GSTV
India News ટોપ સ્ટોરી

100 કરોડ વેક્સિનના ડોઝ એ માત્ર આંકડો નથી પણ નવા ભારતની તસવીર છે, PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન

PM Narendra modi nation address: કોરોના કાળ દરમિયાન પીએમ મોદીનું આ 10મું સંબોધન છે. અગાઉ ગઈકાલે જ ભારતે કોરોનાની રસીના 100 કરોડ ડોઝ આપવાનું લક્ષ્ય હાંસલ કર્યું છે. હવે તમામની નજર પીએમ મોદીના સંબોધન પર છે. તમને જણાવી દઈએ કે આવનારા સમયમાં દિવાળી અને છઠ જેવા તહેવારો આવવાના છે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદી પોતાના સંબોધનમાં આગામી તહેવારો પર લોકોને કોરોના વિશે ચેતવણી આપી શકે છે.

ભારતનું રસીકરણ અભિયાન સબકા સાથ-સબકા વિકાસ અને સબકા પ્રયાસનું જીવંત ઉદાહરણ

કોરોના સામે લડી રહેલા ભારતે 100 કરોડ ડોઝનો આંકડો પાર કરી ઐતિહાસિક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ત્યારે પીએમ મોદીએ દેશને સંબોધન કરી જણાવ્યું કે,  100 કરોડ રસીકરણ ડોઝ માત્ર આંકડો નથી, આ નવા ભારતની તસવીર છે. પીએમ મોદીએ કહ્યુ કે, ભારતે કર્તવ્ય પાલન સાથે મોટી સફતા મેળવી છે. આજે દેશમાં 100 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા. આ ડોઝ આપવા માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નથી.  ભારતને જે સફળતા મળી તે દેશવાસીઓની સફળતા છે. આજે આખી દુનિયા ભારતની આ તાકાતને મહેસૂસ કરી રહી છે. ભારતનું રસીકરણ અભિયાન સબકા સાથ-સબકા વિકાસ અને સબકા પ્રયાસનું જીવંત ઉદાહરણ છે. કોરોના મહામારીની શરૂઆતમાં એવી આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, ભારત કોરોના જેવી મહામારી સામે લડવામાં મુશ્કેલીનો સામનો કરશે.. પરંતુ ભારતે રસીના ડોઝ આપવામાં ઐતિહાસીક સિદ્ધી મેળવી છે.

મેડ ઈન ઈન્ડિયાની તમામ વસ્તુને આપણે ખરીદવી જોઈએ : PM મોદી

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં મેડ ઈન ઈન્ડિયાને પ્રોત્સાહન આપવા અપીલ કરી. તેમણે જણાવ્યુ કે, આજે મેડ ઈન ઈન્ડિયાની તાકાત વધી છે. આપણે દેશમાં બનેલી વસ્તુને વ્યવ્હારમાં લાવવી પડશે. દેશના લોકો આજે લોકલ ફોર વોકલ તરફ વળી રહ્યાં છે.  ભારત મોટા લક્ષ્યને નક્કી કરી તેને હાંસલ કરવા માટે તૈયાર છે. મેડ ઈન ઈન્ડિયાની તાકાત બહુ મોટી છે. તેને ભારતીયો અનુભવી રહ્યા છે.  પીએમ મોદીએ વધુમાં કહ્યુ કે, મેડ ઈન ઈન્ડિયાની વસ્તુ બનાવવામાં જે ભારતીયનો પરસેવો પડ્યો છે. તેવી તમામ વસ્તુને આપણે ખરીદવી જોઈએ અને આ તમામ લોકોના પ્રયાસથી શક્ય બનશે.

યુદ્ધ ચાલુ છે એટલે હથિયાર હેઠે ના મૂકો, તહેવાર પહેલાં PM મોદીએ દેશને કર્યા સાવચેત

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે, કોરોના સામેની આપણી લડાઈ હજી ચાલુ છે. આપણું કવચ ગમે તેટલુ ઉત્તમ કેમ ન હોય, હજી આપણું કોરોના સામે યુદ્ધ ચાલુ છે. જેથી હથિયાર નીચે ન મુકવા જોઈએ. દિવાળીના તહેવારોને સતર્કતા સાથે ઉજવવાના છે. આપણે  બહાર જઈએ એટલે જૂતા પહેરીએ છીએ તેવી રીતે આપણે માસ્ક પણ પહેરવો જોઈએ. આપણે માસ્ક પહેરવાને સહજ સ્વભાવ બનાવવો પડશે. આપણે કોરોના સામે લાપરવાહ ન બનીએ અને દિવાળી પહેલાં 100 કરોડ રસીના ડોઝથી લોકોમાં વિશ્વાસ વધ્યો છે.

