GSTV

9-11નો હુમલાખોર / લાદેનની હત્યા ખરેખર કોણે કરી હતી? લાદેન સાથે સંકળાયેલા અનેક સવાલો આજે રહસ્ય બની ચૂક્યા છે

લાદેન

Last Updated on September 10, 2021 by Lalit Khambhayata

અમેરિકા પર થયેલા આતંકી હુમલાના 20 વર્ષ, લેખ-4

2001ની 11મી સપ્ટેમ્બરે સવારમાં અમેરિકા પર આતંકી હુમલો થયા. અમેરિકી સરકારના વિવિધ વિભાગો તુરંત કામે લાગ્યા અને હુમલાના મૂળ શોધવામાં લાગી પડ્યા. અમેરિકાની જગવિખ્યાત જાસૂસી સંસ્થા સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી (સીઆઈએ)ના કાઉન્ટર ટેરેરિઝમ વિભાગે શોધી કાઢ્યું કે આ હુમલો અલ-કાયદાએ કરાવ્યો છે અને ઓસામા બિન લાદેન તેનો મુખિયા છે. કુલ 19 આતંકીઓની ઓળખ કરવામાં આવી હતી. પરંતુ એ બધા તો હુમલામાં જ માર્યા ગયા હતા કેમ કે એ વિમાનમાં સવાર હતા. તેમનો સરગના લાદેન હતો. વળી લાદેન અમેરિકા માટે અજાણ્યો ન હતો. છેક 1999થી અમેરિકાના દુશ્મનોના લિસ્ટમાં એફબીઆઈએ શામેલ કરી રાખ્યો હતો. માટે એ પછી અમેરિકાએ જગતનું સૌથી મોટુ મેનહન્ટ ઓરપરેશન શરૃ કર્યું, જેમાં લાદેનને જીવતો કે મરેલો શોધી કાઢવાનો હતો. અમેરિકી ઈતિહાસનું એ સૌથી મોટું મેન સર્ચ ઓપરેશન હતું.

1957માં જન્મેલો લાદેન સાઉદી નાગરિક હતો. પરિવાર વળી ખમતીધર હતો. ઓસામા એ તેનું નામ જ્યારે બિન લાદેન એ પરિવારનું નામ છે. બિન લાદેન કન્સ્ટ્રક્શન પરિવાર તો આજેય સાઉદીમાં કામ કરે છે. પરિવારમાં કુલ 50થી વધારે સંતાનો હતા, તેમાંનો ઓસામા એક હતો. એન્જિનિયરિંગ ભણીને પરિવારના ધંધામાં જોડાઈ જવા સિવાય તેણે કશું કરવાનું ન હતું. પણ તેની વિચારધારા 1979માં બદલાઈ જ્યારે રશિયાએ અફઘાનિસ્તાનમાં હુમલો કર્યો. એ પછી ઓસામાએ રશિયા સામે લડતા મુજાહિદ્દીનોનો સાથ પકડ્યો. ધીમે રહીને લાદેને પોતાનું જ સંગઠન બનાવાની શરૃઆત કરી અને તેને અલ-કાયદા (પાયો) નામ આપ્યું.  પોતાની અઢળક સંપતિનો એ માટે વાપરવાની શરૃઆત પણ કરી. ઈસ્લામીક દેશો પર પશ્ચિમી દેશો ગમે ત્યારે આક્રમણ કરે એ તો કેમ ચાલે એવા વિચારે લાદેનને આતંકવાદની દિશામાં ધકેલ્યો. 1990માં વળી અમેરિકી સૈન્ય ગલ્ફવોરમાં આવી પહોંચ્યુ કેમ કે તેલ સમૃદ્ધ કુવૈત પર વર્ચસ્વ જાળવવું હતું. લાદેન સમજી ગયો કે મૂળ તો અમેરિકા રશિયાનો સ્વાર્થ છે અને એટલે જ તેણે ત્યારે જ નક્કી કરી લીધું કે વહેલા મોડો અમેરિકાને પાઠ ભણાવવો પડશે. એટલે તેણે એક પછી એક પ્લોટ નક્કી કરી નાના-મોટા હુમલા શરૃ કર્યા. તાન્ઝાનિયા અને કેન્યામાં આવેલી અમેરિકી એમ્બેસી ઓફિસમાં 1998માં લાદેને હુમલો કરાવ્યો હતો. એવા નાના-નાના પ્રયાસોને કારણે એ અમેરિકાને ચોપડે ચડેલો હતો.

