વાહ રે રૂપાણી સરકાર: વીજ ખરીદીમાં મસમોટા કૌભાંડો, 3.16 રૂપિયાનો કરાર અને ચૂકવ્યા રૂ. 4.09

છત્તીસગઢની વીજ ઉત્પાદન કરતી કંપની જીએમઆર ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડને ગુજરાત સરકારની વીજ કંપનીઓ પાસેનો વધારાનો કોલસો આપીને યુનિટદીઠ રૂપિયા ૩.૧૬ના ભાવે વીજળી ખરીદવાનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યા પછી પણ યુનિટદીઠ
રૂપિયા ૪.૦૯નો ભાવ ચૂકવીને વીજળી ખરીદવાનું મસમોટું કૌભાંડ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે આચર્યું છે. આ કૌભાંડને પરિણામે ગુજરાત સરકારની વીજ કંપનીઓના વીજજોડાણ ધરાવતા ૧.૫૦ કરોડ જેટલા ગ્રાહકોને માથે ૨૦૧૮-૧૯ના ત્રીજા ત્રિમાસિક ગાળામાં એટલે કે ઓક્ટોબરથી ડિસેમ્બર ૨૦૧૮ના ગાળામાં રૂ. ૧૭૫ કરોડનો વધારાનો વીજખર્ચનો બોજો આવ્યો છે.

કોલસો આપીને વીજળીનું ઉત્પાદન કરાવવાના કરાર કર્યા

છત્તીસગઢની કંપનીને ગુજરાતનો વધારાનો કોલસો આપીને યુનિટદીઠ રૂ. ૩.૧૬ના ભાવે વીજળીનો સપ્લાય આપવાના કરાર થયા હતા. રાજ્ય સરકાર તેની પાસેનો વધારાનો કોલસો બીજા રાજ્યની વીજ કંપનીઓને આપીને તેમાંથી વીજળી પેદા કરાવીને બંને રાજ્ય વચ્ચે જે ભાવે કરાર થાય તે ભાવે વીજળી ખરીદવાની છૂટ આપતી યોજના લાવી હતી. ગુજરાત સરકારની વીજ કંપનીઓ આમેય છેલ્લા બે ત્રણ વર્ષથી તેની વીજઉત્પાદનની કુલ ક્ષમતાના ૪૦થી ૫૦ ટકા ક્ષમતાએ જ વીજઉત્પાદન કરે છે. પરિણામે તેની પાસે વધારાનો કોલસો પડયો રહે છે. આ કોલસાનો ઉપયોગ કરવા માટે અને તેના માધ્યમથી વીજળી પેદા કરાવવાના વિકલ્પનો આશરો લેવાની ઉપરોક્ત સ્કીમની કેન્દ્ર સરકારે જાહેરાત કરી તે પછી તેનો લાભ લેવા ગુજરાત સરકારની વીજ કંપનીએ છત્તીસગઢની જીએમઆર ઇલેક્ટ્રિસિટી કંપની લિમિટેડ સાથે કોલસો આપીને વીજળીનું ઉત્પાદન કરાવવાના કરાર કર્યા હતા.

ગુજરાતના યુનિટદીઠ રૂ. ૨.૮૧ના ભાવે ૫૦૦ મેગાવોટ વીજળી આપશે

ગુજરાત અને છત્તીસગઢની કંપની વચ્ચે થયેલા પાવર પરચેઝ એગ્રીમેન્ટ મુજબ ગુજરાતે આપેલા કોલસાની સામે છત્તીસગઢની કંપની ગુજરાતના યુનિટદીઠ રૂ. ૨.૮૧ના ભાવે ૫૦૦ મેગાવોટ વીજળી આપશે. પહેલી નવેમ્બર ૨૦૧૭તી ૩૦મી જૂન ૨૦૧૮ના ગાળા માટે આ સપ્લાય આપવાના કરાર થયા હતા. ત્યારબાદ જીયુવીએનએલ-ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડે બીજો એક પાવર પરચેઝ એગ્રીમેન્ટ કર્યો હતો. તેમાં ગુજરાત સરકાર વધારાનો કોલસો આપે તેની સામે છત્તીસગઢની કંપનીએ યુનિટદીઠ રૂ. ૩.૧૬ના ભાવે ગુજરાત સરકારની વીજ કંપનીઓને ૧૦૦૦ મેગાવોટ વીજળીનો પુરવઠો ૧૫મી ઓક્ટોબર ૨૦૧૮થી માંડીને ૩૦મી જૂન ૨૦૧૯ના સમયગાળા દરમિયાન આપવાનો હતો. કોલ યુટિલાઈઝેશન સ્કીમ હેઠળ જ આ કરાર થયા હતા.

