ભારતના સૌથી મોટા બેંક ફ્રોડ કેસમાંથી એક એબીજી શિપયાર્ડ લિમિટેડ અને તેના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ઋષિ કમલેશ અગ્રવાલ સહિતના પક્ષકારો સામે બેંકો દ્વારા કરવામાં આવેલ છેતરપિંડીની ફરિયાદને આધારે સીબીઆઈએ રૂ. 22,842 કરોડના બેંકફ્રોડનો કેસ દાખલ કર્યો છે.
સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા નોંધાયેલો આ સૌથી મોટો બેંક ફ્રોડ કેસ છે. દેશની સૌથી મોટી બેંક, એસબીઆઈના નેજા હેઠળના લેણદારોના સમૂહે કરેલ ફરિયાદને આધારે સીબીઆઈએ અગ્રવાલ ઉપરાંત તત્કાલિન એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સંથાનમ મુથાસ્વામી, ડિરેક્ટર્સ અશ્વિની કુમાર અગ્રવાલ, સુશીલ કુમાર અગ્રવાલ અને રવિ વિમલ નેવેટિયા અને અન્ય એક કંપની એબીજી ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડનું નામ આઈપીસી અને પીએમએલએ કાયદાના ઉલ્લંઘન બદલ કેસમાં નોંધવામાં આવ્યું છે.

બેંકે સૌપ્રથમ 8 નવેમ્બર, 2019ના રોજ ફરિયાદ નોંધાવી હતી જેના પર સીબીઆઈએ 12 માર્ચ, 2020ના રોજ કેટલીક સ્પષ્ટતાઓ માંગી હતી. બેંકોએ ફરી તે જ વર્ષે ઓગસ્ટમાં નવી ફરિયાદ નોંધાવી હતી. દોઢ વર્ષથી વધુ સમય સુધી તપાસ કર્યા પછી સીબીઆઈએ 7 ફેબ્રૂઆરી, 2022ના રોજ ફરિયાદના આધારે એફઆઈઆર દાખલ કરી છે.
કંપનીને 28 બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવ્યું હતુ. ભારતના 28 લેણદારોમાં સૌથી વધુ પૈસા 7089 કરોડ આઈસીઆઈસીઆઈ બેંકે લેવાના બાકી નીકળે છે. આ સિવાય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાનું એક્સપોઝર રૂ. 2,468.51 કરોડ છે. આઈડીબીઆઈ બેંકે 3634 કરોડ, બેંક ઓફ બરોડાના 1614 કરોડ, પીએનબીના 1244 કરોડ અને આઈઓબીના 1228 કરોડ લેવાના બાકી છે.

ફોરેન્સિક ઓડિટ રિપોર્ટ દર્શાવે છે કે 2012-17ની વચ્ચે આરોપીઓએ સાથે મળીને કંપનીના નાણાંભંડોળનું ડાયવર્ઝન, ગેરઉપયોગ અને વિશ્વાસ ભંગ સહિતની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી હતી. અમદાવાદમાં 1986માં સ્થપાયેલ આ ABG સમૂહની ફડચામાં ગયેલ આ કંપની 22 લેણદારોમાંથી સૌથી વધુ દેવું આઈસીઆઈસીઆઈ બેંકને ચૂકવવાનું બાકી છે જેણે રૂ. 4400 કરોડ, એસબીઆઈના રૂ. 678 કરોડ અને બેંક ઓફ બરોડાના રૂ. 1168 કરોડ ફસાયેલા હતા.
ABG શિપયાર્ડ અંગે જાણવા જેવું…
- ગુજરાતના દહેજ અને સુરતમાં કંપનીના શિપબિલ્ડિંગ કારખાનાં છે
- 2010માં વેસ્ટર્ન ઈન્ડિયા શિપયાર્ડના અધિગ્રહણ સાથે કંપની ભારતના સૌથી મોટા અલંગ ધરાવતું એકમ બન્યું
- 2011-12થી કંપની કટોકટીની સ્થિતિમાં આવી
- CDR હેઠળ બેંકોએ અમુક રકમ જતી કરી, નવું ફંડ ઉમેર્યું અને દેવાને ઈક્વિટીમાં રૂપાંતરિત કર્યું
- 2013માં 22 લેણદારોએ કોર્પોરેટ ડેટ રીસ્ટ્રકચરિંગનો રસ્તો અપનાવ્યો
- કંપનીનો હવાલો લેણદારોના હાથમાં, 18 મહિનાની મુદતી શરતે નવું રોકાણ થયું
- નવા રોકાણકારોએ કંપનીમાં રોકાણની ઈચ્છા ન દર્શાવી
- ફરી 2015માં કંપનીની સ્થિતિ વણસી, જીઘઇ યોજના લેન્ડર્સે માંડી વાળી
- 2015માં પીપાવાવ ડિફેન્સને ખરીદવા માટે ABG શિપયાર્ડે પ્રયત્ન કર્યો, અનિલ અંબાણી સમૂહે બાજી મારી લીધી
- હાલમાં નાદારી પ્રક્રિયા હેઠળ ચાલી રહેલ અનિલ અંબાણી સમૂહની કંપની રિલાયન્સ ડિફેન્સે પણ એબીજીને ખરીદવા બોલી લગાવી હતી.
Read Also
- અમદાવાદ અને ગેટવિક વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ, કેન્દ્રીય ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કર્યું ઉદ્ઘાટન
- રાજકારણ / શરદ પવારની સલાહ પછી સાંસદ રાઉત રાહુલને સમજાવશે, સાવરકરના મુદ્દે રાહુલ ગાંધી સાથે કરશે ચર્ચા
- IPL 2023 / રોહિત શર્માની જગ્યાએ અમુક મેચોમાં સૂર્યકુમાર યાદવ સંભાળશે ટીમની કમાન, આ છે મોટું કારણ
- નોઈડામાં આંતરરાષ્ટ્રીય સ્તરનું ક્રિકેટ સ્ટેડિયમ બનાવવા મંજૂરી અપાઈ, 40000 દર્શકો માટે હશે બેઠક વ્યવસ્થા
- ભાવનગર / લોન આપવાના નામે અમેરિકાના નાગરિકો સાથે છેતરપિંડી કરનારા ત્રણ શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા