GSTV

9/11 મેમોરિયલ: ધ્વસ્ત થયેલા વર્લ્ડ ટ્રેડ સેન્ટરની જગ્યાએ સ્મારક માટે દુનિયાભરમાંથી 5201 ડિઝાઈનો આવી હતી

વર્લ્ડ ટ્રેડ સેન્ટર

Last Updated on September 9, 2021 by Lalit Khambhayata

અમેરિકા પર થયેલા આતંકી હુમલાના 20 વર્ષ, લેખ-1

11મી સપ્ટેમ્બર 2001ની ગરમી અને બફારાથી ભરેલી સવાર અમેરિકન નાગરિક માટે રોજની વાત હતી, પણ તેઓ જાણતા નહતા કે આજનો દિવસ તેમના માટે સદીની સૌથી ગોઝારો દિવસ સાબિત થવાનો છે.11મી સપ્ટેમ્બર 2001 જેને આપણે 9/11ના નામે પણ જાણીએ છીએ તે દિવસે અમેરિકાએ પોતાની શાન સમાન ગણાતા વર્લ્ડ ટ્રેડ સેન્ડરની બે ઇમારતો આંતકવાદી હુમલામાં ગુમાવી દીધી. ઇમારતોનું નુકશાન તો હજી પણ અમેરિકા માટે સહન કરવા જેવી બાબત હતી પરંતુ આ બંને ટાવર સાથે 2,983 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. આ ઘટના જોકે એટલી ઓચિંતી બની હતી કે કોઈ કઈ સમજે તે પેહલા જ લોકોની નજરો સામે બે વિશાળ ટાવર જમીનદોસ્ત થઇ ગયા હતા.

એ દિવસે થયેલા હુમલાની વાત

11મી સપ્ટેમ્બર 2001ના રોજ બોસ્ટન એરપોર્ટથી નીકળેલું અમેરીકન એરલાઇન્સનું પેહલું  વિમાન જ્યારે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવરમાં 8:46એ ધસી પડ્યું ત્યારે પહેલી નજરે જોનારા સૌને તે અકસ્માત લાગ્યો. જોકે અકસ્માતનો ભ્રમ માત્ર 17 મિનિટ ટક્યો જ્યારે બીજુ વિમાન (જે પણ અમેરીકન એરલાઇન્સનું જ વિમાન હતું અને બોસ્ટન એરપોર્ટથી ઉડ્યું હતું ) સાઉથ ટાવરમાં અથડાયું. અમેરિકન સરકાર સમજી ગઈ હતી કે આ કોઈ નાનોસૂનો અકસ્માત નથી પરંતુ જાણીજોઈને કરવામાં આવેલો આંતકવાદી હુમલો છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવરની ખબર હજી ફેલાય તે પેહલા તો વોશિંગ્ટન ડીસી એરપોર્ટથી ઉડેલું બીજું એક વિમાન અમેરિકી સેનાના મુખ્યાલય પેન્ટાગોનના દક્ષિણ ભાગ પર ખબક્યું. કુલ ચાર વિમાન હાઈજેક કરીને 19 આંતકવાદીઓ અમેરિકા પર ત્રાટક્યા હતા જેમાંથી ત્રણ વિમાન જ સફળ થયા હતા જ્યારે ચોથું વિમાન પેન્સિલવેનિયા નજીક એક ખેતરમાં તૂટી પડ્યું હતું. આ ચોથા વિમાનનું લક્ષ્ય પણ ન્યુ યોર્ક જ હતું પણ આ વિમાનમાં રહેલા યાત્રીઓએ બળવો કર્યો અને આ વિમાન અકસ્માતનું ભોગ બન્યું.

બીજી તરફ વર્લ્ડ ટ્રેડ સેન્ટરના સાઉથ ટાવરના ધસી આવેલા વિમાનને કારણે આ ટાવર સંપૂર્ણપણે જમીનદોસ્ત થઈ જવા પામ્યો હતો જેની સાથે નોર્થ ટાવર પણ પડું પડું થઈ રહ્યો હતો. પેન્ટાગોન ખાતે પણ સારું એવું નુકશાન થયું હતું જેની સાથે પેન્સિલવેનિયા ખાતે થયેલા અકસ્માતે એક ઝાટકે સમગ્ર વિશ્વમાં પોતાને મોટી માથું ગણાવતા અમેરિકાને ધ્રુજાવી દીધું હતું. ગરમીના દિવસોમાં સવારમાં સાફ આકાશ અને ખુશનમું વાતાવરણ જોવા ટેવાયેલા ન્યુયોર્કવાસીઓએ 11મી સપ્ટેમ્બરનો આખો દિવસ ધૂળ અને રાખના ગોટા જોઈને ખૌફનાક પરિસ્થિતિમાં વિતાવ્યો. અમેરિકા માથે અચાનક આવી ચડેલા આ હુમલા વિશે જોકે અમેરિકન સરકારને પૂર્વમાં પણ ચેતવણી મળી હતી પણ આંતકવાદીથી ડરી જાય તે અમેરિકન નહિ! અમેરિકાનું આ જ અભિમાન કદાચ તેને ભારી પડ્યું અને તેણે પોતાના માથે 9/11નું કલંકિત ટીલું ચિત્રી લીધું. અમેરિકાએ બાદમાં જોકે 9/11ના માસ્ટરમાઈન્ડ એવા ઓસામા બિન લાદેનની હત્યા કરી પોતાનો બદલો લઈ લીધો હતો.

પોતાના પર થયેલા આ હુમલા અને તેમાં જેમણે જીવ ગુમાવ્યો છે તેવા લોકોની યાદગીરી સ્વરૂપે અમેરિકાએ જે જગ્યા પર વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર ઊભા હતા ત્યાં ફરીથી ટાવર કે ભવ્ય ઈમારત ઉભી કરવાને બદલે સ્મારક બનાવવાનું નક્કી કર્યું. જેથી લોકોને અમેરિકાના દિલ પર થયેલો આતંકી પ્રહાર સદાકાળ યાદ રહે.  આ પાર્કને ઘણા લોકો ગ્રાઉન્ડ ઝીરોના નામે પણ ઓળખે છે કારણ કે ઇમારતના અવશેષ સંરક્ષિત કર્યા હોય તેવી જગ્યા બીજે ઘણી જગ્યા પર જોવા મળે છે પરંતુ ઈમારત જે જગ્યા પર ઊભી હતી તે જગ્યાને સંરક્ષિત કરી હોય તેવો લગભગ આ પેહલો દાખલો છે. અમેરિકાએ આ મેમોરિયલને ખાસ 9/11માં જેમણે જીવ ગુમાવ્યો છે તે લોકોને યાદગીરી રૂપે તૈયાર કરાવ્યું છે માટે આ મેમોરિયલની ડિઝાઇન પણ ખૂબ અનોખી રીતે તૈયાર કરવામાં આવી છે.

9/11 મેમોરિયલની ડિઝાઇન કોના મગજની ઉપજ છે?

નામ એનું માઈકલ અર્દ. માઈકલ મૂળ ઈરાની હતો પરંતુ તેના પિતાને ન્યુ મેક્સિકો ખાતે નોકરી મળતા તેમનો પરિવાર અમેરિકા શિફ્ટ થયો હતો.  2003માં માઈકલે પોતાનું ભણતર પૂરું કરી ન્યુયોર્ક સિટી હાઉસિંગ ડિપાર્ટમેન્ટમાં આર્કિટેકટ રૂપે જોડાયો હતો. ત્યાં એક દિવસ તેને ખબર પડી કે ન્યુયોર્ક ખાતે 9/11 મેમોરિયલ તૈયાર થવા જઈ રહ્યું છે. 9/11 મેમોરિયલની તૈયાર કરવાનું કામ જોકે ડેનિયલ લિબ્સકાઈન્ડને સોંપવામાં આવ્યું હતું જેણે થોડા વર્ષો અગાઉ વર્લ્ડ ટ્રેડ સેન્ટરની ડિઝાઇન તૈયાર કરી હતી. ડેનિયલનો પ્લાન એવી હતો કે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર જે જગ્યા પર ઊભું હતું જે જગ્યા પર 60 ફૂટ ઊંડાણમાં એક વિશાળ ખાડો રચી તેમાં મેમોરિયલ બનાવવું. ડેનિયલના આ પ્લાન સાથે માઈકલની સહમતી નહતી. 9/11  મેમોરિયલ માટે દુનિયાભરમાંથી 5,201 ડિઝાઇન મંગાવવામાં આવી હતી જેમાંથી માત્ર માઈકલની ડિઝાઇન અમેરિકી સરકાર દ્વારા પસંદ કરવામાં આવી હતી. ડેનિયલ દ્વારા પ્રથમ જે ડિઝાઇન તૈયાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો તે માત્ર 9/11ના દિવસને યાદગાર બનાવવા માટે પૂરતો હતો પરંતુ માઈકલ દ્વારા જે ડિઝાઇન તૈયાર કરવામાં આવી હતી તેમાં 9/11ના દિવસે જે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો તેમને પણ લોકો યાદ રાખે તેવી જોગવાઈ હતી. માઈકલ દ્વારા તેની આ ડિઝાઇનને ખાસ “ગેરહાજરીનું પ્રતિબિંબ” નામ આપવામાં આવ્યું હતું.

કઈ રીતે માઈકલની ડિઝાઇન અનોખી છે ?

જે જગ્યા પર વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર ઊભા હતા તે જગ્યા પર આજે 8 એકરનું 9/11 મેમોરિયલ આવેલું છે. આ મેમોરિયલ બનાવવાની કામગીરી 2004માં શરૂ કરવામાં આવી હતી અને આ મેમોરિયલને 2011માં 9/11ની ઘટનાના 10 વર્ષ થયાં નિમિતે પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.  ત્યાં જતાં પ્રવાસીઓને પેહલા તો ઓકના ઝાડના ઘેરામાંથી પસાર થવું પડે છે પછી સામે આવે છે બે વિશાળ એક-એક એકરના પૂલ. આપણે ત્યાં ક્લબમાં જોવા મળે તેવા પૂલ નહિ પરંતુ વિશાળ ઊંડા પૂલ જે ખરેખરમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવર જે જગ્યા પર હતા તે જગ્યાની નિશાની છે. આ બંને પૂલ ઉપર જ એક સમય પર અમેરીકન અર્થતંત્રની શાન સમાન વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ અને સાઉથ ટાવર ઊભા હતા. હાલ આ બંને પૂલમાં ફુવારા લગાડવામાં આવ્યા છે જેની મહત્તમ ઊંચાઇ 30 ફૂટ છે. આ પૂલ ત્યાં આવતા પ્રવાસીઓના એકમાત્ર સવાલ “વર્લ્ડ ટ્રેડ સેન્ટરના ટાવર કઈ જગ્યા પર હતા ?”નો સીધો ને સટ જવાબ છે.

ટાવરની યાદી રૂપે તો સરસ મજાના ફુવારા વાળા પૂલ ઊભા કરી દેવામાં આવ્યા છે પણ જે લોકોએ જીવ ગુમાવ્યા છે તેમનું શું ? તેમના માટે માઈકલે એક અનોખો ઉપાય કર્યો છે. માઈકલે બંને પુલની ફરતે એક ખાસ તાંબે મઢેલી દીવાલ તૈયાર કરાવી છે. આ દીવાલ પર લાગેલા તાંબામાં કોતરણી કરવામાં આવી છે અને તેમાં 9/11ના હુમલા દરમ્યાન જે લોકોના મોત થયા છે તેમનું નામ લખેલું છે. આ દીવાલ પર કુલ 2,983 લોકોના નામ કોતરેલા છે જેમાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર ખાતે 1993માં થયેલા બોમ્બ્લાસ્ટમાં, 9/11ના, પેન્ટાગોન ખાતે અને પેન્સિલવેનિયા ખાતે થયેલા મોતના નામ સામેલ છે. આ દીવાલ પાસે ઊભા રહીને પોતના ગુમાવેલા સ્વજનના નામ માથે હાથ ફેરવી તેમને યાદ કરી શકાય તે માટે જ આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. નોર્થ પૂલ ફરતે જે તંબાની દીવાલ આવી છે તેની ઉપર નોર્થ ટાવર પરના હુમલાના અને 1993 વર્લ્ડ ટ્રેડ સેન્ટર બોમ્બ્લાસ્ટના મૃતકોના નામ કોતરવામાં આવ્યા છે જ્યારે બીજી તરફ સાઉથ પૂલની આસપાસ જે દીવાલ છે ત્યાં સાઉથ ટાવરના, પેન્ટાગોનના અને પેન્સિલવેનિયા ખાતે નોંધાયેલા મૃતકોના નામ કોતરવામાં આવ્યા છે. આ મેમોરિયલ ન્યુયોર્ક શહેરના મુખ્ય વિસ્તારમાં આવેલું હોવાથી ત્યાં જાહેર જનતા વધુ માત્રામાં આવે છે અને તેઓ તાંબાની દીવાલને નુકશાન ન પોહચાડે તે માટે આ દિવલા ફરતે એક નાનકડી સ્ટીલની રેલીંગ તૈયાર કરવામાં આવી છે જેના કારણે આ દિવાલને નુકશાનથી પૂરતી સુરક્ષા મળી રહે છે.

કેવો છે 9/11 વોર મેમોરિયલનો રાત્રિનો નજરો?

