અથડામણ થઇ ગઇ હતી. અને વધુ પોલીસ બોલાવવી પડી હતી.


વાતચિત બાદ ચકમક અને ઝપાઝપીની સમગ્ર ઘટનામાં વિલન કોણ ? તે મુદ્દે યુનિવર્સિટી અનેક ચર્ચા થઇ રહી છે. દરમિયાન યુનિવર્સિટીના કેટલાક સભ્યો ઘટનાનથી શરૃઆતથી અંત એટલે કે ઉમરા પોલીસ મથકે વિદ્યાર્થી-કાર્યકરોને લઇ જવાયા ત્યાં સુધી હાજર હતા. તેમની પુછપરછમાં મહત્વની માહિતી મળી શકે તેમ છે એમ યુનિવર્સિટીના સૂત્રોએ જણાવ્યું છે.


નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલની સામે પાર્કિંગના ગ્રાઉન્ડમાં ડી.જે સાઉન્ડ સાથે ગરબા યોજાયા હતા. જેમાં એક ફિલ્મના ધીરે ધીરે સે મેરી જિંદગીમે આના… ગીત પર વિદ્યાર્થીઓ ગરબા રમતા હતા ત્યારે પોલીસની એન્ટ્રી થઇ હતી. ફિલ્મી ગીત સાથે ગરબાનો વિડીયો પણ વાયરલ થયો છે. તે મુદ્દે એનએસયુઆઇએ પ્રશ્ન કર્યો છે કે, હવે ભાજપ અને એબીવીપી કે શિક્ષણવિદો વિરોધ કરશે કે નહી ?


નર્મદ યુનિવર્સિટીના ગરબામાં વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણના મુદ્દે આજે કુલપતિ ડો.કે.એન.ચાવડા પોલીસ કમિશ્નર કચેરી પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની તટસ્થ તપાસની માંગ કરી હતી. તેમજ જરુર પડયે ઘટના વેળા સીસીટીવી ફુટેજ આપવાની તૈયારી દર્શાવી હતી.


નર્મદ યુનિવર્સિટીના ગરબાનો વિવાદ આખા ગુજરાતમાં ગાજયો છે. રાજ્યની અન્ય યુનિવર્સિટીઓમાં વિરોધ પ્રદર્શનો થયા છે. ત્યારે નર્મદ યુનિવર્સિટી કુલપતિ ડો.ચાવડા આજે પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરને રૃબરુ મળ્યા હતા. અને યુનિવર્સિટી કેમ્પસમાં બનેલી ઘટના અંગે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી પણ કરવા જણાવ્યું હતું. કુલપતિએ જણાવ્યું કે, ગરબાની મંજુરી લેવામાં આવી હતી. ઘટના બની ત્યારના સીસીટીવી ફુટેજ અમારી પાસે છે. તપાસ અધિકારી તે માંગશે તો રેકોર્ડીંગ આપીશું.

પોલીસ કમિશ્નર અજય તોમરે જણાવ્યું કે, હાલમાં તપાસ ચાલી રહી છે. તપાસ અધિકારીનો રિપોર્ટ આવે એટલું બધું ક્લિયર થઇ જશે.


નર્મદ યુનિવર્સિટીમાં એક વોટસઅપ ગુ્રપ પર એક ડીપાર્ટમેન્ટના ગરબાના આયોજનનો મેસેજ ફરતો થયો હતો. આ ગુ્રપમાં કેટલાક ઉત્સાહી કાર્યકરો પણ હોવાથી એક ડિપાર્ટમેન્ટના બદલે આખા કેમ્પસના જ ગરબાનું આયોજન કરવાનું નક્કી કરાયુ હતુ. અને તે માટે કુલપતિ પાસે પણ મંજુરી લેવાઇ હતી.


સુરતમાં પોલીસે ગરબે રમતા વિદ્યાર્થીઓને માર માર્યાની ઘટનાના પ્રત્યાઘાત અમદાવાદમાં પણ પડયા છે.એબીવીપીએ સુરતની ઘટનામાં પોલીસ-સરકારનો ઉગ્ર વિરોધ કરતા આજે ગુજરાત યુનિ.માં ભવનો અને પ્રેસ બંધ કરાવ્યા હતા અને વિદ્યાર્થીઓને ક્લાસમાંથી બહાર કાઢી શિક્ષણથી અળગા રાખ્યા હતા તેમજ વીસી લોબીમાં ભારે હોબાળો મચાવ્યો હતો.
આ ઘટવનાની અસર અમદાવાદમાં પણ જોવા મળી હતી. એબીવીપીના કાર્યકરો આજે મોટી સંખ્યામાં ગુજરાત યુનિવર્સિટી પહોંચી ગયા હતા અને કે.એસ.સ્કૂલ ,ભાષા ભવન તેમજ સાયન્સના ડિપાર્ટમેન્ટો સહિતના કેટલાક ભવનો બંધ કરાવ્યા હતા અને વિદ્યાર્થીઓને કલાસમાંથી બહાર કાઢી શિક્ષણ કાર્ય બંધ કરાવ્યુ હતુ.

