GSTV

બૅન્ક ખાતા સાથેનું આધાર લિન્કેજ કઢાવી નાખો : છે સૌથી જોખમી, ક્યારેય ભરાઈ જશો

બૅન્કના ખાતેદારો તેમના આધારકાર્ડની લિન્ક તેમના બૅન્ક એકાઉન્ટ સાથે શૅર (અન્યને આપે) તો તેવા કિસ્સાઓમાં ફ્રોડ થવાના કેસો વધી રહ્યા હોવાનું બૅન્કના સિનિયર અધિકારીઓનું કહેવું છે. છેતરપિંડી કરનારાઓ બૅન્ક ખાતા સાથેની આધાર લિન્ક શૅર કરનારાઓ ખાતામાંથી નાણાં ખેંચી લેવા માટે છેતરપિંડી કરનારાઓ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ (યુપીઆઈ)નો પણ ઉપયોગ કરે છે. કારણ કે યુપીઆઈમાં પે ટુ આધારની વધારાની સુવિધા છે. આ માર્ગનો ઉપયોગ કરીને પણ નાણાંનો ખાતામાંથી ઉપાડ કરી શકાય છે. ટેક્નોલોજીની ઓછી સમજ ધરાવતા અને આર્થિક બાબતો અંગે ખાસ્સી સૂઝબૂઝ ન ધરાવતા લોકોએ બૅન્ક ખાતા સાથેનું આધાર લિન્કેજ કઢાવી નાખવું જોઈએ.

ઑલ ઇન્ડિયા બૅન્ક ઑફિસર્સ કોન્ફેડરેશનના પૂર્વ જનરલ સેક્રેટરી ડી. થોમસ ફ્રાન્કોએ આ ચેતવણી આપી છે. તેમણે આ માટેનું એક દ્રષ્ટાંત પણ આપ્યું હતું. ૨૧મી ડિસેમ્બરે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયામાંથી બોલું છું એમ જણાવતો એક ફોન ડૉ. લાલમોહન નામની વ્યક્તિને આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ તે સ્ટેટ બૅન્ક ઑફ ઇન્ડિયાનો મૅનેજર હોવાની ઓળખ આપી હતી. ર્ડા. લાલ મોહને તેમનો આધાર નંબર આપ્યો. તેની થોડી મિનિટમાં જ તેમના ખાતામાંથી રૂા. ૫૦૦૦ અને રૂા.૨૦,૦૦૦ મળીને રૂા.૨૫,૦૦૦ ઉપડી ગયા હતા. તેથી ડૉ. લાલમોહને સ્ટેટ બૅન્કના કસ્ટમર કેરમાં ફોન કર્યો હતો. તેમાં તેમનું ખાતું બ્લોક કરી દેવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાંય યુપીઆઈના (યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ)ના માધ્યમથી તેમના ખાતામાંથી પૈસા ઉપડતા રહ્યા હતા. માત્ર રૂા. ૨૦૦નું બેલેન્સ રહ્યું ત્યારે જ પૈસાનો ઉપાડ બંધ થયો હતો.

બૅન્ક એકાઉન્ટ ખોલાવવા માટે આધારકાર્ડ આપવું ફરજિયાત નથી

આ વ્યક્તિએ તેનો પાસવર્ડ શૅર (અન્યને ન આપ્યો) ન કર્યો હોવા છતાંય તેણે ખાતામાંથી સંપૂર્ણ બેલેન્સ ગુમાવવું પડયું હતું. બૅન્ક કહે છે કે તેમણે ખાતેદારનું ખાતું બ્લોક કરી દીધું હતું. છતાંય પેમેન્ટ થતું રહ્યું હતું. આધાર કાર્ડ આ ગરબડ માટે જવાબદાર હોવાનું જણાય છે. આ પ્રકારે આધારકાર્ડ નંબર માગતા ફોન ઘણાં લોકોને થતાં હોવાનું પૂર્વ જનરલ સેક્રેટરીનું કહેવું છે. આ જ રીતે ક્રેડિટ કાર્ડની સમયમર્યાદા પૂરી થઈ ગઈ હોવાથી ક્રેડિટ કાર્ડ અંગેની વિગતો માગતો ફોન પણ છેતરપિંડી કરનારા કૉલર દ્વારા કરવામાં આવે છે. આ પ્રકારના ફોન આવે તો દરેક બૅન્ક એકાઉન્ટ હોલ્ડરે કોઈ જ વિગતો શૅર કરવી નહિ તેવી સ્પષ્ટ સૂચના છે. આ સાથે જ તેમણે બૅન્ક ખાતા સાથેની આધાર લિન્ક દૂર કરી દેવાની પણ માગણી કરી છે. આ મુદ્દે વડાપ્રધાનના કાર્યાલયમાં થયેલી ફરિયાદનું અપેક્ષા પ્રમાણે પરિણામ આવ્યું નથી. જોકે સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં બૅન્ક એકાઉન્ટ ખોલાવવા માટે આધારકાર્ડ આપવું ફરજિયાત ન હોવાનું જણાવી દીધું જ છે.

