GSTV
Gandhinagar ગુજરાત ટોપ સ્ટોરી

ભણશે ગુજરાત તો આગળ વધશે ગુજરાત: ધોરણ 1માં 2 લાખ વિદ્યાર્થીઓએ મેળવ્યો પ્રવેશ, શાળા પ્રવેશોત્સવને મળી રહ્યો છે સારો પ્રતિસાદ

શાળા પ્રવેશોત્સવ

રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં તા. ૨૩ થી ૨૫ જૂન ૨૦૨૨ દરમ્યાન ૧૭ મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દિર્ઘદષ્ટિપૂર્ણ આ પહેલ દ્વારા આજે રાજ્યભરમાં શિક્ષણ ક્ષેત્રે અનેરી ક્રાંતિ જોવા મળી રહી છે ત્યારે આજની સ્થિતિએ રાજ્યમાં ડ્રોપ આઉટ રેશિયો ખૂબ જ ઓછો અને એનરોલમેન્ટ રેશિયો લગભગ ૧૦૦ ટકા એ પહોંચવા આવ્યો છે. જે કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના વિઝનની એક વિશેષ સિદ્ધિ ગણી શકાય. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૨,૦૦,૩૯૯ બાળકોએ પ્રાથમિક શાળામાં ધો-૧માં પ્રવેશ મેળવ્યો છે.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઇ વાઘાણીએ આપેલી વિગતો અનુસાર રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ ૧૯,૧૮૨ મહાનુભાવોએ ૮,૧૩૨ ગામોની ૧૦,૬૦૦ શાળાઓની મુલાકાત લીધી હતી.

આ અભિયાન અંતર્ગત પ્રથમ દિવસે જ મુખ્યમંત્રી, મંત્રીઓ તથા ઉચ્ચ અધિકારી સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રાથમિક શાળામાં ધો.૧માં ૧,૦૧,૬૦૬ કુમારો અને ૯૮,૭૯૩ કન્યા મળી કુલ ૨,૦૦,૩૯૯ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ૪૦૯ કુમાર અને ૨૪૮ કન્યા મળી કુલ ૬૫૭ દિવ્યાંગ બાળકોએ શાળામાં પ્રવેશ મેળવ્યો હતો.

મંત્રીએ કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને વધુ વેગ આપવા દાન-સહકાર આપનાર નાગરિકોની પ્રશંસા કરતા ઉમેર્યુ હતુ કે, શિક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવાની રાજ્ય સરકારની આ મુહિમને ખૂબ સારો જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે ત્યારે નાગરિકો દ્વારા રોકડ રૂ. ૮૭.૯૩ લાખ (રૂ.૮૭,૯૩,૦૭૨) અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજિત કિંમત રૂ. ૮.૯૭ કરોડનો (રૂ. ૮,૯૭,૪૩,૯૧૧) લોકસહકાર–દાન પ્રાપ્ત થયુ છે. એટલે કે રોકડ અને ચીજવસ્તુ સ્વરૂપમાં અંદાજે રૂ.૯.૮૫ કરોડથી વધુની રકમનો લોકસહકાર આ કાર્યક્રમ અંતર્ગત મળ્યો છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, આજે શાળા પ્રવેશોત્સવના પ્રથમ દિવસે જ રાજ્યની વિવિધ શાળાઓમાં મળી અંદાજે રૂ. ૮.૪૬ કરોડના ખર્ચે ૧૪૧ નવનિર્મિત ઓરડાઓનું લોકાર્પણ કરવામાં આવ્યુ હતું. આ ઉપરાંત રાજ્યભરમાં ૮૨૩ શાળામાં ટ્રાન્સપોર્ટેશન સુવિધાની પણ શરૂઆત કરવામાં આવી હતી. શાળા પ્રવેશોત્સવ દરમિયાન આંગણવાડીમાં નાના ભૂલકાને પણ પ્રવેશ આપવામાં આવે છે. રાજ્યભરની આંગણવાડી- બાલમંદિરમાં ૪૩,૭૪૮ કુમાર અને ૪૦,૯૮૮ કન્યાઓ મળી કુલ ૮૪,૭૩૬ ભૂલકાઓએ પ્રવેશ મેળવ્યો હતો.

મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે સમાજમાં દિકરીઓને શિક્ષણ આપવા માટે કેળવાયેલી જાગૃતતા આજે શાળા પ્રવેશોત્સવમાં જોવા મળી છે. ખૂબ જ ઉત્સાહ સાથે દિકરીઓને શાળામાં પ્રવેશ અપાવવા માટે વાલીઓ આવ્યા હતા. સમાજની આ પહેલને હું હૃદયથી આવકારુ છુ. આવી જ રીતે સમગ્ર વર્ષ દરમિયાન શાળા-શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચે જોડાણ બની રહે તેવી મારી લાગણી છે.

શાળા પ્રવેશોત્સવ

મંત્રીએ જણાવ્યુ કે આવનારા દિવસોમાં પણ ગ્રામજનો તેમજ નગરજનો આ જ ઉત્સાહ સાથે બાળકોના નામાંકન કરાવી રાજ્યનું એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે મુહિમમાં જોડાયેલા રહે તેવી મારી અપીલ છે. આજે રાજ્યભરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં ખૂબ જ મોટી સંખ્યામાં વૃક્ષારોપણ પણ થયા છે.

આજે પ્રથમ દિવસે પ્રવેશોત્સવની ઉજવણી ઉત્સવ અને ઉલ્લાસના વાતાવરણમાં ગામે ગામ થઇ હતી. પ્રસંગને અનુરૂપ સજી−ધજીને ધોરણ−1માં નામાંકન માટે આવેલા બાળકોને ગામના મુખ્ય રસ્તાઓ ઉપર આનંદપૂર્વક ફેરવીને શાળામાં લાવવામાં આવ્યા હતા, જયાં શિક્ષકો, ગ્રામજનો અને આમંત્રિત મહેમાનો દ્વારા તેમનું ખૂબજ ઉમળાકાભેર સ્વાગત કરાયું હતું. નવનામાંકિત બાળકોના કપાળે તિલક કરવામાં આવ્યા હતાં તથા મીઠાઇઓ અને ચોકલેટ દ્વારા તેમનું મોં મીઠું કરાવવામાં આવ્યું હતું. એટલુ જ નહિ શાળા એક આનંદદાયક સ્થળ છે તેવો અહેસાસ બાળકોને ઉત્સવના વાતાવરણ સાથે કરાવવામાં આવ્યો હતો.

પ્રાથમિક શાળાઓમાં બાળકો ખાસ કરીને કન્યાઓના ૧૦૦ ટકા નામાંકન તથા સ્થાયીકરણ માટે શાળા વ્યવસ્થાપન સમિતિ તથા સ્વ−સહાય જૂથોના ઉત્સાહભર્યા પ્રયાસો અને સહયોગના ગામે ગામ દર્શન થયા હતા.

નવનામાંકિત બાળકોને મફત પાઠયપુસ્તકો તથા સ્થાનિક વ્યકિતઓ/સમુદાયો ધ્વારા સ્કૂલ બેગ, પાટી−પેન, નોટબૂક, પેન્સિલ, યુનિફોર્મ તથા રમકડા ભેટ સ્વરૂપે આપવામાં આવ્યાં હતાં. તમામ ગામોમાં શાળા કક્ષાએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવ્યાં હતાં, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો, વાલીઓ તથા શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતાં.

શાળા પ્રવેશોત્સવને ઉત્સાહજનક વાતાવરણમાં સાચા અર્થમાં લોકોત્સવ બનાવવા બદલ શિક્ષણ મંત્રીએ રાજ્યના નાગરિકો તથા સંસદ સભ્યો, મંત્રીઓ, ધારાસભ્યો, સ્થાનિક સ્વરાજની સંસ્થાના જનપ્રતિનિધિઓ, પદાધિકારીઓ અને અધિકારીઓનો પણ વિશેષ આભાર વ્યક્ત કર્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય સમાચાર.

READ ALSO

Related posts

ગાંધીનગર જિલ્લામાં કોંગ્રેસ મોટો ઝાટકો, પૂર્વ પ્રમુખ સૂર્યસિંહ ડાભીએ કોંગ્રેસમાંથી આપ્યું રાજીનામુ

GSTV Web Desk

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળામાં થયો હોબાળો, શિક્ષકોની કાયમી ઘટ પૂરી કરવાની માંગ સાથે વિપક્ષનો ઉગ્ર રોષ

GSTV Web Desk

સામાજીક સૌહાર્દનું પ્રતિક – રથયાત્રા : અમદાવાદ પોલીસના મહિલા અધિકારીઓની અધ્યક્ષતામાં યોજાયું સૌહાર્દ સંમેલન

GSTV Web Desk
GSTV