પરપ્રાંતિયોને લઈને ભડકાઉ નિવેદનના કારણે વિવાદમાં આવેલા અલ્પેશ ઠાકોરના માથે એક કરોડનું ઈનામ જાહેર થયું છે. મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડ નામના સંગઠને અલ્પેશ ઠાકોરનું માથુ વાઢનારને એક કરોડ રૂપિયા ઈનામ આપ્યાના પોસ્ટરો લગાવ્યા છે. યુપીના બહરાઈચમાં અલ્પેશ ઠાકોરની તસવીર સાથેના પોસ્ટર લાગ્યા છે.
આ પોસ્ટરમાં જ એક કરોડના નામનો ઉલ્લેખ છે. પોતાને મહારાણી પદ્માવતી યુથ બ્રિગેડના અધ્યક્ષ માનતા ભવાની ઠાકુરે આક્ષેપ લગાવ્યો કે, ઠાકોર અને તેમના સાથે રાક્ષસી પ્રકૃતિના છે. જે દબાયેલા-કચડાયેલા ગરીબ મજુરો સાથે મારપીટ કરીને કાયરતા દર્શાવે છે. આ લોકો દેશને તોડવાનું કામ કરે છે. તેમજ તેનો સૌ કોઈએ સાથે મળીને વિરોધ કરવો જોઈએ.
તેણે કહ્યુ કે જો અલ્પેશ ઠાકોર ગુજરાત બહાર નહી નીકળે તો લોકો ગુજરાત પહોંચીને તેમનુ માથુ વાઢી નાખશે. જો કે પોલીસે આ પ્રકારના પોસ્ટરો હટાવીને તાત્કાલીક અશાંતિ ફેલાવનારા તત્વો સામે કાર્યવાહીના આદેશ આપ્યા છે.
બિહારીઅોને હટાવવાની કોઈની તાકાત નથી
ગુજરાતમાં ઉત્તર ભારતીયો અને બિહારીઓ પર થઇ પહેલા હુમલા મુદ્દે બિહારના મુખ્ય પ્રધાન નિતિશ કુમારે નિવેદન આપીને આ હુમલાઓની ટીકા કરી છે. નિતિશે જણાવ્યું છે કે આ દેશ દુનિયા અને પ્રકૃત્તિ દરેકની છે, કોઇ એક વિસ્તારના લોકોનો તેના પર અધિકાર નથી પણ દરેકનો અધિકાર છે. જો કોઇને એમ લાગતુ હોય કે તેઓ બહુ તાકાતવર છે તો સમજી જજો કે આ તાકાત બહુ લાંબો સમય નહીં ટકે. હાલ સમાજમાં વધુમાં વધુ તકરારની સ્થિતિ ઉભી કરવામાં આવી રહી છે અને સોશિયલ મીડિયા દ્વારા એકબીજા વિરુદ્ધ ઝેર ફેલાવવામાં આવી રહ્યું છે. આ પહેલા પૂર્વ ઉપ મુખ્ય પ્રધાન તેજસ્વી યાદવે પણ નિતિશ કુમાર વિરુદ્ધ આક્રામક પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે દેશભરમાં અનેક રાજ્યોમાં બિહારીઓ પર હુમલાની ઘટનાઓ બની રહી છે છતા નિતિશ કુમાર મૌન બેઠા છે.