GSTV
News World ટોપ સ્ટોરી

ચીનના 68 ફાઈટર પ્લેન અને 13 યુદ્ધ જહાજો મધ્ય રેખા પાર કરી: તાઈવાનનો દાવો, અમેરિકાએ રોનાલ્ડ રીગન જહાજ કર્યું તૈનાત

અમેરિકન સંસદના અધ્યક્ષ નેન્સી પેલોસીની તાઈવાન મુલાકાતથી ગુસ્સે ભરાયેલા ચીને તાઈવાન પર પોતાનો દાવો વધુ મજબૂત કરતાં નેન્સી પેલોસી અને તેમના પરિવારજનો પર પ્રતિબંધ મૂકી દીધો છે. વધુમાં ચીને સંરક્ષણ, ક્લાઈમેટ ચેન્જ અને અન્ય મુદ્દાઓ પર અમેરિકા સાથેની કેટલીક મહત્વની વાટાઘાટો પણ રદ કરી દીધી છે. બીજીબાજુ સતત બીજા દિવસે સૈન્ય અભ્યાસ કરતાં ચીને તાઈવાનની હવાઈ સરહદનો ભંગ કર્યો હતો. તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચીનના ૬૮ વિમાનો, ૧૩ યુદ્ધજહાજોએ શુક્રવારે મધ્ય રેખા પાર કરી છે. બીજીબાજુ ચીન પર નિયંત્રણ રાખવા માટે અમેરિકાએ તેનું ૯૯ ફાઈટર જેટથી સજ્જ સૌથી મોટું યુદ્ધ જહાજ રોનાલ્ડ રીગન જહાજ તાઈવાન નજીક તૈનાત કરી દીધું છે. 

ચીનના સૈન્યે તાઈવાનને છ બાજુથી ઘેરી લેવાની સાથે પોતાના કબજાવાળા ટાપુઓ પર સૈન્ય અભ્યાસ ચાલુ રાખ્યો છે. ચીને તાઈવાન પ્રવાસ મુદ્દે નેન્સી પેલોસી પર શુક્રવારે પ્રતિબંધ મૂક્યા હતા. ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું કે ૮૨ વર્ષીય નેન્સી પેલોસીએ ચીનની ચિંતાઓની અવગણના કરી છે. તાઈવાનની પેલોસીની મુલાકાત ચીનના સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનો ભંગ છે અને અમેરિકાએ એક ચીન સિદ્ધાંતનો ભંગ કર્યો છે. પેલોસીનું આ પગલું તાઈવાન જલડમરુમધ્યમાં શાંતિ અને સ્થિરતા માટે ખૂબ જ જોખમી છે. પેલોસીના ઉશ્કેરણીજનક પગલાંના કારણે ચીન તેના કાયદાઓને સુસંગત નેન્સી પેલોસી તથા તેમના પરિવારના સભ્યોના ચીનમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકે છે.

પેલોસી પર પ્રતિબંધ મૂકવાની સાથે ચીને અમેરિકા સાથે અનેક મુદ્દાઓ પર સંબંધો ખતમ કરવાની વાત કરી છે. ચીને જળવાયુ પરિવર્તન, સૈન્ય સંબંધની સાથે એન્ટી-ડ્રગ્સ અભિયાનો પર અમેરિકા સાથે સંબંધો ખતમ કરવાની જાહેરાત કરી છે. ચીને જણાવ્યા મુજબ ચીન-અમેરિકા થિયેટર કમાન્ડર વાતચીત અને ચીન-યુએસ ડિફેન્સ પોલિસીકો-ઓર્ડિનેશન વાતચીત રદ કરાઈ છે. આ સિવાય પણ અનેક મુદ્દાઓ પર ચીને અમેરિકા સાથે સંબંધો ખતમ કરી દીધા છે. છેલ્લા કેટલાક સમયમાં બે મહાસત્તાઓ વચ્ચે પારસ્પરિક દુશ્મનાવટના કારણે સંરક્ષણ વાટાઘાટો બંધ થવી એક મોટી ઘટના છે.

ઉપરાંત ચીને ફરી એક વખત અમેરિકાને ચેતવણી આપી હતી. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ કંબોડિયાની રાજધાનીમાં જણાવ્યું કે અમેરિકા મોટું સકંટ પેદા કરવાની ઊતાવળ ના કરે. દરમિયાન છેલ્લા બે દિવસમાં તાઈવાનની આજુબાજુ ચીનના સૈન્ય અભ્યાસમાં ૧૦૦થી વધુ ફાઈટર જેટ અને ૧૦ યુદ્ધજહાજોએ ભાગ લીધો છે. ચીનની સમાચાર એજન્સી શિન્હુઆના અહેવાલ મુજબ તાઈવાનની આજુબાજુ છ ક્ષેત્રોમાં ચાલી રહેલા ‘સંયુક્ત વિરોધ અભિયાન’માં ફાઈટર વિમાનોથી લઈને બોમ્બવર્ષક વિમાનો, વિનાશક જહાજોનો ઉપયોગ કરાયો છે.

દરમિયાન અમેરિકન વિદેશ મંત્રી એન્ટોની બ્લિંકને શુક્રવારે કહ્યું કે, તાઈવાનને ટાર્ગેટ કરીને ચીન તરફથી કરાઈ રહેલો સૈન્ય અભ્યાસ અને જાપાનના વિશેષ આર્થિક ક્ષેત્રમાં મિસાઈલ છોડવા ઉશ્કેરણીજનક કાર્યવાહીના પ્રતીક છે. તેમણે ચીનને તેના આ પ્રકારનાં પગલાં પાછા ખેંચવા આગ્રહ કર્યો હતો. તેમણે ઉમેર્યું કે નેન્સી પેલોસીનો પ્રવાસ શાંતિપૂર્ણ રહ્યો અને તેનાથી તાઈવાન અંગે અમેરિકાની નીતિમાં કોઈ પરિવર્તન આવ્યું નથી. ચીન સાથે તંગદિલી વચ્ચે પણ નેન્સી પેલોસીએ શુક્રવારે કહ્યું કે, અમેરિકન અધિકારીઓને તાઈવાનનો પ્રવાસ કરતાં રોકીને ચીન તેને અલગ-થલગ કરી શકશે નહીં. ચીન અમને તાઈવાનનો પ્રવાસ કરતાં રોકી નહીં શકે.

તાઈવાનના સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે, ચીનના ૬૮ વિમાનોએ શુક્રવારે તેની હવાઈ સરહદનો ભંગ કર્યો છે. તાઈવાન તેની રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખતા આકરી કાર્યવાહી કરશે. વધુમાં અમેરિકાએ ચીનને ધમકાવવા માટે તેના નૌકાદળનું સૌથી મોટું પરમાણુ એરક્રાફ્ટ કેરિયર યુએસએસ રોનાલ્ડ રેગન તાઈવાન પાસે તૈનાત કર્યું છે. આ જહાજ અમેરિકાના સાતમા ફ્લીટનું મુખ્ય જંગી જહાજ છે અને તે ૯૯ જેટલા ફાઈટર વિમાનો અને હેલિકોપ્ટરથી સજ્જ છે. ઉપરાંત તેના પર ત્રણ પ્રકારના ઘાતક હથિયારો તૈનાત છે.

READ ALSO

Related posts

દશેરા નિમિત્તે શોભાયાત્રા દરમિયાન મદરેસામાં ઘૂસી ટોળાએ બળજબરીથી કરી પૂજા, 9 પર FIR, 4ની ધરપકડ

Hemal Vegda

ભારતમાલા પ્રોજેક્ટનો વિરોધ કરવા પહોચેલા ખેડૂતોની પોલીસે અટક કરી, સરકારે નિર્ણય નહીં બદલતા હવે ઉગ્ર આંદોલનના પણ એંધાણ

pratikshah

સાયકલ રેસના કારણે આજથી ત્રણ દિવસ ગાંધીનગરથી સરખેજ તરફનો માર્ગ બંધ, બહાર નિકળતા પહેલા રાખજો સાવચેતી નહીંતર ફસાશો

pratikshah
GSTV