૧૭મી જુલાઈએ આ અંગે એક પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો

યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ અને ભારત ઇન્ટરફેસ ફોર મની જેવી એપ્લિકેશન તૈયાર કરનાર નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઑફ ઇન્ડિયાએ આધારકાર્ડ આધારિત પેમેન્ટ માટેની યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ મારફતે પેમેન્ટ કરવાની વ્યવસ્થાને બંધ કરી દેવાની સૂચના આપી દીધી છે. યુપીઆઈમાં પે ટુ આધારની વ્યવસ્થા વધારાની વ્યવસ્થા છે. આ પ્રકારની વ્યવસ્થા ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમની પણ છે. તેમાં આધાર નંબરનો ઉપયોગ કરીને બેનિફિટિયરી (લાભાર્થી)ને પૈસા ટ્રાન્સફર કરી શકે છે. વાસ્તવમાં આધારકાર્ડની અને આધારકાર્ડ નંબરની માહિતી બહુ જ સંવેદનશીલ છે. પેમેન્ટની સિસ્ટમમાં તેનો ઉપયોગ કરવા માટેની નવી સુધારેલી વ્યવસ્થા હજી તૈયાર થઈ રહી છે. આ સિસ્ટમ સંપૂર્ણ વિકસી ચૂકી નથી.  આ સ્થિતિમાં યુપીઆઈ-યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ તથા ઇમિડિયેટ પેમેન્ટ સિસ્ટમ(ઇપ્સ)માંથી પે ટુ આધારની વ્યવસ્થા કાઢી નાખવાનું સ્ટિયરિંગ કમિટીની ૫ જુલાઈ ૨૦૧૮ના મળેલી બેઠકમાં જણાવી દીધું છે. સ્ટિયરિંગ કમિટીએ આ દરખાસ્તને મંજૂર પણ કરી દીધી છે. ૧૭મી જુલાઈએ આ અંગે એક પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.

એક જ આધારકાર્ડ નંબર પર અનેક લોન લીધી હોવાના કિસ્સાઓ

સપ્ટેમ્બર ૨૦૧૮માં સુપ્રીમ કોર્ટે આધાર એક્ટની કલમ ૫૭ને ગેરકાયદે ઠેરવી હતી. તેનો અર્થ એ થયો કે ઇ-વોલેટ રાખનારાઓ, મોબાઈલ વોલેટનો ઉપયોગ કરનારાઓ અને મોબાઈલ સબસ્ક્રાઈબર્સે આ માટે તેમનો આધાર નંબર આપવો ફરજિયાત નથી. આ જ રીતે ડિપાર્ટમેન્ટ ઑફ ટેલિકોમ્યુનિકેશને પણ કે.વાય.સી.(તમારા ગ્રાહકને ઓળખો) માટે લેવાતા દસ્તાવેજોમાં આધારકાર્ડ માગવાનું બંધ કરી દીધું છે. આ સંજોગોમાં બૅન્ક ખાતાઓ આધાર સાથે લિન્ક કરાવનારાઓને સાવધાની રાખીને બૅન્કમાં જઈને તેમના આધાર લિન્ક રદ કરાવી દેવા જોઈએ. ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશને પણ આધાર નંબરનો ઉપયોગ કરવાનું બૅન્કોએ બંધ કરી દેવું જોઈએ તેમ જણાવ્યું છે.  ઑલ ઇન્ડિયા બૅન્ક એમ્પ્લોયી એસોસિયેશનના સી.એચ.વેંકટચલમે જણાવ્યું હતું કે આધાર લિન્ક કરાવવાને પરિણામે બૅન્ક ફ્રોડની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. તેમાંય લોન અપાવવાનું કામ કરતાં થર્ડ પાર્ટી એજન્ટોએ આ પ્રકારના ફ્રોડ વધુ કર્યા છે. એક જ આધારકાર્ડ નંબર પર અનેક લોન લીધી હોવાના કિસ્સાઓ પણ બન્યા છે.

Related posts

સ્વદેશ પાછા ફરી રહેલાં નેપાળીઓ ઉપર પોતાના જ દેશની પોલીસે કર્યો લાઠીચાર્જ

Karan

Corona ઇફેક્ટ: અછતના નામે કાળા બજારી શરૂ, દુકાનોમાં સિંગતેલના સહિતના ખાદ્યતેલના ડબ્બા ખૂટી પડ્યા

Bansari

અમદાવાદના વૃધ્ધ દંપતીએ આપી Coronaને માત, આ રીતે જીતી મોત સામેની જંગ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!