GSTV
World

Cases
4768920
Active
6441331
Recoverd
538591
Death
INDIA

Cases
264944
Active
456831
Recoverd
20642
Death

૫દ્માવત વિવાદ : જુઓ આજે બુધવારે રાજ્યના વિવિધ શહેરોમાં માં શું બન્યું ?

ઉશ્કેરાયેલા ટોળાએ નિર્દોષ દં૫તિને માર માર્યો

સાબરકાંઠા : ઇડર તાલુકાના માઢવા ગામે પદ્માવતી ફિલ્મના વિરોધ પ્રદર્શનમાં ઉશ્કેરાયેલા ટોળાએ એક દંપતીને માર માર્યો હતો. આ બાબતની તપાસ માટે ઇડર, જાદર તેમજ હિંમતનગરના SP  સહિત પોલીસ તંત્ર દોડતું થયું હતુ. અને ઘટનાને અંકુશમાં લેવા પ્રયત્ન શરૂ કર્યો હતો.

વડોદરા : વડોદરાના સાવલી જંકશન પાસે કરણી સેના દ્વારા પદ્માવતી ફિલ્મના વિરોધમાં અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ચક્કાજામ કરાયો. અહીં કાર્યકરો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને એક્સપ્રેસ વે પર ચક્કાજામ કર્યો હતો. જેથી એક્સપ્રેસ વે પર વાહનોની લાઈન લાગી હતી. તો બીજી તરફ સાવલીના પોઇચા ગામ પાસે જય ભવાનીના નારા સાથે ક્ષત્રિય યુવાનોએ હાઈવે જામ કર્યો હતો. એક કલાક કરતા વધુ સમયથી હાઈવે જામ કરાતા વાહનોની લાંબી લાઈનો લાગી હતી.

ગોંડલ : ગોંડલમાં પણ રાજપૂતોએ ફિલ્મ રિલિઝ અટકાવવા રસ્તા પર શક્તિ પ્રદર્શન યોજ્યુ. ગોંડલના રાજપૂત આગેવાનોની માંગ છે કે જાહેરહિતને ધ્યાનમાં રાખીને ફિલ્મ પ્રસારિત ન થવી જોઈએ. મોટી સંખ્યામાં રાજપૂતોએ રસ્તા પર બેનરો સાથે રેલી કાઢી હતી અને પોતાનો અવાજ બુલંદ કરવાનો પ્રયાસ કર્યો.

ભાવનગર : ગુરૂવારે ફિલ્મ પદ્માવતના વિરોધમાં રાજપૂત સમાજ અને કરણી સેના દ્વારા ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ત્યારે ભાવનગર ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા બંધને ટેકો જાહેર કરી ગુરુવારે સવારે 6 થી રાત્રિના 9 વાગ્યા સુધી ભાવનગરની તમામ નાની-મોટી ખાનગી ટ્રાવેલ્સની બસો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ભાવનગરમાં એસટી બસ મથક નજીક ખાનગી ટ્રાવેલ્સ એસોસિએશનના હોદ્દેદારો અને સંચાલકોએ બહોળી સંખ્યામાં એકત્ર થયા હતા. જેમાં ભારત બંધના એલાનને સમર્થન આપવામાં આવ્યું હતું. ફિલ્મના વિરોધમાં હાઇવે પર વિરોધ પ્રદર્શનથી લઇને બસોને આગચંપી જેવી ઘટનાઓ બની રહી છે. જેને ધ્યાને લઇને ભાવનગરથી અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર સહિત અન્ય શહેરો તેમજ નગરોમાં જતી તમામ ખાનગી બસ સેવાઓ બંધ રહેશે.