મૃત્યુ પછી ઉભા થયેલા અનેક સવાલો

ખુંખાર કહી શકાય એવા ગુનેગારો મૃત્યુ પામે ત્યારે મરેલા હાથીની માફક સવા લાખના સાબિત થતાં હોય છે. લાદેનના કિસ્સામાં પણ એવું બન્યું છે. એક દાયકાની મહેનત અને અબજો ડોલરના પાણી પછી ૨૦૧૧ની ૨જી મેના દિવસે અમેરિકાની સીલ ટીમે લાદેનને ઠાર કર્યો હતો. ઓસામા મુસલમાન હતો એટલે મોત પછી તેની ઈસ્લામ પ્રમાણે અંતિમ વિધિ કરવામાં આવી હોવાની અમેરિકાએ જાહેરાત કરી હતી. પરંતુ એ અંતિમ વિધિ એક્ઝેટલી ક્યાં કરી હોવાની અમેરિકાએ સ્પષ્ટતા કરી નથી. પરિણામે ઓસામા ચાહકોએ તુરંત જ તેના મોત અંગે શંકા વ્યક્ત કરી હતી. કે ઓસામા મર્યો જ નથી એટલે પછી અમેરિકા ક્યાંથી કઈ શકે કે તેની લાશ દરિયામાં ક્યાં દફન કરવામાં આવી હતી? પરંતુ કોઈ પણ જાલીમ અને સમગ્ર માનવજાતનો દુશ્મન કહી શકાય એવો ગુનેગાર થાળે પડે પછી તેના અંતિમ અવશેષો ગુપ્ત રાખવામાં જ ભલાઈ છે. અન્યથા તેના ચાહકો જે-તે સ્થળે ઓસામાની ખાંભી કરી તેની આરતી ઉતારવાનું શરૃ કરી દે. ઓસામાને દરિયા વચ્ચે ફેંકી દેવાયો છે એવા કહેણ પછી પણ કેટલાક લોકો એવુ માને છે કે ના, ઓસામાને દરિયામાં નહીં અમેરિકાની ભૂમિ પર ક્યાંક દફન કરાયો છે. પણ એ સ્થળ ગુપ્ત રખાયુ છે.

શું લાદેન શરણે આવી ગયો હતો?

બીજી માન્યતા કે રહસ્ય એવુ છે કે સીલની કમાન્ડો ટુકડી એટોબાબાદના ઓસામા નિવાસમાં પહોંચી ત્યારે લાદેને શરણાગતિ સ્વીકારી લીધી હતી. શરણાગતિના નિયમ પ્રમાણે દુશ્મનની હત્યા કરવામાં ન આવી હોય. એટલે પછી લાદેનને પકડી લેવાયો હોય. તો પછી તેનું મોત કઈ રીતે થયુ ગણી શકાય? જો ખરેખર ઓસામાએ શરણાગતિ સ્વિકારી હતી તો પછી તેને ક્યાં લઈ જવાયો? શું તેને કોઈ એરિયા-૫૧ જેવા ગુપ્ત વિસ્તારમાં સખત જાપ્તા હેઠળ રખાયો છે? શું અમેરિકા લઈ જવાયા પછી તેને મારી નખાયો છે? શું એ અમેરિકાની જેલમાં સબડી રહ્યો છે? એ સવાલો અનુત્તર છે.

પાકિસ્તાનમાં વર્ષો સુધી રહ્યો હોવા છતાં લાદેનની ગંધ પાકિસ્તાની સેના-સરકારને કેમ ન આવી? પાકિસ્તાની લશ્કરી મથક તો લાદેનના રહેણાંકથી બે કિલોમીટર કરતાં પણ ઓછા અંતરે હતું. અલબત્ત, આ મુદ્દો તો રહસ્યમ નથી રહ્યો. કેમ કે પાછળથી જાહેર થયેલા તપાસ પંચના અહેવાલમાં સ્પષ્ટ કહેવાયુ હતું કે પાકિસ્તાની સેનાને અને સરકારને લાદેનની હાજરી અંગે માહિતી હતી જ. પરંતુ પાકિસ્તાની શાસકો તેની નાપાક આદતો પ્રમાણે આતંકવાદીને પાલન-પોષણ આપી રહ્યાં હતાં.

વઝિરિસ્તાનમાં વધારે સુરક્ષિત લાદેન પાકિસ્તાનમાં શા માટે આવ્યો?

અત્યારે જે યુદ્ધ મેદાન બન્યું છે એ અફઘાનિસ્તાન આતંકના કેન્દ્રમાં 9-11 એટેક પછી જ આવ્યું. એ અફઘાનિસ્તાનો વઝિરિસ્તાન પ્રાંત જગતનો સૌથી ખતરનાક પ્રાંત ગણાય છે. કિલોમીટરો સુધી ઉડતી ધૂળ, વેરાન પ્રદેશ, પહાડીઓ, ખીણ, સુક્કા-ભઠ્ઠ મેદાનો વગેરેને કારણે વઝિરિસ્તાનમાં ધોળે દિવસે પણ પ્રવેશ કરવો મુશ્કેલ છે. અહીં લાદેને વર્ષો સુધી પોતાનું હેડક્વાટર રાખ્યુ હતું. તો પછી તેને પાકિસ્તાન આવવાની જરૃર શા માટે પડી? અમેરિકાના અનેક પ્રયાસો છતાં લાદેનનો વઝિરિસ્તાનમાં વાળ પણ વાંકો કરી શકાયો ન હતો. અમેરિકાને ખબર હતી કે લાદેન અહીં છે, છતાં તેના અનેક હુમલોઆ નિષ્ફળ જઈ રહ્યાં હતાં. મતલબ કે ત્યાં લાદેન સલામત હતો. તો પછી પાકિસ્તાન, અને એમાંય એટોબાબાદ જેવા ધમધમતા ગામમાં રહેવા જવાનો તેને કેમ વિચાર આવ્યો હશે? શું પાકિસ્તાન સરકાર અને ઓસામા વચ્ચે કોઈ છુપા રહેવાનો કરાર થયો હશે? અમેરિકાને પાઠ ભણાવવા પાકિસ્તાને લાદેનને આશરો આપ્યો હશે? વર્ષો સુધી આતંકનું વિશ્વવ્યાપી નેટવર્ક ઓપરેટ કરનારો ઓસામા એટલો અકલમઠ્ઠો તો ન જ હોય કે સામે ચાલીને પોતાનું જીવન જોખમમાં મુકે. પરંતુ પાકિસ્તાનમાં તેણે પ્રવેશ મેળવ્યો અને પછી ચહલ-પહલ ધરાવતા વિસ્તારમાં વર્ષો સુધી રહ્યો પણ ખરાં.. એ વાત જ બતાવે છે કે પાકિસ્તાનમાં ઓસામાનું આગમન ગણતરીપૂર્વકનું હતું.

એટોબાબાદના રહેણાંકમાં પ્રવેશેલા બે ડઝન સૈનિકો પૈકી ૬ સૈનિકો ઓસામાના ઓરડામાં પહોંચ્યા હતાં. તેમાંથી એક્ઝેટ કોની ગોળીથી ઓસામા મૃત્યુ પામ્યો હતો? એક સીલ સૈનિકે પાછળથી દાવો પણ કર્યો હતો કે મારી ગોળીથી ઓસામા મરાયો હતો પરંતુ મને સરકારે પુરતું વળતર આપ્યુ નથી! એવોય આક્ષેપ થયો હતો કે અમેરિકી કમાન્ડરોએ લાદેનના ઘરમાં ઘૂસ્યા પછી ત્યાં રહેલી મહિલાઓ સાથે ગેરવર્તન કર્યું હતું. આક્રમક સ્વભાવ ધરાવતા કેટલાક સૈનિકોએ લાદેનના મૃતદેહને લાતમલાતી કરી હતી. તો વળી ગુસ્સામાં લાદેનની દાઢીના વાળ પણ ખેંચવાનો પ્રયાસ કર્યો હતો.
લાદેન પર હુમલો કર્યો હતો એ સીલના ૨૫ પૈકી ૬ સભ્યોનું બાદમાં અકસ્માતે મોત થયુ હતુ. એ મોત પણ અમેરિકામાં વિવાદનું કારણ બન્યું છે. સીલ ટીમના એ ૬ સભ્યોના મોત પેરેશૂટ ટ્રેનિંગ વખતે થયા છે એવી જાહેરાત થઈ હતી. હકીકત એ છે કે પેરેશૂટ લેન્ડિંગ (હેલિકોપ્ટર કે વિમાનમાંથી છત્રી દ્વારા જમીન પર ઉતરવું)ની આકરી તાલિમ વગરના સભ્યો સીલ જેવા સંગઠનમાં હોય જ ક્યાંથી? એ બધા તો પેરેશૂટ સંચાલનમાં મહરાથી હતાં, તો પછી પેરેશૂટ તાલિમ વખતે એક-બે નહીં અને ૬ સૈનિકો કેવી રીતે મરાયા?

શું લાદેનને તેની પત્નીએ જ ગોળી મારી હતી?

લાદેનને કોણે ગોળી મારી એ વિવાદ પાછળથી પ્રગટ થયેલા પુસ્તક ‘નો ઈઝી ડે’ના કારણે ચર્ચાસ્પદ બન્યો હતો અને આજેય છે. લાદેનની હત્યા માટે પાર પાડેલા મિશનને અમેરિકાએ ઓપરેશન જેરોનિમો નામ આપ્યું હતું (જેરોનિમો રેડ ઈન્ડિયન યોદ્ધો હતો, જેણે અમેરિકાની ગોરી સરકાર વિરૃદ્ધ બરાવટું ખેડ્યું હતું). એ ઓપરેશનમાં ભાગ લેનારા નેવી સીલ કમાન્ડોની જુબાની આધારે આ પુસ્તક લખાયું છે. તેમાં દાવો કરાયો છે કે લાદેન કમાન્ડો દ્વારા મરાયો ન હતો. કમાન્ડો પહોંચે એ પહેલા જ લાદેનની ઘણી બધી પૈકી એક પત્નીએ ગોળી મારી દીધી હતી. અથવા તો શરણે ન આવવા માગતા લાદેને પોતે જ પોતાને ગોળી મારી દીધી હતી. જો આવું જ હોય તો પછી અમેરિકી સરકાર શેની મૂછે લીંબુ લટકાવતી ફરે? એટલે આ પુસ્તક પ્રગટ થયું ત્યારે અમેરિકી સરકારને ભારે ટીકાનો સામનો કરવો પડડ્યો હતો.
આવા બધા રહસ્યો અને સવાલોને કારણે લાદેન ખરેખર મરાયો હતો એવા સવાલો પૂછાતા રહે છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, એન્ટરટેઈનમેન્ટ તેમજ સ્પોર્ટસ, ઓટો, લાઈફ અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ તમારા મોબાઈલ પર તમામ સમાચાર મેળવવા માટે ડાઉનલોડ કરો અમારી Android Application…

Related posts

આ દુકાનમાં મળે છે સોનાથી બનેલ ‘ગોલ્ડન મોદક’: કિંમત અને વિશેષતા જાણીને ચોંકી જશો તમે

Vishvesh Dave

ચીનની મોટી છલાંગ / 90 દિવસની અકવાસી સફર ખેડી 3 ચાઈનીઝ એસ્ટ્રોનોટ ધરતી પર પરત ફર્યા

Pritesh Mehta

હાઈકોર્ટે આપ્યો પુત્રને ઘર ખાલી કરવાનો આદેશ, માતા-પિતાને દરરોજ આપતો હતો પીડા

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!