કોવિન પ્લેટફોર્મ આજે વિશ્વ માટે બન્યું આકર્ષણનું કેન્દ્ર : મોદી

પીએમ મોદીએ જણાવ્યું કે, ‘ભારતે રસી માટે કોવિન એપ બનાવી જેના વખાણ દુનિયાના દેશો કર્યા. એપના કારણે દેશના તમામ લોકોને રસી આપવાનું કામ સરળ બન્યું. આજે કોવિન એપ વિશ્વના દેશ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.’

100 કરોડ ડોઝ પૂર્ણ થવા પર આરોગ્ય કર્મચારીઓને અભિનંદન

ટ્વીટ કરીને રસીકરણમાં ઇતિહાસ રચવા પર પીએમ મોદીએ કહ્યું, ‘ભારતે ઇતિહાસ રચ્યો છે. અમે ભારતીય વિજ્ઞાન, સાહસ અને 130 કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાની જીત જોઈ રહ્યા છીએ. રસીકરણમાં 100 કરોડનો આંકડો પાર કરવા બદલ ભારતને અભિનંદન. આપણા ડોકટરો, નર્સો અને આ સિદ્ધિ હાંસલ કરવા માટે કામ કરનારા બધાનો આભાર.

કોરોના કાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ 10મું સંબોધન છે. અગાઉ ગઈકાલે જ એટલે કે, ગુરૂવારે જ ભારતે કોરોના વેક્સિનના 100 કરોડ ડોઝ લગાવવાનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં કયા મુદ્દાઓને આવરી લેશે તેને લઈ સૌ કોઈ ઉત્સુક છે. ગણતરીના દિવસોમાં જ દિવાળી અને છઠ જેવા તહેવારો આવી રહ્યા હોવાથી વડાપ્રધાન મોદી પોતાના સંબોધનમાં આગામી તહેવારોને લઈ દેશવાસીઓને કોરોના અંગે સાવચેત કરશે તેવી ધારણા છે.

વડાપ્રધાન પોતાના રાષ્ટ્રજોગ સંબોધનમાં ચોંકાવનારા નિર્ણયોની ઘોષણા કરવાને લઈ પણ ઓળખાય છે. 2016માં 8 નવેમ્બરના રોજ તેમણે રાષ્ટ્રજોગ સંબોધન દરમિયાન નોટબંધીની ઘોષણા કરી હતી. તે જ રીતે 2020માં આવા જ એક સંબોધન દરમિયાન દેશવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી.

ભારતે ઈતિહાસ રચ્યો, રસીકરણનો આંકડો 100 કરોડને પાર

ભારતે માત્ર નવ મહિનાના ટૂંકાગાળામાં દેશભરમાં કોરોના વિરોધી રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવાનું સીમાચિહ્ન પાર કરીને વિશ્વમાં ઈતિહાસ રચી દીધો છે. દેશમાં ૧૬મી જાન્યુઆરીએ રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન શરૂ થયું હતું અને નવ જ મહિનામાં ભારતે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રસીકરણની આ સિદ્ધિને ભારતીય વિજ્ઞાાન, ઉદ્યોગો અને ૧૩૦ કરોડ ભારતીયોની સામૂહિક ભાવનાનો વિજય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું કે ૧૦૦ વર્ષની સૌથી મોટી મહામારી સામે લડવા માટે આપણને એક મજબૂત ઢાલ મળી ગઈ છે. પીએમ મોદી આ પ્રસંગે રામમનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા હતા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ૨૧મી ઑક્ટોબર, ૨૦૨૧નો દિવસ ઈતિહાસમાં નોંધાઈ ગયો છે. આ સિદ્ધિ ભારત, પ્રત્યેક ભારતીયની છે. તેમણે ટ્વીટ કરીને જણાવ્યું કે, ભારતે ઈતિહાસ રચ્યો છે. ભારતને ૧૦૦ કરોડ રસીકરણ પાર કરવા બદલ અભિનંદન. આ સિદ્ધિ હાંસલ કરવામાં મહત્વપૂર્ણ કામગીરી કરનારા ડૉક્ટર્સ, નર્સ અને અન્ય બધા જ કોરોના વોરિયર્સનો આભાર.  કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે દેશને આ સિદ્ધિ હાંસલ કરવા બદલ અભિનંદન. આ સિદ્ધિ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સક્ષમ નેતૃત્વનું પરિણામ છે. તેમણે લખ્યું કે, અભિનંદન ભારત. આ દૂરદર્શી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સમર્થ નેતૃત્વનું ફળ છે. દક્ષિણ-પૂર્વ એશિયામાં સ્વાસ્થ્ય સંગઠનના પ્રાદેશિક નિદેશક ડૉ. પૂનમ ખેત્રપાલ સિંહે આ સિદ્ધિ માટે ભારતને અભિનંદન પાઠવા કહ્યું કે મજબૂત રાજકીય નેતૃત્વ વિના આ શક્ય ન હોતું.

