બેન્કો એ આપેલી કોર્પોરેટ લોનના કૌભાંડનો હજી નીવેડો આવ્યો નથી ત્યારે સરકારે નાના ઉદ્યોગો અને ઉદ્યોગ સાહસિકોને આર્થિક મદદ માટે શરૂ કરેલી મુદ્રા લોનમાં પણ કૌભાંડના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. નાણાંકીય વર્ષ 2016-17થી અત્યાર સુધીમાં જાહેર ક્ષેત્રની બેન્કોએ પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY)ની લોનમાં 2313 છેતરપિંડી-કૌભાંડના કેસ સામે આવ્યા છે.

સંસદમાં આજે સોમવારે આ માહિતી જાહેર કરવામાં આવી હતી. આ મુદ્રા યોજનાની શરૂઆત થઇ ત્યારથી લઇ 21મી જૂન 2019 સુધીમાં રૂ.10 કરોડથી પણ વધારે રકમની લોન આપવામાં આવી છે. નાણાં પ્રધાન નિર્મલા સિતારમને લોકસભામાં એક લિખિત જવાબમાં કહ્યું કે, જાહેર ક્ષેત્રની બેન્કો પાસેથી પ્રાપ્ત આંકડા મુજબ વિતેલા 3 વર્ષમાં અને ચાલુ નાણાંકીય વર્ષે અત્યાર સુધીમાં 2313 લોન એકાઉન્ટમાં કથિત કૌભાંડ-છેતરપિંડી થઇ હોવાની ઘટના સામે આવી છે.


તેમણે એવું પણ જણાવ્યું કે, આ કેસોમાં તપાસ/કાર્યવાહી શરૂ કરી દેવાઇ છ જેથી ખામીઓ શોધ શકાય અને જવાબદારીઓ નક્કી કરી શકાય. 103 દોષી કર્મચારીઓને ઓળખી કાઢવામાં આવ્યા છે અને દિશાનિર્દેશો હેઠળ 68 વિરુદ્ધ કાર્યવાહી કરાઇ છે.

સૌથી વધુ છેતરપિંડીના 334 કેસો તમિલનાડુમાં નોંધાયા છે જ્યારે બીજા ક્રમે ચંડીગઢમાં 275 કેસ અને આંધ્રપ્રદેશમાં 241 કેસ બહાર આવ્યા છે. કેન્દ્રીય નાણાં પ્રધાને કહ્યું કે, કુલ એનપીએની વાત કરીયે તો મુદ્રા લોનની એનપીએ જે વર્ષ 2017-18માં 2.52 ટકા હતી જે સાધારણ વધીને વર્ષ 2018-19માં 2.68 ટકા થઇ છે.

લોકસભામાં એવી પણ માહિતી રજૂ કરાઇ હતી કે શિશું કેટેગરી હેઠળની એનપીએમાં સતત ઘટાડો થયો છે. જે વર્ષ 2016-17માં 4.14 ટકા હતી જે વર્ષ 2017-18માં 1.93 ટકા અને વર્ષ 2018-19માં 1.29 ટકા થઇ છે.

તે ઉપરાંત સરકારી બેન્કો રિઝર્વ બેન્કની ગાઇડલાઇન્સ અને પોતાના બોર્ડ દ્વારા મંજૂર કરાયેલી નીતિઓ મુજબ લોનની રિકવરી કરે છે અને તે મુજબ જ એનપીએનું મોનિટરિંગ પણ કરે છે. પ્રધાન મંત્રી મુદ્રા યોજના હેઠળ ત્રણ કેટેગરી- શિશુ કેટેગરી, કિશોર અને તરુણ કેટેગરીમાં લોન આપવામાં આવે છે.
Read Also
- ભાવનગર મનપામાં પાંચ ગામોને ભળવ્યા પણ વિકાસ કરવાનું ભૂલી ગયા, ઠેર ઠેર છે પ્રાથમિક સુવિધાનો અભાવ
- WhatsApp બાદ Airtel શરૂ કરી પેમેન્ટ સર્વિસ! જાણો તમે કેવી રીત કરશો વપરાશ
- ગુજરાત યુનિવર્સિટીમાં NSUIનો હોબાળો, કોમર્સમાં બેઠકો ખાલી હોવા છતાં નથી આપતા પ્રવેશ
- પાટડીમાં પ્રથમ ડોઝની રસી આપવાની શરૂ કરાઈ, 100 જેટલા આરોગ્યકર્મીને અપાઈ રસી
- જામનગર/ 10 કરોડની છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ, પરત પૈસા ન આપતા મામલો વકર્યો