નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે એક કેસની સુનાવણી દરમિયાન એક મહત્વપૂર્ણ ટીપ્પણી કરી છે. એનજીટીએ કહ્યું છે કે તેમની સામે આવનારા લગભગ પચાસ ટકા મામલા બ્લેકમેલર દ્વારા કોર્ટમાં ફાઈલ થઈ રહ્યા છે. મંગળવારે એનજીટીએ કહ્યું હતું કે પર્યાવરણના નામ પર જેટલી પણ અરજી નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલમાં થઈ રહી છે. તેમાના અડધોઅડધ લોકો કોર્ટમાં કેસ કરીને બહારના લોકોને બ્લેકમેલ કરે છે. યુપીમાં મથુરા નજીક વૃંદાવનના પાવનધામમાં બની રહેલા ઈસ્કોન મંદિરના નિર્માણ પર પ્રશ્ન ઉઠાવતી એક અરજી પર સુનાવણી દરમિયાન એનજીટી દ્વારા આ મહત્વપૂર્ણ ટીપ્પણી કરવામાં આવી હતી.
આ મામલામાં ઈસ્કોન તરફથી એનજીટી સમક્ષ રજૂ થનારા વકીલે કોર્ટને જણાવ્યું હતું કે મોટાભાગની અરજી કરાયા બાદ પક્ષકારોને બ્લેકમેલ કરવામાં આવતા હોય છે. કોર્ટે દલીલ પર સંમતિ વ્યક્ત કરતા કહ્યુ હતુ કે તેમને ખબર છે કે અહીં કરવામાં આવતી પચાસ ટકાની અરજીઓ બ્લેકમેલ માટે હોય છે. કોર્ટે કહ્યું છે કે માટે હવે તેમના દ્વારા તમામ અરજીઓને નોટિસ કરવામાં આવતી નથી. પરંતુ જે અરજીઓમાં તેમને પર્યાવરણ સાથે સંકળાયેલી ગંભીર સમસ્યાઓ દેખાય છે. તેના પર એનજીટી દ્વારા સુનાવણી કરવામાં આવે છે. વૃંદાવનના એક વ્યક્તિએ એનજીટીમાં અરજી કરીને ઈસ્કોન મંદિરનું નિર્માણ યમુનાની નજીક થઈ રહ્યું હોવાનુ જણાવીને તેના કારણે ઈકોલોજિકલ સિસ્ટમને મોટો ખતરો હોવાનો દાવો કર્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે આ મંદિરને બનાવવા માટે વિભિન્ન વિભાગો પાસેથી એનઓસી પણ લેવામાં આવ્યા નથી.
એનજીટીએ સુનાવણી દરમિયાન જોયું કે વૃંદાવનમાં બની રહેલા ચંદ્રોદય મંદિર માટે તમામ સ્થાનો પરથી એનઓસી લેવામાં આવ્યા છે. લગભગ ત્રણસો કરોડ રૂપિયાની પડતરથી બનનારું આ મંદિર સાતસો ફૂટ લાંબુ હશે. જે ધાર્મિક સ્મારકની દ્રષ્ટિએ વિશ્વમાં સૌથી ઊંચુ હશે. આ મંદિરમાં 70 માળ તૈયાર કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે ગત ત્રણ સપ્તાહોમાં એનજીટી દ્વારા લગભગ 80 અરજીઓને ઉકેલવામાં આવી છે. મોટાભાગની અરજીઓના નિપટરાવા વખતે નિર્દેશ પવામાં આવ્યા છે કે સંબંધિત વિભાગો અને સરકારો સમસ્યાના ઉકેલ માટે કામ કરે. તેના પર પોતાની ઝીણવટભરી નજર રાખે. જો કે એનજીટીએ મંદિર સાથે જોડાયેલા આ મામલામાં સુનાવણી માટે આગામી માસની તારીખ આપી દીધી છે.