અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પરમવીર વંદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સરહદ પર દેશ માટે જાન ન્યોચ્છાવર કરવા માટે જીવનની બાજી લગાવનારા જવાનોનું સન્માન કરાયુ હતું. આ કાર્યક્રમમાં પચાસ હજાર વિદ્યાર્થીઓ દ્વારા ત્રિરંગો બનાવવામાં આવ્યો હતો અને ૧૬૩ જેટલા સંગીતકારો દ્વારા રાષ્ટ્રગીત અને દેશભક્તિના ગીતોનું ગાન થયું હતું.
આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામન, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વગેરે હાજર રહ્યા હતાં. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ હિન્દુ સંતો પણ સેવાના માધ્યમથી મા ભારતીની સેવા કરી રહ્યા છે, સૌ કોઈએ જ્ઞાતિવાદ, જાતિવાદ છોડીને માત્ર રાષ્ટ્રવાદને જ પ્રાધાન્ય આપવું જોઈએ તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં NCCના વિદ્યાર્થીઓ જોડાયા હતાં. તેમજ NCCની વિદ્યાર્થિનીઓએ સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામનનું ગાર્ડ ઓફ ઓનર આપી સ્વાગત કર્યુ હતુ. આ કાર્યક્રમમાં સંરક્ષણ પ્રધાન નિર્મલા સીતારામને ગાંધી, સરદારની ભૂમિ પર દેશભક્તિના કાર્યક્રમ બદલ અભિનંદન પાઠવ્યા હતાં. તેમજ બાળકો સેનાના જવાનોનું સન્માન કરે તેવી અપીલ પણ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આજના યુવાનોમાં રાષ્ટ્રભક્તિનું સિંચન થાય અને રાષ્ટ્રપ્રેમ વધે તેવા આશયથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ રાષ્ટ્રપ્રેમી શહેરીજનો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો હતો.