GSTV
Gujarat Election 2022 SEAT ANALYSIS 2022 Surat ગુજરાત ટોપ સ્ટોરી

માંડવી / કોંગ્રેસની બોલબાલા ધરાવતી બેઠક પર આ વખતે ચતુષ્કોણીય જંગ રસપ્રદ બનશે, ચૌધરી-ગામિત અને વસાવા મતદારોનું પ્રભુત્વ

૨૦૧૨માં વિધાનસભાના નવા સીમાંકનમાં સોનગઢ અને બારડોલીમાંથી છૂટી પડી સુરત જિલ્લાની માંડવી બેઠક અસ્તિત્વમાં આવી હતી. આ બેઠકમાં માંડવી તાલુકાના તમામ ગામો, માંડવી નગર અને તાપી જિલ્લાના સોનગઢ તાલુકાનાં ૬૭ ગામોનો સમાવેશ થાય છે. આ બેઠક બન્યા બાદ સતત કોંગ્રેસનો દબદબો રહ્યો છે. ચૌધરી, ગામિત અને વસાવા મતોનો પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર ભાજપે શિક્ષિત હળપતિ યુવાનને ટિકિટ આપી છે. જ્યારે કોંગ્રેસે લડાયક મિજાજ ધરાવતા વર્તમાન ધારાસભ્ય આનંદ ચૌધરીને રીપીટ કર્યા છે. આ ઉપરાંત આપ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ જોર લગાવી રહી છે, જેથી ચતુષ્કોણીય જંગ થાય તેવી સંભાવના છે. બેઠક અસ્તિત્વમાં આવી ત્યારથી કોંગ્રેસ મજબૂત રહી છે. બેઠક અસ્તિત્વમાં ન હતી તે સમયે પણ આ વિસ્તારમાં કોંગ્રેસનું જ પ્રભુત્વ રહ્યું હતું અને હાલમાં પણ કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં છે. પરંતુ આપ છેલ્લા કેટલાક સમયથી આદિવાસીઓમાં બનાવેલી પકડ આ વખતે કોંગ્રેસને નુકસાન કરે તેવી સંભાવના રાજકીય નિષ્ણાંતો માની રહ્યા છે. આપના ઉમેદવાર સોનગઢ તાલુકામાંથી આવે છે. જેને કારણે ઉત્તર સોનગઢ વિસ્તારના કોંગ્રેસના મતોમાં ગાબડું પાડે તો નવાઈ નહીં. કોંગ્રેસના ઉમેદવારની છાપ એક લડાયક નેતાની છે અને આ વિસ્તારમાં તેમની લોકચાહના પણ વધુ છે. જે કોંગ્રેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. જાતિનું રાજકારણ પણ ભાજપને નડી શકે એમ છે. કોંગ્રેસમાંથી બારડોલી બેઠક પર ધારાસભ્ય રહી ચૂકેલા કુંવરજી હળપતિએ ગત ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરી ૧૬.૨૬ ટકા જેટલા મત મેળવ્યા હતા.

પ્રશ્નોની લડતમાં આગેવાની લેનાર નેતા લોકોને પ્રિય છે

માંડવીના ધારાસભ્યપદે કોંગ્રેસમાંથી પ્રભુ વસાવા ચૂંટાયા બાદ ભાજપમાં પ્રવેશ કરતાં પેટા ચૂંટણીમાં કોંગ્રેસે આનંદ ચૌધરીને ટિકીટ આપી હતી ત્યારથી આનંદ ચૌધરી સતત બે વખત ધારાસભ્ય ચૂંટાયા છે. હાલમાં આદિવાસી વિસ્તારના પ્રશ્નો તેમજ તાપી પાર રીવર લીંક યોજનાના વિરોધની લડતમાં આનંદ ચૌધરીએ આગેવાની લેતાં લોકોમાં આનંદ ચૌધરી નેતા તરીકે ઉભરી રહ્યા છે.

તાપી-નર્મદા-પાર રીવર લીંક યોજના અંગે શ્વતપત્ર બહાર પાડો

તાપી-નર્મદા-પાર રીવર લીંક યોજના લાગુ કરવાની જાહેરાત કરવામાં આવતા માંડવી અને સોનગઢ વિસ્તારમાં પણ તેનો ભારે વિરોધ થયો હતો. હજારોની સંખ્યામાં આદિવાસીઓ રોડ પર ઉતરી આવ્યા હતા. બાદ સરકારે આ યોજના પરત ખેંચી લીધી હતી. જોકે, હજી શ્વેત પત્ર બહાર પાડવાની માંગ નહીં સંતોષાતા આદિવાસીઓની લડત ચાલું જ છે. તો તાકિદે શ્વેતપત્ર બહાર પાડવાની માંગ છે.

માંડવી તા.પં.ભાજપે પ્રથમ વાર કબજે કરી, પાલિકામાં પણ ભાજપ

માંડવી તાલુકામાં ચૌધરી અને વસાવા મતો અને સોનગઢ તાલુકાના ગામોમાં ગામીત મતોનું પ્રભુત્વ રહેલું છે. માંડવી તાલુકામાં સતત કોંગ્રેસના દબદબા વચ્ચે તા.પં. પ્રથમ વખત કબજે કરી છે. જિલ્લા પંચાયતની બેઠકો પણ ભાજપે સત્તા કબજે કરી છે. માંડવીમાં કોંગ્રેસ આગેવાન પરભુ વસાવા ભાજપમાં જોડાઈ સાંસદ બન્યા બાદ માંડવી તાલુકાની સહકારી મંડળીઓમાં ભાજપનો ભગવો લહેરાયો છે. માંડવી પાલિકામાં પણ ભાજપનું અસ્તિત્વ છે.

ઉકાઇ ડેમ અને કાકરાપાર વિયર છતાં સ્થાનિકોને સિંચાઇના પાણીની મુશ્કેલી

આ વિસ્તારમાં તાપી નદી પર ઉકાઈ ડેમ અને કાકરાપાર વિયર આવેલા છે. જે દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન છે. પણ આ વિસ્તાર માટે ખાસ ઉપયોગી બન્યા નથી. અહીં ડેમ હોવા છતાં હજી પણ સિંચાઇ માટે પાણીની મુશ્કેલી પડી રહી છે. કેટલાક વિસ્તારોમાં જળ, જંગલ, જમીનની સમસ્યા પણ હજી જેમની તેમ છે. જેને કારણે આદિવાસી ખેડૂતોમાં હજી પણ સરકાર સામે નારાજગી જોવા મળી રહી છે. વળી લોકોને ઘર આંગણે સારી આરોગ્ય સુવિધા મળી નથી. આ ઉપરાંત રોજગારીનો પણ મોટો પ્રશ્ન છે. સ્થાનિક વિસ્તારમાં લોકોને સારી રોજગારીની તકો ઉપલબ્ધ નહીં હોવાથી દૂર સુધી જવાની ફરજ પડી રહી છે. તાપી નદીમાં રેતીખનનની પણ મોટી સમસ્યા છે.

ચૌધરી સમાજની અવગણના અને જૂથવાદ ભાજપની હારનું કારણ બને

ભાજપનો જૂથવાદ માંડવી બેઠક ઉપર હંમેશા હારનું મુખ્ય કારણ બને છે. ચૌધરી સમાજની અવગણના કરી ભાજપે ગત વખતે ભાજપમાંથી બળવો કરી અપક્ષ ચૂંટણી લડનાર કુંવરજી હળપતિની પસંદગી કરતા મૂળ ભાજપના ચૌધરી અને વસાવા સમાજના આગેવાનોની નારાજગી ચૂંટણી પ્રચારમાં સ્પષ્ટ જોવા મળે છે. ભાજપ તાલુકા અને જિલ્લા પંચાયતના વિજય સાથે જીતવા માટે આશા રાખીને બેઠા છે. જ્યારે કોંગ્રેસનો તો દબદબો છે પણ આ વખતે આપ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી પણ મત મેળવવા કમર કસી રહી હોવાથી કોંગ્રેસ મોંઘવારી, શિક્ષિત બેરોજગારી અને તાપી-પાર-રીવર લીંક યોજનાનો વિરોધને મતોમાં પરિવર્તિત કરવા માટે કમર કસી રહી છે.

READ ALSO

Related posts

આતંરીક ડખ્ખો! ભાજપ સંખેડા બેઠકના ઉમેદવાર સામે પોસ્ટર વોર, પોસ્ટર પર કાળો કુચડો ફેરવ્યો તેમજ ફાડી નખાયા

pratikshah

GUJARAT ELECTION / ચૂંટણી ડ્યૂટીમાં લગાવાયેલા પૈરામિલિટ્રી જવાને AK-56થી બે સાથીઓના લીધા જીવ, અન્ય 2 ઈજાગ્રસ્ત

Kaushal Pancholi

મોરબી! આમઆદમી પાર્ટીનો ગંભીર આરોપ/ ભાજપનો ઝંડો લગાવેલી જીપે આપના ઉમેદવાર પર ચઢાવવાનો કર્યો પ્રયત્ન, પોલીસ રક્ષણની કરી માંગ

pratikshah
GSTV