સુરત : ભારે વિરોધ વચ્ચે આવતીકાલે સમગ્ર દેશના સિનેમાઘરોમાં ફિલ્મ પદ્માવત રિલીઝ થવા જઈ રહી છે, જેનો રાજપૂત કરણી સેના સહિત અલગ અલગ સંગઠનો વિરોધ નોંધાવી રહ્યા છે. જો કે સુરતના સિનેમાઘરોમાં આ ફિલ્મ રિલીઝ ન કરવાનો નિર્ણય થિયેટર સંચાલકોએ કર્યો છે. તો બીજી તરફ દરેક સમાજના લોકો આ ફિલ્મનો બહિષ્કાર કરે અને શહેરની શાંતિ – સલામતી જળવાય તે હેતુસર રાષ્ટ્રીય કરણી સેના દ્વારા આજ રોજ શાંતિપૂર્ણ રીતે ધરણા યોજવામાં વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. સુરત કરણી સેના ના પ્રમુખે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફિલ્મ પદ્માવતને ભલે રિલીઝ કરવા પરવાનગી આપી હોય, પરંતુ હિન્દુઓની અખંડતા સામે ઊભા થયેલા સવાલને લઈ વિરોધ નોંધાવવામાં આવશે. સુપ્રીમનો  ચુકાદો   માન્ય છે પણ રાજપૂત કરણી સેના શાંતિ- પૂર્ણ માહોલમાં ફિલ્મનો વિરોધ કરી રહી છે. કરણી સેના હિંસામાં નહીં અહિંસામાં માને છે. સુરતમાં અને અમદાવાદમાં જે પરિસ્થિતિનું નિર્માણ થયું, તેમાં અસામાજિક તત્વોનો હાથ છે. શહેરમાં શાંતિ – વ્યવસ્થા જળવાય તેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સર્વ સમાજના લોકો ફિલ્મનો બહિષ્કાર કરે તેવી માંગ છે. સુરતના થિયેટર સંચાલકોએ સહકાર આપ્યો છે. પરંતુ ફિલ્મને કાયમી ધોરણે બેન કરવામાં આવે તેવી રાષ્ટ્રીય કરણી સેનાની માંગ છે.

મલ્ટીપ્લેક્ષ થિયેટર માલિકો કહે છે, લોકોની સલામતી અમારી પ્રાથમિકતા

ગુજરાત ભરના મલ્ટીપ્લેક્સમાં પદ્માવત રીલિઝ નહીં કરવાનો નિર્ણય લેવાયો છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશન દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરાઇ હતી. જેમાં કહેવાયુ હતુ કે આગળ સ્થિતી જોઇને નિર્ણય લેવાશે. તેમણે કહ્યુ કે લોકોની સુરક્ષા અમારા માટે પ્રાથમિકતા છે. તેમણે એમ પણ કહ્યુ કે મોટા ભાગના સિંગલ થિયેટરમાં પણ પદ્માવત રીલિઝ નથી થવાની.

રાજકોટ : પદ્માવત ફિલ્મના રિલીઝના વિરોધમાં રાજપૂત સમાજની મહિલાઓ પણ સામે આવી છે. રાજકોટમાં રાજપૂત સમાજની મહિલાઓએ પત્રકાર પરિષદ કરીને દરેક સમાજને ફિલ્મ જોવા માટે ન જવાની અપીલ કરી છે. રાજપૂત મહિલાઓએ કહ્યુ કે રાજપૂત રાજાઓએ હિન્દુઓને બચાવવા માટે યુધ્ધો કર્યા છે. જો કે આજ હિન્દુ ધર્મના બચાવનારાઓ પર સવાલ ઉઠી રહ્યા છે. રામલીલા ફિલ્મ વખતે પણ રાજપૂત સમાજને બદનામ કરવાનો પ્રયાસ થયો. જે લોકોને રાજપૂત સમાજની સંસ્કૃતિ જોવામાં રસ છે. તેમણે રાજસ્થાન ફરવા જવુ જોઈએ તેમ પણ કહ્યુ હતુ.

તાલાળા : ગુજરાતમાં ઠેર ઠેર ફિલ્મ પદ્માવતનો વિરોધ ચાલી રહ્યો છે. જેના પગલે તલાલામાં પણ કરણીસેના દ્વારા પદ્માવત ફિલ્મનો વિરોધ કરી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમની માંગ હતી કે ફિલ્મને રિલિઝ કરવામાં આવે નહીં.

માંગરોળ : માંગરોળમાં પદ્માવત ફિલ્મને લઈને રાજપૂત સમાજે રેલી યોજી મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. અને ગુરુવારે માગરોળ બંધ રાખવા અપીલ કરી હતી. બીજી તરફ વેપારીઓ દ્રારા પણ ક્ષત્રિય સમાજને ટેકો આપીને સદંતર માંગરોળ બંધ રાખવાની ખાતરી આપી હતી.

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગરના સાયલા પાસે રાજકોટ-અમદાવાદ હાઈવે પર કરણી સેના દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો હતો. કરણી સેનાના કાર્યકરોએ હાઈવે પર ધસી આવી હાઈવે બંધ કરી દીધો હતો. જોકે સાયલા પોલીસે હાઈવે પર ધસી આવી આઠથી વધુ લોકોની અટકાયત કરી હાઈવે ખુલ્લો કરાવ્યો હતો.

સાયલા ખાતે કરણીસેનાને વિરોધ ન કરવા પોલીસે સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. ગઇકાલે મામલતદાર કચેરી ખાતે શાંતિ સમિતીની બેઠક યોજાઇ હતી. અને આવતીકાલે સાયલા સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો. આ નિર્ણયને સાયલા વેપારી મંડળે સંપૂર્ણ ટેકો આપ્યો હતો.

ડીસા : ડીસામાં કરણી સેનાએ વિરોધ નોંધાવ્યો છે. ડીસાના ગાયત્રી મંદિર ચાર રસ્તા પાસે ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો. જોકે ચક્કાજામની જાણ થતા એલસીબી પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો.

કાંકરેજ : બનાસકાંઠાના કાંકરેજના ઉણગામ પાસે બસ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ઉણગામ પાસે રોષે ભરાયેલા ટોળાએ પાલનપુર-ભૂજ બસ પર હુમલો કર્યો હતો. અને બસ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. બસના કાચ તોડી તેને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલામાં ડ્રાઈવર સહિત છ લોકોને ઈજા થઈ હતી. જે બાદ બસના ડ્રાઈવર અને કંડક્ટર થરા પોલીસ મથક પહોંચ્યા હતા.

પાટણ : પાટણના સાંતલપુરમાં રાજપૂત યુવાસંઘ દ્વારા ફિલ્મ પદ્માવતના વિરોધમાં આવેદન આપવામાં આવ્યું. બહોળી સંખ્યામાં રાજપૂત યુવાનો એકઠાં થયા હતા. ત્યારે પ્રાંત અધિકારીને પદ્માવત ફિલ્મ રિલિઝ ન કરવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

બનાસકાંઠા : બનાસકાંઠાના કાંકરેજમાં પદ્માવત ફિલ્મનો વિરોધ થયો. કાંકરેજના ઉણ અને ભલગામ પાસે ટોળાએ વિરોધ વ્યક્ત કર્યો છે. થરામાં જુદી-જુદી જગ્યાએ હાઈવે પર ટાયરો સળગાવીને ચક્કાજામ કર્યો. તો બીજીતરફ કાંકરેજના કંબોઈ ગામે રસ્તો બંદ કરવા રસ્તા પર રેતી નાખવામાં આવી છે.

દ્વારકા : પદ્માવતના વિરોધમાં દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુરના ભોપાલકા ગામે રેલ રોકવાનો પ્રયાસ કરાયો છે. મોટી સંખ્યામાં રાજપૂત સમાજ એકઠો થયો છે. રેલ્વે પોલીસ સહિત સ્ટેટ પોલીસ બળે પરિસ્થિતી પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરાયો હતો.

Related posts

અમેરિકાના આ શહેરમાં જાહેર માર્ગ પર હુમલાખોરોએ કર્યું ફાયરીંગ, 4 નાં કરૂણ મોત અને ત્રણ ઘાયલ

pratik shah

કેન્દ્રીય કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્ત્વપૂર્ણ નિર્ણયો, આ સરકારી વીમા કંપનીઓને ફાળવવામાં આવશે 12 હજાર કરોડ રૂપિયા

pratik shah

ઘાતક વાયરસ: જીવલેણ કોરોના કેસ મળ્યાના 4 જ મહિનામાં મૃત્યુઆંકમાં મુંબઇએ ચીનને પાડયું પાછળ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!