GSTV
Home » News » દિલ્હીની ફેક્ટરીમાં ભયાનક આગ લાગતાં 43નાં મોત : 63નો બચાવ

દિલ્હીની ફેક્ટરીમાં ભયાનક આગ લાગતાં 43નાં મોત : 63નો બચાવ

ઉત્તર દિલ્હીમાં અત્યંત ભીડવાળા વિસ્તારમાં રવિવારે ચાર માળની એક ગેરકાયદે ફેક્ટરીમાં આગ લાગતાં 43 લોકોનાં મોત નીપજ્યાં હતાં. આ ઘટનાએ દિલ્હી વાસીઓને વર્ષ 1997ની ઉપહાર સિનેમા દુર્ઘટનાની યાદ તાજી કરાવી દીધી. આ ઘટના મુદ્દે રાજકીય પક્ષો એકબીજા પર દોષનો ટોપલો ઢોળી રહ્યા છે. બીજીબાજુ પોલીસે જે ઈમારતમાં આગ લાગી હતી તેના માલિક રેહાનની ધરપકડ કરી લીધી છે. પોલીસ અને અગ્નિશમન વિભાગના અિધકારીઓએ જણાવ્યું કે આ દુર્ઘટનામાં મોટાભાગના લોકોનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી થયું છે. ઈમારતના બીજા માળે વહેલી સવારે 5.00 વાગ્યે આગ લાગી ત્યારે મોટાભાગના લોકો ઊંઘમાં હતા.  ઈમારતમાં ફાયર સેફ્ટી ક્લિયરન્સ ન હોવાનું અગ્નિશમન વિભાગના વડાએ જણાવ્યું હતું.

લોખંડનો દરવાજો બહારથી બંધ હતો

અગ્નિશમન દળના અિધકારીઓનું માનવું છે કે ‘ઈન્ટર્નલ સિસ્ટમ’ ટ્રબલના કારણે શોર્ટ-સર્કિટ થવાથી આગ લાગી હશે. રહેણાક વિસ્તારમાં ચાર માળની ગેરકાયદે ચાલતી ફેક્ટરીનામાં ગ્રાઉન્ડ ફ્લોર પર લોખંડનો દરવાજો બહારથી બંધ હતો. અંદરથી લોકો બચાવો બચાવોની બૂમો પાડતા હતા. અનેક બારીઓ બંધ હોવાથી લોકોને પણ બહાર નિકળવામાં ઘણી તકલીફનો સામનો કરવો પડયો હતો. અનાજ મંડી વિસ્તારમાં સાંકડી ગલીઓના કારણે ફાયરફાઈટર્સને બચાવ કામગીરીમાં ભારે તકલીફોનો સામનો કરવો પડયો. તેમણે ઈમારતમાં જવા માટે બારીઓની ગ્રીલ તોડવી પડી હતી.અગ્નિશમન દળના અિધકારીઓએ જણાવ્યું કે વહેલી સવારે 5.22 કલાકે તેમને આગ લાગ્યાની સૌપ્રથમ વખત માહિતી મળી હતી. માહિતી મળતાં જ 30 ફાયર ટેન્ડર્સ તાત્કાલિક ઘટના સૃથળે પહોંચી ગયા હતા. અંદાજે 150થી વધુ ફાયર ફાઈટર્સે સખત મહેનત કરતી ઈમારતમાંથી 63 લોકોને જીવતા બહાર કાઢ્યા હતા. જોકે, આ ઘટનામાં 43 મજૂરોએ જીવ ગુમાવ્યા હતા જ્યારે અગ્નીશમનદળના બે કર્મચારીઓ સહિત અનેક લોકોને ઈજા પહોંચી છે.

ત્રીજો-ચોથો માળ ધૂમાડાથી ભરાયો

એનડીઆરએફના ડેપ્યુટી કમાન્ડર આદિત્ય પ્રતાપ સિંહે જણાવ્યું કે ઈમારતમાં વ્યાપક પ્રમાણમાં કાર્બન મોનોક્સાઈડ હતો. ત્રીજો અને ચોથો માળ ધુમાડાઓથી ભરાઈ ગયો હતો. મૃતકો અને ઈજાગ્રસ્તોને એલએનજેપી હોસ્પિટલ અને લેડી હાર્ડિનેજ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

ઈમારતમાં સ્કૂલ બેગ, પ્લાસ્ટિકનું કામ થતું

ઈમારતમાં કામ કરતાં મોટાભાગના મજૂરો વસાહતીઓ હતા. ઈમરાતમાં કાપડની બેગ, પ્લાસ્ટિકનું કામ અને બાઈન્ડિંગનું કામ થતું હતું. દિલ્હી ફાયર સર્વિસના વડા અતુલ ગર્ગે કહ્યું કે ઈમારતને ફાયર સર્વિસ તરફથી ફાયર ક્લિયરન્સ અપાયું નહોતું. ઈમારતમાં આગથી બચવા માટે કોઈપણ પ્રકારના ઉપકરણો નહોતા. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ન્યાયિક તપાસનો આદેશ આપ્યો છે.

ભોગ બનેલાઓના પરિવારોને વળતર

દિલ્હી સરકારે પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂ. 10-10 લાખ જ્યારે વડાપ્રધાન મોદીએ વડાપ્રધાન ભંડોળમાંથી પ્રત્યેક પરિવારને રૂ. 2-2 લાખનું વળતર આપવાની જાહેરાત કરી હતી. દિલ્હી સરકારે ઈજા ગ્રસ્તોને પણ રૂ. 1 લાખની સહાય તેમજ સારવારનો તમામ ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી. વડાપ્રધાને ઈજાગ્રસ્તોને રૂ. 50,000ની સહાયની જાહેરાત કરી હતી.

નેતાઓની ભીડથી બચાવ કામગીરીમાં તકલીફ

પોલીસે જણાવ્યું હતું કે તેમણે ઈમારતના માલિક સામે કેસ નોંધ્યો છે. ઈમારતના માલિક રેહાનની ધરપકડ કરી લેવાઈ છે. રેહાન પર આઈપીસીની કલમ 304 અને 285 (બેદરકારી) હેઠળ સદોષ માનવવધ (કલ્પેબલ હોમીસાઈડ)નો કેસ નોંધાયો છે. ઈમારતનો માલિક રેહાન સવારથી ફરાર હતો. આગના સ્થળે રવિવારે સવારે ખૂબ જ અવ્યવસ્થાના દૃશ્યો સર્જાયા હતા. એક તરફ રાજકારણીઓ અને લોકો ઘટના સૃથળે દોડી આવતાં ચારે બાજુ ભારે ભીડ જમા થઈ ગઈ હતી ત્યારે અગ્નિશમન દળના જવાનોને અનેક બેભાન મજૂરોને તેમની પીઠ પર લાદી બહાર લાવવા માટે ખૂબ જ સાંકડા રસ્તાઓમાંથી પસાર થઈને બચાવ કામગીરી હાથ ધરવાની ફરજ પડી હતી. ઈમારતમાં હવાની અવર-જવરની પુરતી વ્યવસૃથા ન હોવાથી મોટાભાગના લોકોનું શ્વાસ રૂંધાઈ જવાના કારણે મોત નીપજ્યું હતું.

એક દિવસ પહેલાં પણ આગ લાગી છતાં બેદરકારી

દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં રવિવારે વહેલી સવારે જે ફેક્ટરીમાં આગ લાગી તેની પાછળના વિસ્તારમાં શનિવારે પણ આગ લાગી હતી, પરંતુ સરકારી તંત્રે તેના પરથી કોઈ બોધપાઠ લીધો નહીં અને બેદરકારી રાખી જેના કારણે  43 કામદારોના જીવ ગયા.

ફાયરમેન રાજેશ અસલી હીરો, 11ના જીવ બચાવ્યા

દિલ્હીમાં અનાજ મંડી વિસ્તારમાં એક ગેરકાયદે ફેક્ટરીમાં લાગેલી આગમાં 43થી વધુ લોકોના મોત નીપજ્યાં છે. આ દુર્ઘટનામાં અગ્નિશમન દળનો એક કર્મચારી અસલી હીરો તરીકે ઊભરી આવ્યો છે. આગના સમાચાર મળતાં જ અગ્નીશમન દળના 30થી વધુ બમ્બા ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને 150થી વધુ ફાયર ફાઈટર્સે બચાવ કામગીરી શરૂ કરી હતી. એવામાં એક કર્મચારી રાજેશે ઈમારતમાં ઘૂસીને પોતાના જીવના ભોગે એકલાએ 11 લોકોના જીવન બચાવ્યા હતા. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈને અગ્નિશમન વિભાગના કર્મચારીની પ્રશંસા કરતાં તેને રિયલ હીરો ગણાવ્યો. જૈને ટ્વીટ કરી, અગ્નિશમન વિભાગના રાજેશ શુક્લા અસલી હીરો છે.  તે પહેલા ફાયરમેન છે, જે ઈમારતમાં ઘૂસ્યા અને 11 લોકોના જીવન બચાવ્યા. 

હવે તું જ આધાર છે,  બાળકોનું ધ્યાન રાખજે  મરતા પહેલાં ભાઈને છેલ્લો ફોન

ઈમામદીનના રૂ. પ,000 બાકી છે, પાછા આપી દે જે : મુશર્રફ

દિલ્હીના અનાજ મંડી વિસ્તારમાં એક ફેક્ટરીમાં રવિવારે સવારે લાગેલી આગમાં 43 લોકોનાં મોત નીપજ્યાં છે. આ ઘટના વચ્ચે એક એવી પીડાદાયક ઘટના સામે આવી છે કે તેનાથી બધા લોકોનું હૃદય ભરાઈ આવ્યું છે.અનાજ મંડી વિસ્તારમાં ફેક્ટરીમાં વહેલી સવારે આગ લાગી ત્યારે ત્યાં ફસાયેલા મુશર્રફ અલીએ બિહારમાં તેના ભાઈને ફોન કર્યો. તે તેને કહી રહ્યો હતો કે હું મરી રહ્યો છું. મારા મર્યા પછી પરિવારનું ધ્યાન રાખનાર કોઈ નથી. હવે તું જ તેમનો આધાર છે. તું તેમનું ધ્યાન રાખજે. મુશર્રફ અલી વહેલી સવારે ફોન કરે છે…

ભાઈ પૂછે છે – આગ કેવી રીતે લાગી… તે કહે છે – ખબર નથી… ભાઈ સલાહ આપે છે કે પોલીસ, ફાયર બ્રિગેડ કોઈને ફોન કરો અને નીકળવાનો પ્રયાસ કરો… મુશર્રફ અલ્લાહને યાદ કરે છે અને કહે છે ભાઈ હવે તો શ્વાસ પણ નથી લેવાતો… મુશર્રફ મોતને સામે જોઈને રડવા લાગે છે. મરતા પહેલાં મુશર્રફ કહે છે ઇમામદિનને 5,000 રૂપિયા આપવાના બાકી છે. તે પાછા આપી દેજે. કોઈના રૂપિયા નથી રાખવા… પછી ઘણા સમય સુધી ફોન પર અવાજ નથી આવતો. પછી ભાઈ પૂછે છે – ગાડી આવી? મુશર્રફનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. તે બોલી પણ નથી શકતો અને થોડીક જ ક્ષણોમાં તેનો અવાજ આવવાનો બંધ થઈ જાય છે.

READ ALSO

Related posts

20 જાન્યુઆરીએ PM મોદી કરશે ‘પરીક્ષા પર ચર્ચા’, જાણો કેટલાં વાગે શરૂ થશે કાર્યક્રમ

Mansi Patel

ભારત -ઓસ્ટ્રેલિયા: મેચ દરમ્યાન આ વિસ્ફોટક બેટ્સમેન થયો ઘાયલ, મેનજમેન્ટ ચિંતામાં

pratik shah

CAAનો વિરોધ: અલીગઢમાં 60-70 મહિલાઓની સામે કેસ દાખલ,લખનૌમાં પ્રદર્શન ચાલુ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!