અલ્પેશને ભારે પડશે ગાળાગાળી , સાંભળી ન શકાય તેવી ભાષામાં સુરત પોલીસને આપી ગાળો

રાજદ્રોહના કેસમાં જામીન પર બહાર આવેલા પાટીદાર અનામત આંદોલન કમિટીના કન્વીનર અલ્પેશ કથીરિયાએ હવે પોલીસ સામે બાથ ભીડી છે. જામીન પર બહાર આવેલા અલ્પેશેનો પાર્કિંગ જેવા મુદ્દે બબાલ કરી પોલીસને ધમકાવી, મામલો બિચક્યો અને પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી, બાદમાં કોર્ટે 15 હજારના જામીન આપ્યા અને છોડી મૂકવા આદેશ કર્યા. આજે શનિવારે ડીસીપી રાહુલ પટેલે અલ્પેશ કથીરિયા અને તેમના સાથીદારો ઉપર કેટલાક કેસ નોંધ્યા છે એ અંગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

ડીસીપી રાહુલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અલ્પેશ કથીરિયા અને તેમના સાથીદારોએ જ્યાં પાટીદાર બહુમતી છે એવા વિસ્તારોમાં નાના નાના મુદ્દાઓને લઇને આ વિસ્તારોને બાનમાં લેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આમ સીધે સીધું પોલીસ સાથે ઘર્ષણ કરવા જેવી ઘટનાઓમાં કેટલાક ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે.

પોલીસની ચેમ્બરમાં જઇને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ ગેરવર્તન કર્યું

કથીરિયાને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો ત્યારે તેમના સમર્થકોએ રોડ બ્લોક તેમજ પોલીસ સ્ટેશનનો ગેરાવ કર્યો હતો. અને પોલીસ સ્ટેશનમાં નુકસાન કરવામાં આવ્યું હતું. જેના પગલે પબ્લિક પ્રોપર્ટી એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત ગઇકાલે સરથાણા પોલીસ સ્ટેશનમાં કોઇપણ જાતની અગાઉ સુચના આપ્યા વગર પોલીસની ચેમ્બરમાં જઇને પોલીસ ઇન્સ્પેક્ટર સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આ ઉપરાંત અગાઉ રાજદ્રોહ જેવા ગંભીર ગુનામાં તેમને શરતી જામીન આપવામાં આવ્યા છે. જામીનની શરતો હોવા છતાં શરતોનું ઉલ્લંઘન થયું છે. આમ અમે અલ્પેશના જામીન રદ્દ કરવા અંગેની ચર્ચાઓ પણ કરી રહ્યા છે. જે અંગે રીપોર્ટ કરવામાં આવશે.

ઉમરા પોલીસ સ્ટેશનમાં પાટીદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો

કથીરિયા સામે નોંધાયેલા કેસો પર નજર કરીએ તો સરથાણા પોલીસ સ્ટેશનમાં અલ્પેશ કથીરિયાએ પીઆઈ સાથે ગેરવર્તન અને ધાક-ધમકી આપી હોવાના આરોપસર ગુનો નોંધાયો છે. જોઈન્ટ પોલીસ કમિશનર હરેકૃષ્ણ પટેલ વિરુદ્ધ સૂત્રોચ્ચારો કર્યા હતા. સરથાણા પોલીસ મથકમાં IPC-143, 147, 186,189, 504, 506 મુજબ ગુનો નોંધાયો છે. કથીરિયા અને તેની સાથે આવેલા વીસથી પચ્ચીસ પાસના કાર્યકર્તાઓએ સરથાણા પોલીસ મથકમાં આવી અગાઉ બસ સળગાવવાના ગુનામાં પકડાયેલ આરોપીને માર મારવાની બાબતે પોલીસ સ્ટેશન પર આવી પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરવાની માંગણી કરી હતી. સાથે પોલીસ સમક્ષ ગાળો ભાંડી હતી. વરાછા પોલીસ સ્ટેશનમાં મહિલા પોલીસ અને અન્ય પોલીસકર્મીઓને ન સાંભળી શકાય તેવી બીભત્સ ગાળો આપવામાં આવી હતી. ઉમરા પોલીસ સ્ટેશનમાં પાટીદારો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.. અલ્પેશને કોર્ટમાં લવાયો ત્યારે કોર્ટ સંકુલ પાસે પાટીદારોના ટોળાએ ‘કોર્ટ ભાજપ કી ગુલામ હૈ’ જેવા સૂત્રોચ્ચાર કર્યા હતા. આ મામલે 40 થી 50 લોકોના ટોળા સામે ગુનો નોંધવામાં આવ્યો છે. ક્રાઈમબ્રાંચમાં રાજ પાટીદાર નામના યુવક સામે ગુનો નોંધાયો છે. તેની સામે ફેસબુક પર મેસેજ લખીને વાતાવરણ ડહોળવાનો પ્રયાસ કર્યો હોવાનો ગુનો નોંધાયો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter