GSTV
Gujarat Government Advertisement

ભલે ઉગ્યા ભાણ / સોમનાથ પાસે આવેલા સાતસો વર્ષ જૂના સૂર્યમંદિરનો જિર્ણોદ્ધાર થશે, કુલ તો 16 સૂર્યમંદિર છે!

Last Updated on June 11, 2021 by Dhruv Brahmbhatt

સોમનાથ પાસે આવેલા ઐતિહાસિક સૂર્યમંદિરનો જિર્ણોદ્ધાર કરી તેને ફરીથી સજીવન કરવાના પ્રયાસો શરૃ થયા છે. છેક વડાપ્રધાન ઓફિસ સુધી આ મંદિરની નોંધ લેવાતા હવે ગુજરાત પ્રવાસન વિભાગને તેમાં રસ પડ્યો છે. આ મંદિર પુરાતત્વ ખાતાં (આર્કિયોલોજિકલ ડિપાર્ટમેન્ટ)ના તાબામાં છે. પુરાતત્વ ખાતાએ ત્યાં બોર્ડ મારવા સિવાય કશું કર્યુ નથી. સોમનાથના સ્થાનિક આગેવાનો પણ આ અને આવા બીજા મંદિરો તથા અવશેષોની જાળવણી માટે અત્યાર સુધી ખાસ કશું કરી શક્યા નથી. હવે સક્રિય થયા છે, એ સારી વાત છે.

સોમનાથનું ઐતિહાસિક મંદિર જે ભૂમિ પર ઉભું છે, એ વિસ્તાર પ્રભાસ ક્ષેત્ર તરીકે ઓળખાય છે. નામ પ્રમાણે જ આ આખું ક્ષેત્ર એટલે કે વિસ્તાર છે અને ભગવાન શ્રીકૃષ્ણએ તેમના અંતિમ દિવસો અહીં પસાર કર્યા હોવાથી એ પવિત્ર મનાય છે. મદમદ ગઝનીએ વારંવાર સોમનાથ પર આક્રમણ કર્યું ત્યારે સોમનાથ મંદિર ઉપરાંત આસપાસના તમામ ધાર્મિક સ્થળો તોડી પાડ્યા હતા. સોમનાથ પરના આક્રમણનો એ કલંકિત ઈતિહાસ જગજાહેર છે.

અહીં એક સમયે તો 16 સૂર્યમંદિર હતા

અહીં આવતા મોટા ભાગના લોકો સોમનાથ મંદિર અને આસપાસના સ્થળો જોઈને રવાના થતાં હોય છે. હકીકતે અહીં ઘણા સૂર્ય મંદિરો છે. એક સમયે તો 16 સૂર્યમંદિર હતા. પરંતુ આજે તેમાંથી ઘણાખરાના અવશેષોય રહ્યા નથી. સ્કંઘ પુરાણ જે સમયમાં લખાયો ત્યારે સોમનાથ – પ્રભાસખંડમાં સૂર્ય દેવાતાના ૧૬ મંદિરો હતાં. સૂર્યનું એક નામ ભાસ્કર પણ કહેવાય છે તો પ્રભાસ એક સમયે ભાસ્કર તીર્થ તરીકે પણ ઓળખાતું. જે નામ સૂર્યવંશી આર્યો અહીં સમુદ્ર માર્ગે આવી સ્થિર થયા તે વખતે અપાયું હતું.

સોમનાથ નગરપાલિકાના પ્રમુખ પિયુષ ફોફંડીએ આ અંગે જણાવ્યું હતું કે ‘પ્રભાસ ક્ષેત્રમાં ઘણા મંદિરોના અવશેષો છે. એ બધા જ મંદિરો ફરીથી સજીવન થાય, તેમનો જિર્ણોદ્ધાર થાય એ માટે મેં વડા પ્રધાનને ટ્વિટ કરી હતી. વડા પ્રધાને એ ટ્વિટ જોયા પછી કાર્યવાહી કરી હશે. કેમ કે ગુજરાત ટુરિઝમની ટીમ કાલે આવી હતી અને આ મંદિર તથા અન્ય અવશેષો વિશે માહિતી મેળવી ગઈ છે. ટીમે કુલ છ સ્થળોની મુલાકાત લઈ પ્રાથમિક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેના પર આગળ કાર્યવાહી થશે.’

મંદિર તો લગભગ સાતસો વર્ષ જૂનું છે

પ્રભાસ પાટણના આ પ્રાચીન ટીંબાનું ઉત્ખન્ન કાર્ય ગુજરાતના ઈન્ડિયાના જોન્સ કહી શકાય એવા આર્કિયોલોજિસ્ટ પી.પી.પંડ્યાએ 1956-57 દરમિયાન કર્યું હતું. તેમની સાથે આ કામગીરીમાં વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના પ્રોફેસર બી.સુબ્બારાવ પણ જોડાયા હતા. એ વખતે જ અહીંથી મંદિરના અવશેષો મળી આવ્યા હતા. મંદિર તો લગભગ સાતસો વર્ષ જૂનું છે, પણ સમગ્ર વિસ્તારનો ઈતિહાસ ત્રણેક હજાર વર્ષ પાછળ જાય છે.

પ્રભાસ પાટણથી દક્ષિણ-પૂર્વમાં ચારેક કિલોમીટર દૂર આ વિસ્તાર આવેલો છે. અહીં જ પવિત્ર હિરણ નદી પણ વહે છે. તેના કાંઠે આવેલો આ વિસ્તાર નગરાના ટીંબા તરીકે ઓળખાય છે. અહીંથી મોટા પાયે ઉત્ખન્ન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન વાસણો સહિતના અનેક અવશેષો મળી આવ્યા હતા. કેટલાક વાસણો તો આખા ભારતમાં પ્રથમવાર અહીં જ જોવા મળ્યા હતા. માટે તેમને પ્રભાસ વેર (પ્રભાસક્ષેત્રમાંથી મળેલા વાસણના અવશેષો) નામ આપવામાં આવ્યું હતું. વિદ્વાનોના મતે જ્યાં યાદવાસ્થળી થઈ એ જગ્યા આ ટીંબા પર જ હતી.

હવે વડાપ્રધાન ઓફિસે રસ લેતાં ઓફિસરો દોડતાં થયા

આ સમગ્ર વિસ્તારનો વિકાસ થાય એટલા માટે પુરાતત્વ ક્ષેત્રે કામ કરતા રાજકોટના જયાબહેન ફાઉન્ડેશેને અનેક સ્તરે રજૂઆતો કરી હતી. પુરાતત્વ વિભાગે કે ગુજરાત સરકારે તો આ વિસ્તારના વિકાસ પાછળ ખાસ ધ્યાન આપ્યું ન હતું, પણ હવે વડાપ્રધાન ઓફિસે રસ લેતાં ઓફિસરો દોડતાં થયા છે.

ઈતિહાસપ્રેમીઓ કે પુરાતત્વમાં રસ ધરાવનારાઓને આ ટીંબા, અવશેષો, મંદિર સુધી જવું હોય તો એમની સફર કઠીન થાય એમ છે. કેમ કે આસપાસમા ઝાડી-ઝાંખરા ઉગી ગયા છે. જાળવણીનો અભાવ અહીં સ્પષ્ટ જોવા મળે છે. પરંતુ હવે આ મંદિરનો વિકાસ થાય તો સૂર્યની પૂજા કરનારા જાપાન સહિતના અનેક દેશોના પ્રવાસીઓ ત્યાં આવી શકે એમ છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

ચિંતાજનક / પ્રથમ વાર પરમાણું બોમ્બના જથ્થામાં ઘટાડો, બીજી બાજુ ચીન-પાકિસ્તાન વસાવી રહ્યું છે મહાવિનાશક હથિયાર

Dhruv Brahmbhatt

ચિરાગ પાસવાનને વધુ એક ઝટકો / લોકસભામાં કાકા પશુપતિ પારસ હશે LJP ના નેતા, સ્પીકરની મહોર

Dhruv Brahmbhatt

કોવિશિલ્ડના 2 ડોઝ લીધા બાદ વધુ એક મહિલાના શરીરમાં જોવા મળ્યો મેગ્નેટિક પાવર, અનેક કિસ્સાઓ સામે આવ્યાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!