સત્તાવાર સૂત્રો મુજબ  દેશમાં રસીકરણને પાત્ર વયસ્કોમાં અંદાજે ૭૫ ટકા લોકોને કોરોના વિરોધી રસીનો ઓછામાં ઓછો એક ડોઝ અપાયો છે જ્યારે ૩૧ ટકા લોકોને રસીના બંને ડોઝ અપાયા છે. રાષ્ટ્રીય રસીકરણ અભિયાન હેઠળ અપાયેલા ડોઝની સંખ્યા ૧૦૦ કરોડે પહોંચતા દેશમાં ગુરુવારે ખાદીનો સૌથી મોટો તિરંગો લાલ કિલા પર ફરકાવવામાં આવ્યો હતો. તેમણે ઉમેર્યું કે આ તિરંગાની લંબાઈ ૨૨૫ ફૂટ અને પહોળાઈ ૧૫૦ ફૂટ છે અને તેનું વજન લગભગ ૧,૪૦૦ કિલો છે. તેમણે ઉમેર્યું કે આ તિરંગો બે ઑક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં ફરકાવવામાં આવ્યો હતો.

ભારતમાં રસીકરણ અભિયાન હેઠળ ૧૦૦ કરોડ ડોઝ અપાવાની ઊજવણીના ભાગરૂપે અનેક કાર્યક્રમોની યોજના બનાવવામાં આવી છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઈ) રાષ્ટ્રીય ધ્વજના રંગોથી તેના ૧૦૦ સ્મારકોને પ્રકાશિત કરશે. એએસઆઈના અધિકારીઓએ કહ્યું કે, કોરોના સામેની લડાઈમાં અગ્રેસર રહીને કામ કરનારા સ્વાસ્થ્ય કર્મચારીઓ, વૈજ્ઞાાનિકો, રસી બનાવનારા અને દેશના નાગરિકોને સન્માન આપવા માટે આ ઊજવણી કરાશે. આ લોકોએ કોરોના મહામારીનો હિંમતથી સામનો કર્યો છે.

સ્પાઈસ જેટે ૧૦૦ કરોડ ડોઝની સિદ્ધિ હાંસલ કરવા પર ગુરુવારે દિલ્હી એરપોર્ટ પર વિશેષ ગણવેશ જારી કર્યો હતો. આ પ્રસંગે સ્વાસ્થ્ય મંત્રી, નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને સ્પાઈસ જેટના સીઈઓ અજય સિંહ હાજર રહ્યા હતા. અગાઉ માંડવિયાએ કહ્યું હતું કે,  ભારત રસીના ૧૦૦ કરોડ ડોઝ આપવાની સિદ્ધિ પ્રાપ્ત કરશે ત્યારે તેની જાહેરાત વિમાનો, જહાજો, મેટ્રો અને રેલવે સ્ટેશનો પર કરાશે. 

દેશમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનની શરૂઆત ૧૬ જાન્યુઆરીથી થઈ હતી અને તેના પહેલા તબક્કામાં સ્વાસ્થ્ય કર્મચારીઓને રસી અપાઈ હતી. ત્યાર પછી બે ફેબુ્રઆરીથી કોરોના વોરિયર્સને રસી આપવાનું શરૂ થયું. કોરોના વિરોધી રસીકરણ અભિયાનનો આગામી તબક્કો ૧લી માર્ચથી શરૂ થયો, જેમાં ૬૦ વર્ષથી વધુ વયના અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત ૪૫ વર્ષથી વધુ વયના લોકોને રસી અપાવા લાગી. દેશમાં ૪૫ વર્ષથી વધુ વયના બધા જ લોકોનું રસીકરણ ૧લી એપ્રિલથી શરૂ થયું અને ૧૮ વર્ષથી વધુ વયના લોકોને ૧લી મેથી રસી આપવાનું શરૂ કરાયું હતું.

READ ALSO :

Related posts

આપ ઉમેદવાર અલ્પેશ કથિરીયાની કિશોર કાનાણીને ચેલેન્જ, આઠ ડિસેમ્બરે કાકાની જીત થશે તો મારા ખભા પર બેસાડીશ

pratikshah

દુર્ઘટના ટળી/ બે હિસ્સામાં વહેંચાઈ ગઈ ચાલુ ટ્રેન, 200 મીટરથી વધુ આગળ નીકળી ગયું એન્જિન, 1 હજાર લોકોનો થયો આબાદ બચાવ

HARSHAD PATEL

કોંગ્રેસમાં ભડકો / તમે તો વાંકા વળીને ઝૂકી ગયા પણ અમારે તમને જીતાડીને એમને જ ઝૂકવાનું

pratikshah
GSTV