GSTV

૯/૧૧ : અમેરિકા પરના આતંકી હુમલાને સમજવા માટે અચૂક જોવા જેવી 6 ફિલ્મો

આતંકી હુમલા

Last Updated on September 11, 2021 by Lalit Khambhayata

અમેરિકા પર થયેલા આતંકી હુમલાના 20 વર્ષ, લેખ-6

અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા ૯/૧૧ના હુમલાને ૨૦ વર્ષ થયા છે. ૨૦૦૧માં અલ-કાયદાના ૧૯ આતંકીઓએ અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર, પેન્ટાગોન અને પેન્સીલવેનિયામાં એક સાથે દુનિયાના સૌથી મોટા આતંકી હુમલા કર્યા હતા અને તેમાં આશરે ૩૦૦૦ લોકો માર્યા ગયા હતા. આ હુમલાના દુષ્પરિણામ અમેરિકા આજે પણ ભોગવી રહ્યું છે. ધબકારા ચૂકી જવાય એવી આ ઘટનાનું બેકડ્રૉપ લઈને હોલિવુડથી લઈને બોલિવુડ સુધી ફિલ્મો બની ચૂકી છે. જોકે, કેટલીક ફિલ્મો ફક્ત પ્રોફિટ માટે, તો કેટલીક ઉતાવળે બનાવી નાખવામાં આવી હતી. અમુક ફિલ્મોએ ખરેખર ૯/૧૧ની અસરોને તાદ્રશ કરી છે. કેટલીક ફિલ્મો મિલિટરી પર થયેલી અસર પર ફોકસ કરે છે, તો અમેરિકાના નાગરિકો અને ત્યાં વસતા વિદેશીઓની વ્યથા પણ દર્શાવે છે. તો આ હુમલાના માસ્ટરમાઈન્ડ ઓસામા બિન લાદેનને ઠાર કરવાનું ઓપરેશન પણ ‘ઝીરો ડાર્ક થર્ટી’ જેવી ફિલ્મોમાં જોવા મળે છે. આજે એમાંની કેટલીક બેસ્ટ ફિલ્મોની વાત કરીએ.

૧. રેઈન (Reign) ઑવર મી (૨૦૦૭)

માઈક બાઈન્ડર નિર્દેશિત અમેરિકન બડી ડ્રામા ફિલ્મ ‘રેઈન ઑવર મી’ની વાર્તા ચાર્લી નામના વ્યક્તિની આસપાસ ફરે છે જેણે ૯/૧૧ હુમલામાં પોતાની પત્ની અને દીકરીઓને ગુમાવી હોય છે. એક સમયે સફળ અને મિલનસાર એવો ચાર્લી દુઃખના પહાડ નીચે ચગદાઈને તદ્દન વિરુદ્ધ વ્યક્તિ બની જાય છે. એક દિવસે ચાર્લીને એલન નામનો જૂનો કૉલેજ રૂમમેટ મળે છે. એલન ચાર્લીની સ્થિતિ જોઈને હતપ્રભ બની જાય છે. ચાર્લી ભાગ્યે જ વાતો કરે છે એટલે એલન તેને થેરાપિસ્ટ પાસે લઈ જાય છે, પણ તેથી ચાર્લીની સ્તિતિ વધુ ખરાબ બને છે. આ ફિલ્મ પરફેક્ટ નથી, ૯/૧૧ના પ્લોટનો ઉપયોગ કરવા માટે તે વિવાદમાં પણ આવી હતી, પરંતુ તેમાં વાસ્તવિક કરુણ ચિત્ર જોવા મળે છે કારણ કે તે ઘણાં ‘ચાર્લી’ની વ્યથા દર્શાવે છે. આ ફિલ્મ આપણને વિચારવા મજબૂર કરે છે લે ભાવનાત્મક ઘા લાગ્યા પછી કોઈ પાછું હતું એવું જીવન જીવી શકે કે કેમ!

૨. યુનાઈટેડ ૯૩ (૨૦૦૬)

ડોક્યુડ્રામા થ્રિલર ‘યુનાઈટેડ ૯૩’ એ યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ ૯૩ના હાઇજેકની ઘટના અને ફ્લાઈટમાં ઘટેલી ઘટના રજૂ કરે છે. યુનાઈટેડ એરલાઈન્સ ફ્લાઈટ ૯૩ને આતંકીઓ હાઈજેક કરી લેતાં પ્રવાસીઓ આંચકામાં મૂકાઈ જાય છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર અને પેન્ટાગોન પર થયેલા હુમલા વિશે જ્યારે આ પ્રવાસીઓને ખબર પડે છે ત્યારે તેઓ આતંકીઓ સામે લડવાનો નિર્ણય કરે છે. તેમની બહાદુરીને કારણે પ્લેન તેના ટાર્ગેટ સ્થાને ક્રેશ થવાની જગ્યાએ એક ખેતરમાં ક્રેશ થાય છે. આમ તો આ ઘટના પર આધારિત પાંચેક ફિલ્મો બની છે, પણ પૌલ ગ્રીનગ્રાસ નિર્દેશિત ‘યુનાઈટેડ ૯૩’ તેમાંની શ્રેષ્ઠ ફિલ્મ છે. પૌલ ગ્રીનગ્રાસે બને એટલું ‘રિયલ ટાઈમ’ વાસ્તવિક ચિત્ર ઊભું કર્યું છે એટલે કે ફ્લાઈટ ટેકઓફથી માંડીને બધું જ મૂળ સમયે બતાવવામાં આવ્યું છે. આ ફિલ્મ બનાવવામાં કેટલાક પેસેન્જર્સના પરિવારે પણ સહયોગ આપ્યો છે. ‘યુનાઈટેડ ૯૩’ને બે ઓસ્કાર નોમિનેશન્સ પણ મળી ચૂક્યા છે.

૩. ઝીરો ડાર્ક થર્ટી (૨૦૧૨)

કેથરિન બિગેલોની વખણાયેલી થ્રિલર ફિલ્મ ‘ઝીરો ડાર્ક થર્ટી’માં ૯/૧૧ હુમલાના મોસ્ટ વોન્ટેડ આરોપી અને અલ-કાયદાના લીડર ઓસામા બિન લાદેનની હુમલા પછી આશરે દસ વર્ષની શોધખોળનું દિલધડક ઑપરેશન છે. ઓસ્કાર માટે નોમિનેટ થયેલી ‘ઝીરો ડાર્ક થર્ટી’ને વિવાદોનો સામનો પણ કરવો પડ્યો હતો. ૨ મે, ૨૦૧૧ના રોજ પાકિસ્તાનમાં બે હેલિકોપ્ટરે કઈ રીતે ઓસામા બિન લાદેનના ઘરમાં ઘૂસીને હુમલો કર્યો તે ફિલ્મમાં અદભુત રીતે બતાવવામાં આવ્યું છે. અભિનેત્રી જેસિકા ચેસ્ટેન માયા નામની CIA એનાલિસ્ટના રોલમાં છે જેને અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેનને શોધવાનું મિશન સોંપવામાં આવે છે. ૨૦૦૩માં તેને પાકિસ્તાનમાં યુએસ એમ્બસીમાં મોકલવામાં આવે છે અને એ પછીની ઘટનાઓ તેને ઓસામા સુધી દોરી જાય છે. જેસિકા ચેસ્ટેન ઉપરાંત, જેસન ક્લાર્ક, જોએલ એજર્ટન, ક્રિસ પ્રેટ વગેરે કલાકારો મહત્વના રોલમાં છે. આ ફિલ્મના અમુક સીનનું શૂટિંગ ચંડીગઢની પીઈસી યૂનિવર્સીટી ઓફ ટેકનોલૉજીમાં પણ થયું છે.

