GSTV
Home » News » કોહલી કે ધોની નહી, ટીમ ઇન્ડિયાના આ ધુરંધરને મળ્યો ‘વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર’નો પુરસ્કાર

કોહલી કે ધોની નહી, ટીમ ઇન્ડિયાના આ ધુરંધરને મળ્યો ‘વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર’નો પુરસ્કાર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શ્રેષ્ઠતા પૂરવાર કરી ચૂકેલા ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને વિઝડન ઈન્ડિયા અલ્માનકે પ્લેયર ઓફ ધ યર જાહેર કર્યો છે. બુમરાહની સાથે સાથે ભારતની મહિલા ઓપનર સ્મ્રિતિ મંધાનાને પણ આ સન્માન આપવામાં આવ્યંું છે . ભારતના બંને સ્ટાર ક્રિકેટરોએ છેલ્લા એક વર્ષમાં સાતત્યપૂર્ણ દેખાવ કરતાં ટીમ ઈન્ડિયાની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ટ્વેન્ટી-૨૦ના સ્પેશિયાલીસ્ટ તરીકેની ઓળખ ધરાવતા બુમરાહે વન ડે બાદ ટેસ્ટ ક્રિકેટમાં પણ સફળતાના શિખરો સર કરતાં સનસનાટી મચાવી હતી. જ્યારે સ્મ્રિતિ મંધાનાએ ગત વર્ષે આઇસીસીનો મહિલા ક્રિકેટર તરીકેનો અને બેસ્ટ વન ડે પ્લેયર તરીકેનો એવોર્ડ જીત્યો હતો.

વિઝડન ઈન્ડિયા અલ્માનકે પ્લેયર ઓફ ધ યર તરીકે પાંચ ખેલાડીઓની પસંદગી કરી છે, જેમાં ભારતના બંને ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ સન્માન મેળવનારા અન્ય ખેલાડીઓમાં શ્રીલંકાનો ઓપનર અને કેપ્ટન કરૃણારત્ને, અફઘાનિસ્તાનનો એક્સપર્ટ સ્પિનર રાશિદ ખાન તેમજ પાકિસ્તાનનો બેટ્સમેન ફખર ઝમાન પણ સામેલ છે. વિઝડન ઈન્ડિયા અલ્માનકે છેલ્લી સિઝનમાં ખેલાડીઓના દેખાવના મૂલ્યાંકન બાદ એવોર્ડ વિજેતાની પસંદગી કરી છે.

એક સમયે માત્ર ટી-૨૦ સ્પેશિયાલીસ્ટ તરીકે ઓળખાતા બુમરાહે તેની પ્રતિભાની સાબિતી વન ડે અને ટેસ્ટમાં પણ આપી છે. હાલ તે વન ડે બોલર્સ રેન્કિંગમાં નંબર વન છે. જ્યારે ટેસ્ટ બોલર્સમાં ટોપ-ફોરમાં સ્થાન ધરાવે છે. બુમરાહને ગત વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં એન્ટ્રી મળી હતી અને તેણે માત્ર ૧૨ જ ટેસ્ટમાં પોતાનું પ્રભુત્વ સાબિત કરી દીધું છે. તેણે ૧૯.૨૪ની સરેરાશથી ૬૨ વિકેટ ઝડપી છે અને તેની ઈકોનોમી ૨.૬૪ની છે, જેમાં તેણે પાંચ વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ હાંસલ કરી છે. 

 ક્રિકેટમાં બાઈબલ તરીકેની ઓળખ ધરાવતા વિઝડનના જ ઈન્ડિયા અલ્માનકે વર્ષ ૨૦૧૯-૨૦૨૦ની સાતમી વાર્ષિક આવૃત્તિમાં એવોર્ડ વિજેતાઓની સાથે મયંક અગ્રવાલનો વિશિષ્ટ ઉલ્લેખ કર્યો છે. અગ્રવાલે ઘરઆંગણાના ક્રિકેટમાં રનના ઢગલા ખડક્યા હતા. આ પછી તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું હતુ અને તેણે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટના ભરોસા પર ખરા ઉતરીને બતાવ્યું હતુ.

સ્મ્રિતિ મંધાના ભારતની ત્રીજી એવી મહિલા ખેલાડી બની છે કે, જેને વિઝડન ઈન્ડિયા અલ્માનકે ક્રિકેટર ઓફ ધ યર તરીકેનું ગૌરવ બક્ષ્યું છે. અગાઉ ભારતીય વન ડે કેપ્ટન મિતાલી રાજ અને દીપ્તિ શર્માને આ ખિતાબ મળી ચૂક્યો છે. સ્મ્રિતિ મંધાનાએ ૫૦ વન ડેમા ૪૨.૪૧ની સરેરાશથી ૧૯૫૧ રન ફટકારવાની સાથે ૪ સદી અને ૧૬ અડધી સદી નોંધાવી છે. જ્યારે ૬૦ ટી-૨૦માં તેના ૧,૩૪૪ રન છે. 

ભારતના દિગ્ગજ ક્રિકેટરો ગુંડપ્પા વિશ્વનાથ અને લાલા અમરનાથને વિઝડન ઈન્ડિયાના હોલ ઓફ ફૅમમાં સ્થાન આપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુંડપ્પા વિશ્વનાથ ભારતના ક્લાસિક ક્રિકેટરોમાં સ્થાન ધરાવે છે. તેઓએ ૯૧ ટેસ્ટમાં ૪૧.૯૩ની સરેરાશથી ૬,૦૮૦ રન ફટકાર્યા હતા, જેમાં ૧૪ સદી અને ૩૫ અડધી સદી સામેલ છે. તેઓ ૨૫ વન ડે પણ રમ્યા હતા. જ્યારે સ્વ. લાલા અમરનાથના નામે ભારત તરફથી સૌપ્રથમ સદી ફટકારવાનું ગૌરવ અંકિત છે. તેઓ ઈ.સ. ૧૯૩૩થી ૧૯૫૨ દરમિયાન ૨૪ ટેસ્ટ રમ્યા હતા, જેમાં તેમણે એક સદી અને ચાર અડધી સદી સાથે ૮૭૮ રન ફટકાર્યા હતા. તેઓએ ૧૮૬ ફર્સ્ટ ક્લાસ મેચોમાં ૪૧.૩૭ની સરેરાશથી ૧૦,૪૨૬ રન નોંધાવ્યા હતા, જેમાં ૩૧ સદી અને ૩૯ અડધી સદી સામેલ હતી. 

Read Also

Related posts

અમેરિકન થિંક ટેંકે કાશ્મીર બાબતે કર્યો ચોંકાવનારો ખુલાસો, પાડોશી દેશને લાગશે મોટો ઝટકો

pratik shah

CPEC પર અમેરિકાની પાકિસ્તાન પર લાલ આંખ, ચીનની જાળમાં ફસાતા આપી ચેતવણી

Ankita Trada

વિશાલ ગોસ્વામીના ખંડણી રેકેટ, વધુ એક વ્યકિતની કરાઈ ધરપકડ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!