ગુજરાતની 10 લોકસભા પર ભાજપ માટે કપરાં ચઢાણ, પીએમ મોદીને પણ છે આ ડર

pm modi

લોકસભા ચૂંટણી આવતા જ ભાજપ એક્શન મોડમાં આવી ગઈ છે અને જે બેઠકો પર ભાજપને નુકસાન થઇ શકે એવું છે ત્યાં મહેનત કરવાની કવાયત શરૂ કરી છે. આવી બેઠકો જીતવા ભાજપે ખરીદ વેચાણ શરુ કર્યું છે અને તેના જ ભાગરૂપે ભાજપે આશા પટેલને પક્ષ પલટો કરાવડાવ્યો છે. પીએમ મોદીની ગુજરાત મુલાકાત બાદ ભાજપે હવે સૌરાષ્ટ્ર તરફ મીટ માંડી છે અને કોંગ્રેસી કેટલાક નેતાઓને ખરીદવા પ્રયાસ ચાલુ કર્યા છે. કારણકે રાજ્યના કુલ 15 જીલ્લાઓ એવા છે જેમાં ભાજપને ગત વિધાનસભામાં માત્ર આઠ જ સીટ મળી હતી. આથી આ તમામ જીલ્લામાં ભાજપને કવાયત કરી યોજનાઓ જાહેર કરવી પડે છે અથવા તો જોડતોડ કરવી પડે છે.

modi

ભાજપ માટે કપરાં ચઢાણ

 • મોરબી
 • ગીર સોમનાથ
 • અમરેલી
 • નર્મદા
 • તાપી
 • ડાંગ
 • અરવલ્લી

આ જિલ્લામાં ભાજપને માત્ર એક બેઠક મળી છે

 • સુરેન્દ્રનગર
 • દેવભૂમી દ્વારકા
 • પોરબંદર
 • જૂનાગઢ
 • બોટાદ
 • પાટણ
 • મહિસાગર
 • છોટાઉદેપુર

ગત લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપને મોદી લહેરનો ફાયદો મળતા ભાજપે ગુજરાતની તમામ ૨૬ લોકસભા સીટ જીતી લીધી હતી ત્યારે ભાજપે આ વખતે તમામ ૨૬ લોકસભા સીટ જાળવી રાખવા માટે એડીચોટીનું જોર લગાવવું જરૂરી છે. નહિ તો દસેક સીટ પર નુકશાન જવાની શક્યતા છે. આ બેઠકો એવી છે જેમાં કોળી પાટીદાર કે આદિવાસી વોટર નિર્ણય હોય છે. ગત વખત ભાજપ માટે જેવું વાતાવરણ હતુ તેવું વાતાવરણ આ ચૂંટણી દરમિયાન નથી. એટલે જ ભાજપને રાજ્યની એકપણ સીટ ગુમાવવી પોસાય તેમ નથી. ભાજપે અલગ અલગ મોરચે કોંગ્રેસને નબળી કરવાની શરૂઆત કરી દીધી છે.

pm modi safai

જેના ભાગરૂપે જ પીએમ નરેન્દ્ર મોદીએ પાટીદારોના બંને કાર્યક્રમમાં હાજરી આપી સંબોધન કર્યું હતું. કડવા અને લેઉવા પાટીદાર સમાજને રીઝવવા માટે મોદીએ પ્રયાસ કર્યો હતો. તો ઉત્તર ગુજરાતમાં ભાજપ પાસે અનેક દિગ્ગજ કહી શકાય એવા નેતા છે. જેમાં નીતિન પટેલ, જીવાભાઈ પટેલ તો હવે કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા આશા પટેલ પણ છે ત્યારે ભાજપે મહેસાણા અને તેની આસપાસની સીટ સિક્યોર કરી લીધી છે અને હજી કેટલીક વિધાનસભા સીટમાં જાતિગત સમીકરણ સેટ કરી તેના માટે પણ પ્રભારી ઓમ માથુર દ્વારા પ્રયાસ તેજ કરી દેવામાં આવ્યા છે. આ માટે જ પૂર્વ ધારાસભ્ય નારણ પટેલનાં મનામણાં ચાલી રહ્યા છે.

રાજ્યના એવા જિલ્લાની વાત કરીએ જ્યાં અત્યારે પણ ભાજપ નબળી છે. તો મોરબી, ગીર સોમનાથ, અમરેલી, નર્મદા, તાપી, ડાંગ અને અરવલ્લીનો સમાવેશ થાય છે. અહીં ભાજપનો સફાયો થઇ ગયો હતો જ્યારે કે સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, બોટાદ, પાટણ, મહીસાગર અને છોટા ઉદેપુર એમ આઠ જિલ્લા એવા છે જેમાં ભાજપને માત્ર વિધાનસભા એક જ સીટ મળી છે. આ 15 જિલ્લા રાજ્યની 10 લોકસભા સીટને અસર કરે છે. જ્યાં ભાજપને મજબુત કરવા માટે પ્રયાસ ચાલી રહ્યા છે. ઘણા વિસ્તાર એવા છે જેમાં ભાજપના ધારાસભ્યને યેન કેન પ્રકારે તોડવા માટે કવાયત તેજ કરવામાં આવી છે. કોંગ્રેસે તો એવો પણ આક્ષેપ લગાવી દીધો છે કે ભાજપે લોકસભા ચૂંટણી દરમિયાન પોતાનો પક્ષ મજબુત કરવા માટે ભગવાન બારડનું ધારાસભ્ય પદ રદ કરી દીધું છે.

ચર્ચા એવી પણ ચાલી રહી છે કે પાટીદાર સમાજને રીઝવવા માટે મોદીએ અન્નપુર્ણા ધામના કાર્યક્રમમાં હાજરી આપી હતી. કારણકે ખોડલધામના ટ્રસ્ટીઓ એક તરફ એવું કહી રહ્યા છે કે તેઓ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. પરંતુ ભાજપના કહ્યામાં પણ નથી અને એટલે જ અન્નપુર્ણા ધામના માધ્યમથી લેઉવા પાટીદાર સમાજને મનાવવા કવાયત ચાલી રહી છે. કારણકે જો ભાજપને સૌરાષ્ટ્રમાં જીતવું હોય તો લેઉવા પાટીદારને સાચવવા જરૂરી બને. પરંતુ ગત વિધાનસભા ચૂંટણી દરમિયાન સૌરાષ્ટ્રમાં ભાજપનો સફાયો થતાં ભાજપને આ વખતે જો ૨૬ સીટ જીતવી હોય તો સૌરાષ્ટ્ર કબજે કરવું જરૂરી બની રહેશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter