GSTV
Home » News » ભારત-પાકિસ્તાન વચ્ચેના વેપાર-રોજગારને મોટી અસર, પાકથી આવતા સામાન પર 200 ટકા આયાત શુલ્ક લાગુ

ભારત-પાકિસ્તાન વચ્ચેના વેપાર-રોજગારને મોટી અસર, પાકથી આવતા સામાન પર 200 ટકા આયાત શુલ્ક લાગુ

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચ્યો છે જેના કારણે ભારત-પાકિસ્તાન વચ્ચેની અટારી બોર્ડરના વેપાર-રોજગારને અસર પહોંચી છે.

પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ રોષે ભરાયેલી ભારત સરકારે પાકિસ્તાનને આપેલો મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો ખેંચીને ત્યાંથી મંગાવાતી વસ્તુઓ પર ૨૦૦ ટકા આયાત શુલ્ક લાગુ કર્યો છે.

આ કારણે ભારતીય આયાતકારો અને ઉત્પાદકોએ પાકિસ્તાનના વેપારીઓ સાથેના તમામ ઓર્ડર કેન્સલ કર્યા છે અને એડવાન્સ પેમેન્ટ તરીકે ચુકવેલા નાણા પરત કરવા માંગ કરી છે. 

અમૃતસરના એક વેપારીએ જણાવ્યા મુજબ પુલવામા હુમલા બાદ ભારત સરકારે ૨૦૦ ટકા આયાત ડયુટી લાગુ કરતા બોર્ડર પાસે ૨૦૦-૨૫૦ જેટલી ટ્રક ખાલી પડી રહી છે. જ્યારે અમૃતસરના અન્ય એક વેપારીએ જણાવ્યા મુજબ ભારે આયાત ડયુટી લાગુ કરવાના સરકારના આ પગલાને કારણે વેપારીઓને તેમના ટ્રક અને ટાયરના માસિક હપતા ચુકવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. આ કારણે સરકારે પોતાના આ નિર્ણય અંગે પુન:વિચારણા કરવાની જરુર છે. વધુમાં કહ્યું કે આ નિર્ણયથી સરહદી વિસ્તારોમાં આવેલી ખાનપાનની દુકાનોના વેપારને પણ અસર પહોંચી છે. 

અન્ય એક વેપારીએ જણાવ્યા મુજબ માત્ર પંજાબ નહીં પણ જમ્મુ કાશ્મીર સરહદેથી પણ પાકિસ્તાન સાથેના વ્યાપાર બંધ થવા જોઈએ. તમામ વ્યાપારિક સંગઠનો સરકારના નિર્ણયના સમર્થનમાં છે. પરંતુ કાશ્મીરમાં હજુ પણ પાકિસ્તાન સાથનો વ્યાપાર વિનિમય ચાલું છે જેનાથી વાઘા-અટારી બોર્ડર પર લગાવવામાં આવેલો બેન અર્થહીન સાબિત થાય છે. 

૧૯૯૬માં ભારતે પાકિસ્તાનને મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપ્યો હતો. વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશનના નિયમ મુજબ કોઈ દેશ અન્ય કોઈ દેશ સાથે વેપાર કરે અને તે દેશને વેપાર માટે ખૂબ પ્રાધાન્ય આપે તો તે દેશને પ્રાધાન્ય આપનાર દેશ તરફથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો આપવામાં આવે છે. આ દરજ્જો મળવાના કારણે પાકિસ્તાન ભારત પાસેથી માલ ખરીદે તો અમુક પ્રકારના ટેક્સ નથી લાગતા અને તેના માટે ભારતમાંથી ખરીદેલો માલ સસ્તો થઈ જાય છે. 

ભારત ટામેટા, કોબીજ, ખાંડ, પેટ્રોલિયમ ઓઈલ, કોટન, ટાયર, રબર સહિત કુલ ૧૩૭ પ્રકારની વસ્તુઓ અટારી-વાઘા બોર્ડરથી પાકિસ્તાનને નિકાસ કરે છે. સામે ભારત જામફળ, કેરી, અનાનસ, ફેબ્રિક કોટન, પેટ્રોલિયમ ગેસ, પોર્ટલેંડ સીમેન્ટ, સાઈક્લિક હાઈડ્રોકાર્બન સહિત ૨૬૪ પ્રકારની વસ્તુઓ પાકિસ્તાનમાંથી આયાત કરે છે.

પુલવામા હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેના આર્થિક વ્યવહારો પર રોક લગાવી છે. આ કારણે છેલ્લા ૧૧ દિવસથી અટારી-વાઘા બોર્ડર પર પાકિસ્તાનના ટ્રક રોકાઈ રહ્યા છે. પાકિસ્તાનના અનેક વિસ્તારોમાંથી આવેલા સિમેન્ટ અને જિપ્સમ ભરેલા ટ્રકને વાઘા બોર્ડર પર બીએસએફના જવાનો દ્વારા રોકી રાખવામાં આવ્યા છે. આ કારણે ત્યાં ડ્રાઈવર સહિત માલથી ભરેલા ટ્રકોની લાઈન લાગી છે.

તેમણે જણાવ્યા મુજબ તમામ દસ્તાવેજો અને વીઝા ક્લીયર હોવા છતા ભારતે કસ્ટમ ડયુટીમાં અચાનક વધારો કર્યો હોવાના કારણે ભારતીય આયાતકારોએ પોતાના શિપમેન્ટ સ્વીકારવાની મનાઈ કરી દીધી છે. આ કારણે વાઘા બોર્ડર પર ૪૫૦ પાકિસ્તાની ટ્રક માલસહિત અટવાઈ પડ્યા છે તથા વરસાદને કારણે તેમાં રહેલા હજારો ટન જિપ્સમ-ગ્રેનાઈટ અને ૯૫,૦૦૦ બોરી સિમેન્ટને નુકસાન થઈ રહ્યું છે.

Related posts

Nirbhaya Caseમાં ઈન્ટરનેશનલ શૂટર વર્તિકા સિંહે અમિત શાહને લોહીથી લખી ચિઠ્ઠી, કરી આ માંગ

Mansi Patel

રાહુલ ગાંધીની સામે માનહાનિનો કેસ દાખલ કરશે વીર સાવરકરનાં પૌત્ર રંજીત સાવરકર

Mansi Patel

નેપાળમાં ભીષણ દુર્ઘટના : તીર્થયાત્રીઓથી ભરેલી બસ ખીણમાં પડી, 14 લોકોનાં મોત

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!