રાત્રિના સમયે આ મેમોરિયલ વધુ ખૂબસૂરત લાગે છે જ્યારે ત્યાં આવેલા બંને પૂલની અંદરની દિવાલ લાઈટથી ઝગમગી ઉઠે છે. આ લાઈટ જોકે ખાસ તેવી રીતે ગોઠવવામાં આવી છે કે જ્યારે તે ઝગમગે ત્યારે આ પૂલ પ્રિઝમ જેવું લાગે. આ પૂલમાં ગોઠવેલી લાઈટ માત્ર નીચે દિવાલ પૂરતી જ છે જ્યારે આ પુલની નીચેનો વચ્ચેનો ભાગ ખાલી રાખવામાં આવ્યો છે. આ પૂલ પર ચાલતા ફુવારા સાથે જ્યારે આ લાઈટ ભળે છે ત્યારે તેની સુંદરતા અનોખી હોય છે તેમાં પણ જો વરસાદ ચાલુ હોય તો ત્યારે આ મેમોરિયલ પરથી પ્રવાસીઓની આંખો હટે તેવું શક્ય નથી બનતું. જ્યારે 9/11ના સંદર્ભમાં કોઈ ખાસ દિવસની ઉજવણી કરવી હોય ત્યારે આ પૂલ ઉપર ખાસ લાઈટ ગોઠવવામાં આવે છે જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બંને ટાવરને પ્રદર્શિત કરે છે.

9/11 મેમોરિયલ ખાતે પૂલ અને તાંબાની દિવાલ સિવાય એક મ્યુઝિયમ પણ આવેલું છે જેમાં 9/11ના હુમલાનું વિસ્તૃત વર્ણન, અમેરીકન સૈનિકોની બહાદુરીના કિસ્સા અને બીજી ઘણી યાદગીરી સાચવવામાં આવી છે. આ મ્યુઝિયમ અને મેમોરિયલ બંનેની મુલાકાત લેવા માટે પ્રવાસીઓએ સર્વપ્રથમ 9/11 મેમોરિયલની વેબસાઇટ પરથી $28 (આશરે ₹1800)ની ટીકીટ ખરીદવી પડે છે. આ ટિકિટની મદદથી પ્રવેશ મેળવ્યા બાદ પ્રવાસી મેમોરિયલ અને મ્યુઝિયમ બંનેમાં વગર રોકટોકે આવી જઈ શકે છે. 9/11 મેમોરિયલ અને મ્યુઝિયમ બંને સવારે 10થી સાંજના 5 સુધી ખુલ્લું રહે છે. જે લોકોને આ મેમોરિયલ ખાતેથી યાદગીરી રૂપે કોઈ વસ્તુ સાથે લઈ જવી હોય તેમના માટે મ્યુઝિયમ ખાતે એક સ્ટોર પણ આવેલો છે જ્યાંથી પ્રવાસી શોપિંગમાં લાભ ઉઠાવી શકે તેમ છે.

આપણા સ્વજન સવારમાં આપણને વહાલ કરીને કામે જવા નીકળે અને બપોર થતાં એક ઓચિંતા અકસ્માતમાં તેમનું મોત થયું હોવાના સમાચાર સાંભળવા મળે તેની કલ્પના માત્ર કાળજું કંપાવનારી છે. 9/11ના દિવસે અમેરિકાએ તેવા જ હાલાતનો સામનો કર્યો. આમ જોવા જઈએ તો આ અમેરિકાનો આંતરિક મામલો કેહવાય પરંતુ માનવતાની નજરે જો આ ઘટના જોવામાં આવે તો તે એક ખૂબ મોટું કલંક છે. આતંકવાદના આ કલંકને મિટાવવા માટે તો સામાન્ય માણસ રીતે આપણે કઈ કરી શકે તેમ નથી પરંતુ આજના આ દિવસે 9/11માં માર્યા ગયેલા નિર્દોષ માણસોને યાદ કરીને ફરી ક્યારેય આવી ગોઝારી ઘટના આકાર ન પામે તેવી કામના કરવી જોઇએ. ખુમારીની નિશાની સમાન વોર મેમોરિયલ તો દુનિયાભરમાં જોવા મળે છે પરંતુ માનવતાની હત્યા થઈ હોય તેવી ઘટાનાનું સાક્ષી માત્ર એક જ છે : 9/11 મેમોરિયલ અને મ્યુઝિયમ.

Related posts

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt

IND vs PAK: વિરાટ કોહલીની કેપ્ટન્સીથી લઇને ઓપનરોનો ફ્લોપ શૉ, આ છે ટીમ ઇન્ડિયાની કારમી હારના 5 મોટા કારણો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!