એબીવીપીએ સુરતની ઘટનાને પગલે યુનિ.માં બે કલાક માટે શિક્ષણ સહિતની કામગીરી બંધ રાખવાની ઉગ્ર માંગણી કરી હતી. ભવનો ખાતે ઊગ્ર રજૂઆતો બાદ એબીવીપીના કાર્યકરો ટાવર પર પહોંચ્યા હતા પરંતુ ત્યાં તાળા મારી દેવાયા હતા ત્યારબાદ તેઓ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલું યુનિ.નુ પ્રેસ પણ બંધ કરાવવા પહોંચ્યા હતા.તમામ ભવનો ફર્યા બાદ ફરીથી એબીવીપી કાર્યકરો અને વિદ્યાર્થી નેતાઓ યુનિ.ટાવરમા આવેલા વીસી કાર્યલયમાં આવી પહોંચ્યા હતા. વીસી લોબીમાં પણ એકઠા થઈને એક કલાક સુધી હોબાળો મચાવ્યો હતો અને ઉગ્ર સૂત્રોચ્ચાર કરી કુલપતિને મળી રજૂઆત કરવાની માંગણી કરી હતી પરંતુ તેઓને અંદર જવા દેવાયા ન હતા. એબીવીપીની આ ગુંડાગીરીને પગલે પોલીસ પણ આવી પહોંચી હતી .


પરંતુ સુરતમાં પોલીસે ગરબે રમતા યુનિ.ના વિદ્યાર્થીઓને માર મારતા એબીવીપીએ જ્યાં રાજ્ય વ્યાપી વિરોધ શરૃ કર્યો છે અને સરકારનો તેમજ પોલીસનો ઉગ્ર વિરોધ કરતા હવે ભારે વિવાદ ઉભો થયો છે ત્યારે ગુજરાત યુનિ.માં ભવનો બંધ કરાવતા અને વીસી લોબીમાં હોબાળો મચાવતા એબીવીપીના કાર્યકરોને પોલીસ રોકી શકી ન હતી અને ફરી કોઈ મોટો વિવાદ ન થાય તે પોલીસે લાઠી ચાર્જ ન કર્યો હતો.પરંતુ એબીવીપીના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઘર્ષણ થયુ હતું.

આમ એબીવીપીના કાર્યકરોએ તમામ મર્યાદા-નિયમો નેવે મુકી બે કલાક સુધી શિક્ષણ કામગીરી અને વહિવટી કામગીરી ખોરંભે ચડાવી હતી પરંતુ સુરતમાં બનેલી ઘટનાને પગલે એબીવીપીએ ગુજરાત યુનિ.ખાતે વિરોધ પ્રદર્શન કરી શિક્ષણ કાર્ય બંધ કરાવતા અને હંગામો મચાવતા દૂર દૂરથી ભણવા માટે આવતા વિદ્યાર્થીઓ અને યુનિ.ના કર્મચારીઓ-અધિકારીઓમાં રોષ ફેલાયો હતો. વિદ્યાર્થીઓની હિતની વાત કરતુ વિદ્યાર્થી પરિષ વિદ્યાર્થીઓને જ ભણવાથી દૂર રાખે છે તેવી ફરિયાદો ઉઠી હતી.

ALSO READ

Related posts

હોબાળો/ આદિવાસી ન હોવા છતાં નિમિષા સુથારને આરોગ્ય મંત્રી બનાવી દીધા, ભાજપના સાંસદે ભાજપના જ મંત્રી સામે મોરચો માંડયો

Pravin Makwana

ગુજરાત સરકારનો મોટો નિર્ણય/ સરકારી નોકરીમાં પતિ-પત્નીને એક જગ્યાએ કે નજીકના સ્થળે મૂકવા આદેશ, પાંચ વર્ષનો નિયમ રદ

Pravin Makwana

ચેતી જજો: પાંચ વર્ષમાં 20થી 40 વયના યુવાનોમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધ્યું! સ્ટ્રેસ, અત્યંત ઝડપી જીવનશૈલી, અપૂરતી ઉંઘ સહિતના પરીબળો

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!