વીજગ્રાહકોને માથે રૂ.૧૭૫ કરોડનો વધારાનો ખર્ચબોજ નાખી દીધો

જીયુવીએનએલએ ઓક્ટોબર-નવેમ્બર-ડિસેમ્બર ૨૦૧૮ના ત્રિમાસિક ગાળાના ફ્યુઅલ પ્રાઈસ એન્ડ પાવર પરચેઝ એગ્રીમેન્ટ-એફપીપીપીએના આંકડા જાહેર કર્યા ત્યારે આ કૌભાંડ બહાર આવ્યું હતું. તેમાં તેણે દર્શાવ્યું હતું કે આ ગાળામા તેને છત્તીસગઢની કંપનીએ યુનિટદીઠ રૃા. ૪.૦૯ના ભાવે ૧૮૮૩ મેગાવોટ વીજળી આપી હતી. આમ પાવર પરચેઝ એગ્રીમેન્ટનો ભંગ કરીને જીયુવીએનએલએ યુનિટદીઠ રૂ. ૯૩ વધુ ચૂકવી આપ્યા હતા.આ રીતે ગુજરાતના ૧.૫ કરોડ વીજગ્રાહકોને માથે રૂ.૧૭૫ કરોડનો વધારાનો ખર્ચબોજ નાખી દીધો હતો. આઘાત જનક બાબત તો એ છે કે ગુજરાત વીજ નિયમન પંચે-જર્કે પણ ૨૯મી નવેમ્બર ૨૦૧૮ના આ ખરીદીના મંજૂરી આપી દીધી હતી. પિટીશન નંબર ૧૭૫૫/૨૦૧૮માં આ ખર્ચ મંજૂર કરાવવામાં આવ્યો હતો. જર્કે પાવર પરચેઝ એગ્રીમેન્ટનો ભંગ થયો હોવાની બાબત સામે સવાલ પણ ઊઠાવ્યો નહોતો. જે દર્શાવે છે કે જર્ક ગુજરાત સરકારની સૂચના પ્રમાણે હકીકત સામે આંખ આડા કાન કરીને વીજ કંપનીઓના ખોટા ખર્ચાઓને મંજૂર કરી રહ્યું છે.

ઉર્જા મંત્રી, બહુ થયું હવે પ્રજાના હિતમાં જવાબદારો સામે પગલાં લો

ગુજરાતના ૧.૫ કરોડ વીજજોડાણધારકોના હિતની વિરુદ્ધ જઈને તેમના ખિસ્સામાંથી ગેરકાયદે રૂ.૧૭૫ કરોડ સેરવી લેવા માટે પિટીશનમાં રજૂઆત કરનાર ગુજરાત ઉર્જા વિકાસ નિગમના અધિકારીઓ અને આ ગેરકાયદેસર વીજદર વધારાને હકીકત સામે આંખ આડા કાન કરીને મંજૂર કરી દેનાર જર્કના દરેક અધિકારીઓ સામે કાયદેસર પગલાં લેવા ગુજરાત સરકારના ઉર્જા મંત્રી સૌરભ દલાલે પગલાં લેવા જોઈએ.

ઉર્જા મંત્રી હવે તો જાગો

ઉર્જા મંત્રી સૌરભ દલાલની દેખરેખ હેઠળ ગુજરાત ઉર્જા વિકાસ નિગમ ચાલે છે. તેનો કારોબાર પ્રજાહિતથી વિરુદ્ધમાં ચાલતો હોવાના બે કિસ્સા છેલ્લા ચાર દિવસમાં જ બહાર આવ્યા છે. એફપીપીપીએમાં ગુજરાતના વીજ ગ્રાહકો પાસે ૯ પૈસા વધું લીધા હતા. તેના માધ્યમથી ગ્રાહકોના ખિસ્સામાંથી રૂ. ૨૧૬ કરોડ ખંખેરી લેવાનો કારસો રચાયો હતો. જે પાછા આપવાની જીયુવીએનએલની વીજ કંપનીઓને ફરજ પડી છે. આ બીજા કૌભાંડમાં પાવર પરચેઝ એગ્રીમેન્ટનો ભંગ કરીને ગુજરાતના વીજ ગ્રાહકોના ખિસ્સામાંથી રૂ. ૧૭૫ ખંખેરી લેવાનો કારસો રચાયો છે. આ મુદ્દે ઉર્જા મંત્રી જવાબદારો સામે પગલાં નહિ લે તો તેમની પોતાની સંડોવણી આ કૌભાંડમાં હોવાનો મેસેજ પ્રજા સુધી જશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter