મુંબઈ નજીક કલ્યાણ શહેરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આવકવેરા વિભાગે શહેરના થાનકર પાડાના રહેવાસી ચંદ્રકાંત વરકને ૧ કરોડ ૧૪ લાખ રૃપિયાની નોટિસ મોકલી છે. આઈટી વિભાગની નોટિસ જોઈને વરક પરિવારમાં દોડધામ મચી ગઈ છે. નોટિસ બાદ તપાસ કરતાં વરકને ખબર પડી હતી કે તેના નામે કોઈએ ચીનમાં સવા કરોડ રુપિયાના માલસામાનની ખરીદી કરી છે અને હવે તે પોલીસ મથક તથા ઈન્કમટેક્સ ઓફિસ વચ્ચે દોડધામ કરી રહ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ચંદ્રકાંત વરક થાનકર પાડાના દુર્ગા નગરમાં રહે છે. તે થાણેમાં જ એક કુરિયર કંપનીમાં હાઉસ કીપર તરીકે કામ કરે છે. વરકને તેની કંપનીમાંથી દર મહિને માત્ર ૧૦,૦૦૦ રૃપિયા પગાર મળે છે. જ્યારે તેની વાર્ષિક આવક માત્ર ૧ લાખ ૨૦ હજાર રૃપિયા છે. આ પહેલા વરક સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતો હતો.
તાજેતરમાં તેને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી હતી. નોટિસમાં ૧.૧૪ કરોડના એક ટ્રાન્ઝેક્શનની માહિતી માંગવામાં આવી હતી. આટલી મોટી રકમ જોઈને ચંદ્રકાંતને વિશ્વાસ ન થયો અને તેણે નોટિસ ઘણી વખત વાંચી હતી. નોટિસ વાંચીને ચંદ્રકાંતના પગ નીચેથી જમીન સરકી ગઈ.
આ નોટિસમાં લખવામાં આવ્યું છે કે તેના પાન કાર્ડ અને બેંક એકાઉન્ટ દ્વારા ચીનથી ૧.૧૪ કરોડ રૃપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. કોઈએ તેના નામે ચીજવસ્તુઓની ખરીદી કરી છે.
ચન્દ્રકાન્ત વરક આવકવેરા વિભાગે પહોંચ્યો હતો અને ત્યાં અધિકારીઓએ તેને નોટિસની વિગતો સમજાવી ત્યારે તેના હોશકોશ ઉડી ગયા હતા.
આઈટી અધિકારીએ જણાવ્યું કે અમે વરકને આઈટી એક્ટની કલમ ૧૪૮ હેઠળ નોટિસ મોકલી છે. અમે તેમની પાસેથી નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯માં શંકાસ્પદ ડીલની વિગતો માંગી હતી. તેને જવાબ આપવા માટે ૧૩ ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો છે. અધિકારીનું અનુમાન છે કે તેના પેન કાર્ડ અને બેંક ખાતાનો ઉપયોગ કરીને ૧. ૧૪ કરોડનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે. આથી ચંદ્રકાંત વરકને પોલીસ સ્ટેશનમાં જઈને ફરિયાદ નોંધાવવાની સલાહ આપવામાં આવી છે.
ઈન્કમટેક્સ અધિકારીઓની આશંકા અનુસાર વરકે કોઈને પોતાનું પાન કાર્ડ આપ્યું હોય કે તેની વિગતો કોઈ વ્યક્તિ પાસે પહોંચી હોય અને તેણે તેના નામે બેન્ક એકાઉન્ટ ખોલાવી આ વ્યવહાર કર્યો હોય તે શક્ય છે. આ વ્યવહાર વિદેશથી થયો હોવાથી પોલીસ તપાસની પણ ઘણી મર્યાદાઓ છે.
વરકે પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા કાર્યવાહી શરુ કરી છે. દરમિયાન , તેણે રાજ્ય સરકાર તથા ઈનકમટેક્સ વિભાગને પોતાને બિનજરુરી રીતે હેરાન નહીં કરવા અપીલ પણ કરી છે
Also Read
- ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો
- Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા
- IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ
- રાજકારણ / મોહમ્મદ ફૈઝલને ફરી લોકસભાનું સભ્યપદ અપાતાં રાહુલ પણ ફરી સાંસદ બનશે તેવી આશા જાગી
- Vitamin D Deficiency: વિટામિન ડીની ઉણપને દૂર કરવા માટે પીઓ આ હેલ્ધી ડ્રીંક્સ