GSTV

ગજબની ગિફ્ટ / અમેરિકા પર થયેલા આતંકી હુમલા પછી કેન્યાના મસાઈ આદિવાસીઓએ મોકલાવી હતી આવી ભેટ, જાણીને ચોંકી જશો

અમેરિકા

Last Updated on September 10, 2021 by Lalit Khambhayata

અમેરિકા પર થયેલા આતંકી હુમલાના 20 વર્ષ, લેખ-3

હુમલા પછી કેન્યાના રહેતા વિખ્યાત મસાઈ આદિવાસીઓએ અનોખી રીતે અમેરિકાને સાંત્વના આપી હતી. મસાઈ આદિવાસીઓ પાસે મદદ કરવા શું હોય? તેમની પાસે કંઈ અઢળક સંપત્તિ નથી કે નથી એવી સાધન-સામગ્રી કે જે આપીને અમેરિકાનું દુઃખ હળવું કરી શકાય. તો શું કરવુ?
મસાઈ લોકોએ પોતાના જીવથી પણ વ્હાલી ૧૪ ગાયો અમેરિકાને ભેટ કરી! એ વખતે વિલિયમ બ્રાન્કિક કેન્યામાં અમેરિકાના એમ્બેસેડર હતા. ૨૦૦૨ની સાલમાં તેમની હાજરીમાં જ એક સમારોહ યોજાયો, ૧૪ ગાયો તેમને સોંપવામા આવી અને એ વખતે મસાઈ લોકોએ હાથમાં બેનરો રાખ્યા હતા જેમાં લખ્યા હતું  ‘ટુ ધ પિપલ ઓફ અમેરિકા, વિ ગીવ ધીસ કાવ્ઝ ટુ હેલ્પ યુ.’ એ આદિવાસીઓને એ વખતે ખબર ન હતી કે સ્કાયક્રેપર એટલે શું. પરંતુ એક મસાઈ વિદ્યાર્થી હુમલા વખતે ન્યુયોર્કમાં ભણતો હતો. તેણે કહ્યું એટલે બધા મદદ કરવા આગળ આવ્યા. અમેરિકાને દુનિયાભરમાંથી મળેલી હેલ્પમાં એ સૌથી અનોખી હતી.

હુમલો થાય તો શું કરવું એની મીટિંગ મળવાની હતી પણ…

હુમલા અંગે વિવિધ થિયરીઓ અને સવાલ-શંકા ઉભા થતા રહે છે. જેમ કે એક થિયરી એવી છે કે ઈરાક-અફઘાનિસ્તાન પર હુમલો કરવાનું બહાનું મળે એટલા માટે અમેરિકાએ જ આ હુમલો કરાવ્યો હતો. ટાવરમાં પહેલેથી વિસ્ફોટકો ભરેલા હતા, બાકી વિમાનથી ટાવર તૂટે નહીં વગેરે… વગેરે… એ બધી થિયરીઓ સાચી હોય કે ખોટી પણ એક અજબ યોગાનુયોગ ટાવર પરના હુમલા સાથે જોડાયેલો છે. વાત જાણે એમ છે કે જુલાઈ, ૨૦૦૧ એટલે કે હુમલાના થોડા મહિના પહેલા જ હજુ તો વર્લ્ડ ટ્રેડ સેન્ટરના માલિકો બદલાયા હતા. અમેરિકન ઉદ્યોગપતિ લેરી સિલ્વરસ્ટેન હવે તેનો માલિક હતો. ૯૯ વર્ષ માટે હાથમાં આવેલા ટાવર પર ઘણુ કામ કરવાનું હતું અને એ માટે નિયમિત મિટિંગો પણ થતી હતી. ‘ટાવર પર આતંકી હુમલો થાય તો શું કરીશું’ એવી એક મિટિંગ પણ આયોજિત થઈ હતી. ટાવરના ૮૮મા માળે એ મિટિંગ મળવાની હતી. પણ કોઈ એક વ્યક્તિ આવી શકે એમ ન હોવાથી મિટિંગ થોડા દિવસ પાછી ઠેલવામાં આવી. ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ પ્રમાણે ટ્વિન ટાવરની સુરક્ષા અંગેની એ મિટિંગ મળવાની હતી તેની તારીખ હતી ૨૦૦૧ની ૧૧મી સપ્ટેમ્બર!

ધૂમાડાએ લોકોની તબિયત બગાડી

બે કદાવર વર્લ્ડ ટ્રેડ સેન્ટર ધરાશયી થયા, તેની માટી ઉડી, દિવસો સુધી રાખ-ધૂળ હવામાં રહી. એટલે ન્યૂયોર્ક શહેર પર ક્યારેય જોવા ન મળ્યું હોય એવુ હવા પ્રદૂષણ છવાયું. બિલ્ડિંગ મટિરિયલ, ઈલેક્ટ્રોનિક્સ સાધનો, લોખંડ.. વગેરે સહિતનો ભંગાર ભારે પ્રદૂષણ ફેલાવનારો સાબિત થયો. એ પછી અનેક આરોગ્ય વિષય કાર્યક્રમો અમેરિકી સરકારે લોન્ચ કરવા પડ્યા. એટલું જ નહીં ખાસ 9-11 હેલ્થ એક્ટ નામનો કાયદો પણ સરકારે લાગુ કર્યો. એ કાયદા હેઠળ 9-11માં ઘાયલ થયેલા સૌ કોઈની તબિયત તપાસવા ઉપરાંત તેના શરીર પર થયેલી પ્રદૂષણની અસર તપાસવામાં આવી રહી છે. એ પછી આ વિસ્તારમાં અનેક એર-પ્યુરિફાયર અને હવાનું પ્રદૂષણ માપતા સાધનો લગાડવામાં આવ્યા હતા. જે લોકો હુમલામાં બચી ગયા પણ આરોગ્યને કારણે મૃત્યુ પામ્યા એ સૌનો રેકોર્ડ આજે પણ રાખવામાં આવે છે.

એ દિવસે અમેરિકામાં 3 સ્થળે હુમલા થયા હતા

9-11ના દિવસે અમેરિકા પર કુલ 3 હુમલા થયા હતા. એમાંથી ટ્રેડ સેન્ટરનો હુમલો સૌથી ઘાતક હતો. એ ઉપરાંત વોશિંગ્ટનમાં આવેલા અમેરિકી સંરક્ષણ વિભાગ પેન્ટાગોનમાં પણ વિમાન તૂટી પડ્યું હતું. ટ્રેડ સેન્ટરમાં 2750 નાગરિકો મૃત્યુ પામ્યા હતા. પેન્ટાગોનમાં 184 મરાયા હતા. જ્યારે 40 નાગરિકો પેન્સાલ્વેનિયામાં મૃત્યુ પામ્યા હતા. કેમ કે હાઈજેક કરેલું એક વિમાન ત્યાં તૂટી પડ્યું હતું. તૂટી પડવું કારણ એ હતું કે વિમાનમાં રહેલા પેસેન્જરોએ આતંકીઓ સામે થવાનો પ્રયાસ કર્યો હતો.

હવાઈયાત્રામાં ધરમૂળથી પરિવર્તન

જોવાની વાત એ છે કે આવડો મોટો હુમલો થયો ત્યાં સુધી અમેરિકા ગંધ કેમ ન આવી? કેમ કે અમેરિકી સુરક્ષા વ્યવસ્થા નબળી પડી ગઈ હતી. લાદેન ત્યારે બરાબર માનતો હતો કે અમેરિકા નબળું છે માટે મારો હુમલો નિષ્ફળ જવાનો સવાલ જ નથી. લાદેન સાચો સાબિત થયો. 9-11 પછી સૌથી મોટું પરિવર્તન આવ્યું હોય તો એ હવાઈ યાત્રામાં છે. પહેલા મુસાફરોએ નામ-સરનામા સિવાયની ખાસ વિગતો આપવાની થતી ન હતી. હવે વિમાનમાં ચડતાં પહેલા અનેક પ્રકારનું ચેકિંગ થાય છે. અમેરિકાએ પોતાના સુરક્ષા ધારા-ધોરણો અત્યંત કડક કરી દીધા છે. કોઈ મુસાફરનું નામ શંકાસ્પદ હોય તો પણ અમેરિકાનો કસ્ટમ એન્ડ બોર્ડર પ્રોટેક્શન ડિપાર્ટમેન્ટ તેને કલાકો સુધી એરપોર્ટ પર બેસાડી રાખે છે. શરીરના તમામ ભાગો ચેક કરે છે. એટલું જ નહીં ત્યાંથી પરત પણ મોકલી આપે છે. તો વળી દુનિયાના વિવિધ દેશોમાંથી અમેરિકા આવતા વિમાનોનું બરાબર ચેકિંગ થાય છે. સામાન્ય ફ્લાઈટોમાં મુસાફરોને બેસાડતા પહેલા જે ચેકિંગ એક વખત થાય, એ અમેરિકા જતાં વિમાનમાં બે વખત કરવામાં આવે છે.

હુમલાની અસર 80 દેશોમાં

હુમલો ભલે અમેરિકાની ધરતી પર થયો પરંતુ જખમ સમગ્ર માનવજાત પર થયા છે. માટે વિશ્વ હવે આ નવા પ્રકારનું યુદ્ધ લડવા માટે એક સાથે કામ કરે. એકતા એ જ આપણા માટે 21મી સદીમાં સૌથી મોટો આશાવાદ છે. આ લડાઈ તમામ આતંકીઓ વિરૃદ્ધની છે, આ લડાઈ આતંકીઓને સાથ આપનારા તમામ દેશો સામેની છે.

જ્યોર્જ બુશે હુમલાના બીજા દિવસે 10મી સપ્ટેમ્બરે આવુ કહ્યું હતું. અમેરિકા પર હુમલો થયો પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં મરાયા એ નાગરિકો વિવિધ 80 દેશોના હતા. એટલે એક રીતે તો અડધી દુનિયામાં હુમલાનો આઘાત ફરી વળ્યો હતો. એટલે પછી જ્યારે બુશે લડવાની હાલક કરી ત્યારે 120 દેશો આગળ આવ્યા હતા. અમેરિકાએ પ્રથમ 100 દિવસમાં જ આખા જગતને આતંકવાદ સામે લડવા માટે દોડતું કરી દીધું હતું. અમેરિકી પ્રમુખ બુશ પોતે જ 51 વિવિધ દેશોના નેતાઓને મળ્યા હતા.

તોડી પડાયેલા ટાવર કેવા હતા?

 • બન્ને ટાવર 110 માળ ધરાવતા હાતા. પણ નોર્થ ટાવરની ઊંચાઈ 1368 ફીટ, જ્યારે સાઉથની 1362 ફીટ હતી.
 • વર્લ્ડ ટ્રેડ સેન્ટરનું બાંધકામ તો છેક 1956માં શરૃ થયું હતું અને 1970માં પૂર્ણ થયું હતું. જુલાઈ 1971માં બે ટાવર પૈકી સાઉથ ટાવરનું ઉદઘાટન કરી દેવાયુ હતુ.
 • બાંધકામમાં 2 લાખ ટન સ્ટીલનો વપરાશ થયો હતો.
 • બન્ને ટાવરમાં મળીને વપરાશ માટેની જગ્યા 1 કરોડ ચોરસ ફીટ હતી.
 • બન્ને ટાવરમાં કુલ 50 હજાર લોકો કામ કરતા હતા.
 • સાઉથ ટાવરમાં 1377 ફીટની ઊંચાઈએ ઓબ્ઝર્વેશન ડેક બનાવાયું હતું. એ વખતે એ જગતની સૌથી ઊંચી વ્યૂઇંગ ગેલેરી હતી. જો હવામાન સાફ હોય તો વ્યૂઇંગ ગેલેરીથી 65 કિલોમીટર દૂર સુધી નજર પહોંચી શકતી હતી.
 • બન્ને ટાવરમાં વિવિધ 20 પ્રકારની રેસ્ટોરાં હતી. એમાં વળી વાઈલ્ડ બ્લૂ અને ગ્રેટેસ્ટ બાર નામની રેસ્ટોરામાં તો 450 કર્મચારીઓ હતા, જે વિવિધ 60 ભાષા બોલી શકતા હતા. કેમ કે ટ્રેડ સેન્ટરમાં સંખ્યાબંધ દેશોના નાગરિકો કામ કરતા હતા. બન્ને ટાવર્સમાં જુદા જુદા ૨૬ દેશોની ૪૩૫ કંપનીઓની ઑફિસો હતી
 • ઊંચા દોરડા પર ચાલવાના નિષ્ણાત ફિલિપ પેટિટે 1974માં બન્ને ટાવર વચ્ચે 131 ફીટ લાંબા દોરડા પર ચાલી દેખાડ્યું હતું. એ દોરડું જમીન પરથી 1350 ફીટ ઊંચુ હતું. એ પરાક્રમ પર 2015માં હોલિવૂડ ફિલ્મ ધ વોક પણ આવી હતી.
 • ટાવરની ડિઝાઈન જાપાની આર્કિટેક્ટ મિનોરુ યામાસાકીએ તૈયાર કરી હતી. એ પહેલા કુલ 105 ડિઝાઈનો તપાસાઈ હતી.
 • કદાવર ટાવરના પાયાનો ફેલાવો જ 3200 ચોરસ મીટર હતો. જ્યારે ટાવરને ટકાવી રાખવા પાયો 70 ફીટ ઊંડો ખોદાયો હતો. તો પણ તેજ પવન ફૂંકાય ત્યારે ટાવર એકાદ ફીટ આમ-તેમ હલતા-ડોલતાં હતા.
 • ટાવરમાં કુલ 43600 બારી હતી અને 6 લાખ ચોરસ ફીટના કાચ જડાયેલા હતા.
 • બાંધકામનો ખર્ચ એ વખતે 1 અબજ ડોલરથી વધારે થયો હતો.
 • અન્ડરગ્રાઉન્ડ પાર્કિંગના કુલ પાંચ માળ હતા અને એમાં 2 હજાર કાર પાર્ક થઈ શકતી હતી.
 • દરેક ટાવરનું અંદાજિત વજન 15 લાખ ટન હતું.
 • ઊંચે પહોંચવા બન્ને ટાવરમાં 198 લિફ્ટ હતી. સૌથી ઝડપી લિફ્ટ 1600 ફીટ-મિનિટની ઝડપે ઊંચે ચડતી હતી.

જીવ આપીને દસ્તાવેજી કરણ કર્યું

ટેક્સી ચાલકે બિલ બિગાર્ટને માહિતી આપી કે ત્યાં જવા જેવુ નથી. કશાક ધડાકાઓ થયા છે. મોટે ભાગે કોઈ વિમાન ટ્રેડ સેન્ટર સાથે અથડાયું છે. પણ બિગાર્ટને એ વખતે બેસી રહેવું પાલવે એમ ન હતું, કેમ કે એ ફોટોગ્રાફર હતા. પોતાના શહેરમાં, પોતે રહેતો હોય ત્યાંથી નજીક જ કોઈક મોટી ઘટના બની હોય તો ક્યો ઉત્સાહી ફોટોગ્રાફ સખણો બેસી રહે? બિગાર્ટે એટલે જ પોતાના ત્રણેય કેમેરા સાથે લઈને નીકળી પડયાં હતા. ચાલતા ચાલતા જ એ દુર્ઘટના સ્થળે પહોંચ્યા.

બિગાર્ટ ઘટનાસ્થળે પહોંચ્યા ત્યાં સુધીમાં ફાયર ફાઈટરની ગાડીઓ આવી પહોંચી હતી. બીજા કેટલાક ફોટોગ્રાફરો પણ હતા. બિગાર્ટે રોલ ચડાવેલા બે અને એક ડિઝિટલ કેમેરા વડે ફોટા પાડવાની શરૃઆત કરી દીધી. એ વખતે દક્ષિણ તરફનું ટાવર નીચે ખાબકી રહ્યું હતું. એટલે તેના ફોટા લેવાની લાલચ બિગાર્ટ રોકી શકે એમ ન હતો. એ દરમિયાન તેની પત્નીએ ફોન કરીને પૂછ્યું કે તમે ક્યાં છો? બિગાર્ટે તેને ધરપત આપી, ‘હું અહીં ફાયરમેનની ટુકડી સાથે છું અને સલામત છું. ડોન્ટ વરી. થોડી વારમાં જ પાછો આવુ છું.’

બીજા ટાવરનો કાટમાળ પણ નીચે ખાબકી રહ્યો હતો અને થોડી વાર પછી તો ટાવર પોતે પણ પતન પામ્યું. એ વખતે સૌથી નજીક બિગાર્ટ હતો. ‘ન્યુયોર્ક પોસ્ટ’ માટે ફોટોગ્રાફી કરતાં બોલિવર આર્લેનોએ કોઈને કહ્યું પણ ખરા કે પેલો ફોટોગ્રાફર વધારે પડતું જોખમ લઈ રહ્યો છે. દરમિયાન બિગાર્ટ ફોન પર કોઈની સાથે વાત પણ કરી લેતા હતા. એ વખતે જ તેમનું ધ્યાન ન રહ્યું કે જે ટાવરના પતનના તેઓ ફોટોગ્રાફ્સ લઈ રહ્યાં છે, તેનો ભંગાર માથે આવી રહ્યો છે.

થોડી વાર પછી  બિગાર્ટે ફોટા પાડવાનો જંગ જીતી લીધો હતો, પણ જીંદગીની લડાઈ હારી ચૂક્યા હતા. નોર્થ ટાવરના કાટમાળ નીચે દટાઈ ગયા હતા. સવારના ૧૦ વાગ્યે, ૨૮ મિનિટે અને ૨૪ સેકન્ડે તેમણે છેલ્લો ફોટો લીધો હતો, જે તેના કેમેરામાં સચવાયેલો હતો.

ચાર દિવસ પછી બિગાર્ટની લાશ અને કેમેરાઓ મળી આવ્યા. મરતાં પહેલા બિગાર્ટે કુલ મળીને ૩૦૦થી વધુ ફોટા પાડયા હતા અને એમાંથી ૧૫૪ તો કેમેરા તૂટી ગયા હોવા છતાં રિકવર કરી શકાયા. એ પૈકીના કેટલાક ફોટોગ્રાફ્સ આજે ન્યુયોર્કના સંગ્રહાલયમાં પ્રદર્શિત કરાયા છે. નાઈન-ઈલેવન વખતે ફોટા પાડતી વખતે મૃત્યુ પામ્યા હોય એવા એકમાત્ર ફોટોગ્રાફર બિલ બિગાર્ટ હતા.

Related posts

ટેક્નોલોજિકલ ક્રાંતિ / એમેઝોને શરુ કર્યો નવો પ્રોજેક્ટ, “હું મારૂ પોતાનુ સ્પેસ સ્ટેશન લોન્ચ કરીશ” : જેફ બેઝોસ

Zainul Ansari

ચીન આવ્યું તાલિબાનની મદદે : શરૂ કરી પૈસાની વર્ષા, 375 મિલિયન આપવાનું આપ્યું વચન

Zainul Ansari

ચિંતાનો વિષય / કેમ પડી પૃથ્વીની પરિભ્રમણની ગતિ ધીમી? શું આ બદલાવ છે કોઈ ખતરાનો સંકેત કે પછી…?

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!