૪. વર્લ્ડ ટ્રેડ સેન્ટર (૨૦૦૬)

ઑસ્કાર વિનર ફિલ્મમેકર ઓલિવર સ્ટોન નિર્દેશિત ડોક્યુડ્રામા ફિલ્મ ‘વર્લ્ડ ટ્રેડ સેન્ટર’ના કાટમાળમાં ફસાઈ ગયેલા પોલીસ ઑફિસરો પર આધારિત ફિલ્મ છે. ૧૧ સપ્ટેમ્બરે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવરમાં પ્લેન ક્રેશ થતાં પોર્ટ ઓથોરિટી પોલીસને ત્યાં મોકલવામાં આવે છે અને એ દરમ્યાન તેમને ખબર પડે છે કે સાઉથ ટાવર પર પણ હુમલો થયો છે. સર્જન્ટ જોન મેકલોહલિન ઓફિસર વિલ જિમેનો અને ડોમિનિક પેઝુલો સહિતના ઓફિસરોને રેસ્ક્યુ ઇકવીપમેન્ટ મેળવવા માટે ભેગાં કરે છે. ઓફિસર્સ જ્યારે નોર્થ ટાવરમાં એન્ટ્રી કરે છે ત્યારે સાઉથ ટાવર તેમના પર પડવા લાગે છે. એ પછી સર્જન્ટ જોન મેકલોહલિન અને ઓફિસર વિલ જિમેનો સર્વાઈવ કરી જાય છે, પણ ડોમિનિક પેઝુલોનું મૃત્યુ થઈ જાય છે. ફિલ્મમાં નિકોલસ કેજ, માઈકલ પીના, જેય હર્નાન્ડીઝ મુખ્ય કલાકારો છે. ૧૨૯ મિનિટની આ ફિલ્મ પાછળ સાડા છ કરોડ ડોલરનો ખર્ચ થયો હતો.

૫. ૯/૧૧ (૨૦૧૭)

૨૦૧૭માં રિલીઝ થયેલી અમેરિકન એક્શન ડ્રામા ફિલ્મ ‘૯/૧૧’ પેટ્રિક જેમ્સ કાર્સનના ‘એલિવેટર’ નામના સ્ટેજ પ્લે પર આધારિત છે. ન્યુયોર્ક સિટીના વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલા દરમ્યાન બિલ્ડીંગની લિફ્ટમાં ફસાઈ જતા લોકોની વાત છે. જાણીતી સિરીઝ ‘ટુ એન્ડ અ હાફ મેન’ ફેમ ચાર્લી શીન આ ફિલ્મમાં જેફરી કેજ નામના વ્યક્તિનો રોલ કરે છે, જે વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં કામ કરે છે અને ડિવોર્સ પેપર સાઈન કરવા માટે પોતાની પત્ની સાથે લિફ્ટમાં હોય છે. આ ઉપરાંત એક મેઇન્ટેનન્સ માટેની વ્યક્તિ, ડિલીવરી બોય સહિત પાંચ લોકો પણ અમેરિકન એરલાઈન્સ ફ્લાઈટ ૧૧ બિલ્ડીંગ સાથે જ્યારે અથડાય છે ત્યારે એ લિફ્ટમાં અટકી જાય છે. ફાયરફાઈટર્સ તેમના ફ્લોર સુધી પહોંચી નથી શકતા અને તેમની પાસે હવે જીવ બચાવવા માટે એક જ રસ્તો છે- ગમે તે રીતે લિફ્ટમાંથી બહાર આવવું! એ પછીની ઘટના-દુર્ઘટનાને ફિલ્મમાં રજૂ કરવામાં આવી છે. આ ફિલ્મને જોકે દર્શકો તરફથી મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. અન્ય એક ‘૯/૧૧’ શીર્ષક ધરાવતી ટીવી ફિલ્મ ૨૦૦૨માં રિલીઝ થઈ હતી જે ન્યુયોર્ક સિટી ફાયર ડીપાર્ટમેન્ટના પોઈન્ટ ઓફ વ્યૂથી બનાવવામાં આવી છે.

૬. વર્થ (૨૦૨૦)

૨૦૨૦માં સનડાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સારા કોલેન્જલો નિર્દેશિત ફિલ્મ ‘વર્થ’નું વર્લ્ડ પ્રીમિયર યોજાયું હતું અને ગઈ ૩જી સપ્ટેમ્બરે આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ છે. ‘વર્થ’ સત્યઘટના પર આધારિત ફિલ્મ છે જેમાં કેનેથ ફેઈનબર્ગ નામના લોયરની વાત છે. ૯/૧૧ હુમલાના વિક્ટિમના પરિવારને કઈ રીતે વળતર આપવું, તેની પોલિસી, નિયમો વગેરેને લઈને કેનેથ ફેઈનબર્ગ સંઘર્ષ અનુભવે છે અને એ દરમ્યાન સહાનુભૂતિનો પાઠ શીખે છે. કેનેથ ફેઈનબર્ગના રોલમાં ‘બેટમેન’ ફેમ માઈકલ કીટન છે. તો સ્ટેનલી ટુશી, એમી રાયન, ટેટ ડોનોવન, લોરા બેનાન્ટી વગેરે કલાકારો મહત્વના રોલમાં છે.

***

હિન્દીમાં પણ ‘ન્યુયોર્ક’ અને ‘માય નેઈમ ઇઝ ખાન’ જેવી ફિલ્મો બની છે જેની વાર્તા ૯/૧૧ આસપાસ ફરે છે. આ બંને ફિલ્મો ૯/૧૧ હુમલા પછી અમેરિકામાં મુસલમાનોની સ્થિતિ રજૂ કરે છે. કરણ જોહર નિર્દેશિત ‘માય નેઈમ ઇઝ ખાન’માં શાહરુખ ખાન રિઝવાન ખાન નામના વ્યક્તિનો રોલ કરે છે જેના સાવકા પુત્ર સમીરનું વિદ્યાર્થીઓ વચ્ચેની મારામારીમાં અવસાન થઈ જાય છે અને રિઝવાનની પત્ની મંદિરા (કાજોલ) રિઝવાનને કહે છે કે- તારી સરનેમને લીધે સમીરનું કોટ થયું છે. એ પછી રિઝવાન અન્ય લોકો અને યુએસ પ્રેસીડેન્ટને ‘માય નેઈમ ઇઝ ખાન’ અને ‘આઈ એમ નોટ અ ટેરરિસ્ટ’ એવું કહેવાનો પ્રયાસ કરે છે અને તેનો સંઘર્ષ શરુ થાય છે. કબીર ખાન નિર્દેશિત ‘ન્યુ યોર્ક’માં જોન અબ્રાહમ, કેટરીના કૈફ, નીલ નીતિન મુકેશ, ઈરફાન ખાન સહિતના કલાકારો છે. આ ફિલ્મ પણ ૯/૧૧ અટેકનો પ્લોટ ધરાવે છે.

Related posts

સારા સમાચાર! સરકાર તમામ ખેડૂતોને આપશે કિસાન ક્રેડિટ કાર્ડ, અહીં અરજી કરો અને મેળવો લાભ

Vishvesh Dave

સેલરી માટે પરેશાન યુવક સાથે માલિકની નિચલી કક્ષાની હરકત, પગારના નામે પકડાવી દીધી સિક્કાઓથી ભરેલી ડોલ

Zainul Ansari

PNBની ફેસ્ટિવલ બોનાન્ઝા ઓફર / હોમ ઓટો લોન ગ્રાહકો માટે માફ કાર્ય આ ચાર્જીસ, મળશે મોટો ફાયદો

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!