વડોદરાની પી.એફ ઓફીસમાં આજે CBIના દરોડા, 5 લાખની લાંચ લેતા ઓફિસર ઝડપાયા

વડોદરાની પી.એફ ઓફીસ ખાતે આજે CBIની ટીમે દરોડો પાડી અને એન્ફોર્સમેન્ટ ઓફિસરને પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. મહત્વનું છે કે અધિકારી રજનીશ તિવારીની પત્ની પારુલ તિવારી ત્રણ માસ અગાઉ આજ ઓફિસમાં એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપાઈ હતી.

સર્વે માટે ૨૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનની કેન્દ્ર સરકાર સંચાલિત કચેરીમાં આજે સવારે CBI ની ટીમે દરોડા પાડ્યા હતા. કચેરીના એન્ફોર્સમેન્ટ અધિકારી રજનીશ તિવારી એ એક ફરિયાદી પાસે સર્વે માટે ૨૦ લાખ રૂપિયાની લાંચની માગણી કરી હતી. જે બનાવમાં આજે પ્રથમ હપ્તો પાંચ લાખ રૂપિયા આપવાનો હતો. ફરિયાદીએ CBI નો સંપર્ક કરતા CBI દ્વારા ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો અને રજનીશ તિવારી ફરિયાદી પાસેથી પાંચ લાખ રૂપિયાની લાંચ સ્વીકારતા ઝડપી ગયા હતા.

ત્રણ માસ પહેલા પારુલ તિવારી લાખ રૂપિયાની લાંચ કેસમાં સંડોવાઈ હતી

અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરાની PF ઓફિસમાં પત્ની પારુલ તિવારી અને પતિ રજનીશ તિવારી સાથે નોકરી કરતા હતા ત્રણ માસ પહેલા પારુલ તિવારી એક લાખ રૂપિયા ની લાંચ કેસમાં સંડોવાઈ હતી અને આગોતરા મેળવવા માટે ધમપછાડા કર્યા હોવા છતાય આગોતરા નહિ મળતા અંતે તેની ધરપકડ થઇ હતી. ત્રણ માસના ટુંકા સમયમાં પતિ રજનીશ તિવારી પણ CBIના હાથે લાંચની રકમ સ્વીકારતા રંગેહાથ ઝડપી જવા પામ્યો હતો. 

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter