કોરોના સમયગાળામાં ડોક્ટર, પોલીસ સહિતના લોકોને કોરોના વોરિયર્સ તરીકે નવાજવામાં આવ્યાં છે. આઠ મહિનાથી ઘર, પરિવાર કે પોતાની તબિયતની ચિંતા કર્યા વગર રાઉન્ડ ધ કલોક દવાનું વિતરણ પૂર્વવત રહે તે માટે કાર્યરત રહેલાં ગુજરાતના ૪૦૦૦૦ દવાવાળા એટલે કે મેડિકલ સ્ટોર્સ અને જથ્થાબંધ વેપારીઓની કદર કરવામાં આવી નથી. આઠ મહિનાથી અડીખમ રહીને કાર્યરત દવાબજાર સાથે સંકળાયેલા ૫૦ લોકોએ કોરોના થયા પછી જીવ ગુમાવ્યાં છે અને હજુ ૩૦ લોકો ક્વોરન્ટાઈન છે. ગુજરાત સરકાર અને તંત્ર સાથે ખભેખભા મિલાવીને દવાના વેપારીઓએ માત્ર કમાણી ન જોતાં સેવાભાવ પણ બતાવ્યો છે.
કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને બતાવી કોરોના વેક્સિન લગાવી આપવાની તૈયારી

આમ છતાં, કોરોના વોરિયર હોવાની લાગણી મનમાં રાખીને હવે ઉજ્જવળ ભાવિ માટે કોરોના વેક્સિન લગાવી આપવાની તૈયારી કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને બતાવી છે. દુકાનોના ફાર્માસિસ્ટને સરકાર મંજુરી આપે તો વેક્સિનના જે ભાવે ખરીદાય તે સિવાય એકપણ પૈસો લીધા વગર જ વેક્સિન લગાવી આપવાની રજૂઆત સરકારમાં કરાઈ છે. લાખો લોકોને વેક્સિન આપવાની થશે ત્યારે દવાના વેચાણ સાથે લોકોની દુઆ મળે તેવા હેતુથી કરાયેલી રજૂઆત ગ્રાહ્ય રહેશે કે કેમ તે જોવાનું રહ્યું.

ગુજરાતની બજારોમાં કોરોનાની સીધી અને અવળી અસર પહોંચી છે. દવા બજાર એવી છે કે જેને કોરોનાની માંદગીનો લાભ મળ્યો છે. જરુરી દવાઓની ખરીદીમાં નોંધપાત્ર ઘટાડો થયો નથી પણ મલ્ટીવિટામીન્સ ઉપરાંત કોરોનાની દવાની ડીમાન્ડ વધતાં દવાના વેપારના ટર્નઓવરમાં આઠથી દસ ટકાનો વધારો નોંધાયો છે. બજારના સૂત્રોનું કહેવું છે કે, ખાસ કરીને ઈમ્યુનિટી વધારતી વિટામીન સી અને મલ્ટીવિટામીન્સની ડીમાન્ડ નોંધપાત્ર રહી છે. આ ઉપરાંત, કોરોનાને લગતી દવાની ખરીદી પણ વધી છે. કોરોના કાળમાં લોકો અડધા ડોક્ટર્સ થઈ ગયાં હોય તે રીતે વિટામીન્સ, જીન્ક અને પેરાસિટામોલની ટેબલેટ્સ રાખતાં થયાં છે. કોરોના કાળમાં ડોક્ટર્સનું ટેલીફોનિક કન્સલ્ટેશન વધી ગયું છે ત્યારે દવાની દુકાનો પરથી નુકસાનકારક ન હોય તેવી દવાની ખરીદી સરળતાથી થઈ રહી છે.
કોરોનામાં દવા બજાર સાથે સંકળાયેલા ૫૦થી વધુ લોકોના મોત

કોરોના સમયગાળામાં અમદાવાદના ૫૦૦૦ મળી ગુજરાતના અંદાજે ૪૦૦૦૦ દુવાના દુકાનદારો અને તેમના બે લાખ કર્મચારીઓએ રાત-દિવસ જોયા વગર કામગીરી કરી બતાવી છે. દવા વેચવાના વ્યવસાયમાં માત્ર નફો કરવાના બદલે પહેલી વખત લોકસેવા કરવાની તક મળી તેવા તબક્કે દવાના સપ્લાયને અસર ન પહોંચે અને લોકોને દવા મળતી રહે તે માટે કરવું પડે તે તમામ બાબતો કરવામાં આવી છે. આવી વાત કરતાં ગુજરાત કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસો.ના જનરલ સેક્રેટરી રાજેન્દ્રભાઈ પટેલે જણાવ્યું કે, કોરોનામાં દવા બજાર સાથે સંકળાયેલા ૫૦થી વધુ લોકોના મૃત્યુ થયાં છે અને હાલમાં ૩૦ લોકો કોરોનાગ્રસ્ત બની ક્વોરન્ટાઈન છે.
તો, ફેડરેશન ઓફ ગુજરાત સ્ટેટ કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના પ્રમુખ અલ્પેશ પટેલ કહે છે કે, કોરોનાની વેક્સિન નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ બનવાની છે. લાખો લોકોને સીમિત સંખ્યામાં રહેલાં ડોક્ટર્સ વેક્સિન લગાવી શકે તેમાં લાંબો સમય જાય તેમ છે. દવાની દુકાનોના ફાર્માસિસ્ટ ઈન્જેક્શન (વેક્સિન) લગાવવાનો અનુભવ ધરાવતાં હોય છે. અમે સરકારને રજૂઆત કરી છે કે, દવાની દુકાનેથી વેક્સિન ખરીદવામાં આવે ત્યાં જ ફાર્માસિસ્ટ વેક્સિન લગાવી આપે તેવી છૂટ આપવી જોઈએ.
વેકિસન લગાવવા માટે કોઈ વધારાનો ચાર્જ નહીં લેવાય તેવી તૈયારી દર્શાવવા પાછળનો હેતુ કોરોના સામે વધુમાં વધુ લોકોને સમયસર વેકિસન મળી રહે તેવો છે. રાજ્યના નાનામાં નાના ગામમાં દવાની દુકાન હોય છે ત્યાં પણ વેક્સિન સમયસર લોકોને લગાવી શકાય તેવા સેવાભાવ સાથે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

છેલ્લા આઠ મહિના દરમિયાન દવા બજારે પોતાના વ્યવસાયમાં વૃદ્ધી મેળવવા સાથે સમાજ પ્રત્યે સેવાનો ભાવ પણ બતાવ્યો છે. કમનસીબે, ગુજરાત સરકારે કે લોકોએ રાત-દિવસ એક કરનાર કેમિસ્ટ-ડ્રગીસ્ટ કે તેમના કર્મચારીઓને કોરોના વોરિયર તરીકે બિરદાવ્યાં નથી. દવાબજારે એવા દિવસો પસાર કર્યાં છે કે મેડીકલ સ્ટોરના સંચાલકો અને કર્મચારીઓને પ્રોત્સાહીત કરવા માટે મોટીવેશનલ સ્પિકર્સના વેબીનાર પણ યોજવામાં આવ્યાં હતાં.
આઠ મહિના દરમિયાન દવા ન મળી હોય અને નિરાશા મળી હોય તેવા કિસ્સા ખૂબ ઓછા હશે. કપરી સ્થિતિમાં નિરંતર કામગીરીને શબ્દો થકી બિરદાવવામાં આવે એટલી જ ઈચ્છા છે. દવાબજારમાં એક જ વાત છે કે, દવા અમે પૂરી પાડીશું બસ શાબ્દિક દુઆ મળે તો સેવા કર્યાનું સાર્થક્ય મળ્યાનો અહેસાસ થશે.
Read Also
- Chanakya Niti: વેપાર-ધંધામાં પ્રગતિ માટે આ 4 બાબતોનું રાખો ખાસ ધ્યાન, સફળતા ચુમશે તમારા કદમો
- સેન્સેક્સ એક વર્ષમાં થયો ડબલ : રોકાણકારો થયા માલામાલ, તેજીના આ કારણો વચ્ચે જાણી લો હવે રોકાણ કરવું જોઈએ કે નહીં?
- ગાંધીનગર/ આરોગ્ય કર્મચારી સંઘના બે લીડરની ધરપકડ, એપેડેમિક એક્ટ હેઠળ ગુન્હો થયો દાખલ
- તમને લખપતિ બનાવી શકે છે આ 2 ઈંચનો દેડકો, મિનિટોમાં કોઈપણ વ્યક્તિને સુવડાવી શકે છે મોતની ઊંઘ
- સાવધાન/ ટોઇલેટમાં ભૂલથી પણ ન વાપરો મોબાઈલ ફોન : થઇ શકે છે જીવલેણ બીમારી, નાની બાબત જીવ લેશે