સમુદ્રમાં આતંકવાદીઓની ઘૂસણખોરીના ઇનપુટ્સના પગલે દરિયાઇ સરહદ પરની તમામ સુરક્ષા એજન્સીઓ સર્તક બની ગઇ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે, ત્યારે તેમની આ મુલાકાતને લઇને સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ છે. ખાસ કરીને ગુજરાત જે પાકિસ્તાનની સરહદ સાથે જોડાયેલુ છે, ત્યારે સમુદ્રી માર્ગે આતંકીઓની ઘુસણખોરીના ઇનપુટ્સના પગલે દરિયાઇ સરહદ પરની તમામ સુરક્ષા એજન્સી સતર્ક બની ગઇ છે. કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાં ઓપરેશન ટ્રીગર શરૂ કરાયુ છે.
નોંધનીય છે કે હજુ થોડા દિવસ પહેલા જ કચ્છના હરામી નાળામાંથી 18 જેટલી પાકિસ્તાની બોટ બિનવારસી હાલતમાં ઝડપાઇ હતી. જ્યારે અમુક પાકિસ્તાની માછીમારોની પણ ધરપકડ કરાઇ હતી, ત્યારે ફરાર થઇ ગયેલા શખ્સોએ પણ ઘુસણખોરી કરી હોય તે શકયતાને નકારી શકાય તેમ નથી. જેથી વડપ્રધાનની ગુજરાત મુલાકાતને લઇને કોસ્ટગાર્ડે સમુદ્રમાં બાજનજર રાખવાનું શરૂ કર્યુ છે અને દરિયામાં ઓપરેશન ટ્રીગર શરુ કરાયુ છે.