GSTV
Home » News » રાજ્યભરમાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે વિધ્નહર્તાને વાજતે-ગાજતે અપાઇ વિદાય

રાજ્યભરમાં ‘ગણપતિ બાપ્પા મોરયા’ના નાદ સાથે વિધ્નહર્તાને વાજતે-ગાજતે અપાઇ વિદાય

રાજ્યભરમાં ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. રાજ્યના વિવિધ સ્થળોએ ભક્તોમાં ગણેશ વિસર્જનને લઇને અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રાજ્યભરમાં ગણેશ ભક્તો ગણપતિ બાપ્પા મોરયાના નાદ સાથે ગણેશ વિસર્જન કરી રહ્યા છે ગણેશ વિસર્જનને જોતા વિવિધ સ્થળોએ તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તથા ભક્તો સરળતાથી અને શ્રદ્ધાપુર્વક ગણેશજીનું વિસર્જન કરે તેની તકેદારી લેવામાં આવી છે.

અમદાવાદ

સૌ પ્રથમ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં આવેલા સાબરમતી રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન કરવામાં આવી રહ્યું છે. એલિસબ્રિજ ઉપર ગણેશ વિસર્જન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યાં છે. રિવરફ્રન્ટ પર 19થી વધારે વિસર્જન કુંડ બનાવવામાં આવ્યાં છે.

મૂર્તિ વિસર્જન માટે સાબરમતી નદીના તમામ બ્રિજો ઉપર મળીને કુલ 30 ક્રેનોની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે ગણેશ વિસર્જનમાં કોઇપણ પ્રકારની અવ્યવસ્થા ન સર્જાય અને દુર્ઘટના ન બને તે માટે ફાયર બ્રિગેડના 5 ઉચ્ચ અધિકારીઓ સાથે 250 જેટલા ફાયરના જવાનોને લાઇફ બોટ તેમજ લાઇફ જેકેટ અને ઇમરજન્સી લાઇટ જેવા બચાવ સાધનો સાથે તૈનાત કરવામાં આવ્યાં છે.

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ પર ગણેશ વિસર્જન દરમ્યાન એક યુવક ડુબ્યો હતો. જો કે રિવરફ્રન્ટ પર હાજર ફાયરની ટીમે યુવકને બચાવ્યો હતો. યુવકને સારવાર માટે 108 મારફતે વીએસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

સુરત

સુરત જિલ્લામાં પણ ભક્તો હર્ષોઉલ્લાસ સાથે શ્રીજીની પ્રતિમાઓનું વિસર્જન કરી રહ્યા છે. શહેરના અલગ-અલગ સ્થળો પર વિસર્જનની વ્યવસ્થા કરાઈ છે. અત્યાર સુધીમાં 14000થી પણ વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થઈ ચૂક્યું છે. મોડી રાત સુધી વિસર્જન ચાલું રહેશે ત્યારે સુરક્ષાનો પણ ચાંપતો બંદોબસ્ત ગોઠવાયો છે.

સુરતના બારડોલી, પલસાણા, માંડવી, મહુવા સહિતના તાલુકાઓ મળી 200થી વધુ પ્રતિમાઓનું વિસર્જન થઇ રહ્યું છે. બારડોલી નગરને પોલીસ છાવણીમાં ફેરવી દઈ પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

જ્યારે પીઓપીની મૂર્તિના વિસર્જન માટે સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરમાં કુલ 11 જેટલા તળાવોમાં પીઓપીની મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે.

સુરતમાં જોવા મળ્યું કોમી એકતાનું ઉદાહરણ

સુરતમાં વિઘ્નહર્તાના વિસર્જનની યાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરી કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડવામાં આવ્યું છે. સુરતમાં ગણપતિ બાપ્પાને વિદાય આપવા શહેરના ચોક બજાર વિસ્તારમાં મુસ્લિમ સમાજ દ્વારા ગણેશ વિસર્જન યાત્રાનું સ્વાગત કરવામાં આવતા કોમી એકતાના દ્રશ્યો જોવા મળ્યાં હતાં. મુસ્લિમ સમાજ દ્વારા વિઘ્નહર્તાના વધામણા કરવામાં આવ્યાં અને શાંતિ દૂત તરીકે ઓળખાતા કબુતરને મુક્ત કરી કોમી એકતાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો.

વડોદરા

વડોદરામાં પણ ભારે ઉત્સાહ સાથે ગણેશ વિસર્જન થઇ રહ્યું છે. વડોદરામાં વિવિધ જળાશયોમાં દુંદાળા દેવની મૂર્તિઓ વિસર્જિત કરવામાં આવી રહી છે. વડોદરાના રેસકોર્સ રોડ પરના મંડળ દ્વારા હાથીના સલામી સાથેની સવારી નીકળી હતી. વડોદરા મહાનગર સેવાસદન દ્વારા કુત્રિમ તળાવો બનાવવામાં આવ્યા છે. વડોદરામાં વિસર્જન માટે વિવિધ જળાશયોમાં ક્રેનો મુકવામાં આવી છે.

વડોદરાના અટલાદરા રોડ પર આવેલા અટલાદરા કે રાજાની ગણેશ વિસર્જન સવારી નીકળી હતી. સવારી અટલાદરાથી નીકળી ગોત્રી તળાવ પહોંચી હતી. જ્યાં શ્રીજીની મૂર્તિ વિસર્જિત કરવામાં આવી હતી. આ વિસર્જન સવારી હાથી, ઘોડાની બગીઓ,  આદિવાસી નૃત્ય, નાસિક ઢોલ,  ડીજે,  સાથેના રજવાડી ઠાઠ સાથે નીકળી હતી. આ સવારી વિસ્તારમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

રાજકોટ

રાજકોટમાં પણ દુંદાળા દેવને વિદાય આપવામાં આવી રહી છે. શહેરના હનુમાનધારા તળાવમાં ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. તંત્ર દ્વારા શહેરમાં આજી, ન્યારી અને ભાદર ડેમ સહિત કુલ 6 જગ્યા પર ગણેશ વિસર્જન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

રાજકોટના શાસ્ત્રી મેદાન પાસે ગણેશ વિસર્જન દરમિયાન અનિચ્છનીય ઘટના બની હતી. રાજકોટમાં ગણેશ વિસર્જન દરમિયાન નશાની હાલતમાં કેટલાક તત્વોએ યુવતીઓની છેડતીનો પ્રયાસ કર્યો હતો. જો કે બંદોબસ્તમાં રહેલી પોલીસે તાત્કાલિક છેડતીબાજોની અટકાયત કરી છે.

અરવલ્લી

અરવલ્લી જિલ્લાના તાલુકાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠેર-ઠેર ગણેશ વિસર્જન કરવામાં આવ્યું છે. મોડાસા તાલુકામાં મોટી ઇસરોલ ગામથી 2 કિલોમીટર દૂર મેશ્વો નદીમાં ગણેશજીની મૂર્તિનું વાજતે-ગાજતે શોભાયાત્રા કાઢીને વિસર્જન કરવામાં આવ્યું હતું. મોડાસાના સિદ્ધિવિનાયક મંદિરે યોજાયેલ ગણપતિ મહોત્સવના વિસર્જન નિમિત્તની શોભાયાત્રા પહેલા મંડળ ટ્રસ્ટ અને ભક્તો દ્વારા સરહદ પર શહિદ થયેલા શહીદોને મૌન પાડી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.

ભરૂચ

ભરૂચના શક્તિનાથ તેમજ પાંચબત્તી ખાતેથી ગણેશ વિસર્જન યાત્રા નીકળી હતી. આ વિસર્જન યાત્રાનું સ્વાગત કરી સાધુ સંતો, રાજકીય અગ્રણીઓએ પ્રસ્થાન કરાવ્યું હતું. ડી.જે.ના તાલે ગણપતિ બાપ્પા મોરયા, પુડચા વર્ષીય લવકર યાના નાદ સાથે ગણેશ વિસર્જન યાત્રા યોજાઇ હતી. ગણેશ વિસર્જન યાત્રાના તમામ રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત તહેનાત કરી દેવામાં આવ્યો છે.

આણંદ

આણંદના બાકરોલ ગામે પણ દુંદાળા દેવને વિદાય આપવામાં આવી. બાકરોલમાં 150થી વધારે ગણેશ મૂર્તિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ઢોલ અને નગારાના નાગ સાથે વહેલી સવારથી વિસર્જન યાત્રા નીકળી રહી છે.  જો કે ગણેશ વિસર્જન દરમ્યાન કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

જૂનાગઢ

આ તરફ જૂનાગઢ શહેર અને આસપાસના ગામમાં પણ ડી.જે.ના તાલે ગણેશ વિસર્જન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના પંચહાટડી ચોકમાં ગણેશજીની સ્થાપના કરાઇ હતી. જેનું આજે વિસર્જન કરવામાં આવ્યું હતું. જૂનાગઢના ભવનાથમાં આવેલ નારાયણધરા ખાતે દુંદાળા દેવ ગણેશને વિસર્જન કરવામાં આવ્યા હતા.

નર્મદા

નર્મદાના નવાપુરા ગામે ગણેશ વિસર્જન યાત્રા તોફાની બનતા પોલીસ દોડતી થઈ છે. યુવતીની છેડતી મામલે કુમસગામના લોકોએ ઠપકો આપવા જતાં નવાપુરના ગ્રામજનોએ ધારિયા અને કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં 1નું મોત તથા 6 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતાં. ઘટનાને પગલે પોલીસે 20થી 25 શખ્સો વિરૂદ્ધ રાયોટિંગનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુર

છોટાઉદેપુર જીલ્લાના નસવાડી તાલુકામાં ભારે હર્ષોઉલ્લાસ સાથે ગણપતિની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું. નસવાડીમાં વિસર્જનની શરૂઆત નર્મદા કોલોનીમાંથી શરૂ કરવામાં આવ્યુ હતું. તમામ મંડળો સમગ્ર નગરમાં ફરી ડીજેના તાલે ભારે ઉમંગ સાથે નાચગાન કરી શ્રીજીને નસવાડીની અશ્વિન નદીમાં પધરાવ્યા હતા.

ભાવનગર

ભાવનગર શહેર અને જીલ્લામાં ખુબ જ આસ્થા અને શ્રધ્ધા સાથે ગણેશજીની પધરામણી વિવિધ પંડાલો અને લોકોએ પોતાના ઘેર કરી હતી, અગિયારના દિવસે ખુબજ આસ્થા સાથે બાપની સેવાપૂજા કરી આજે ન્રમ આંખોએ બાપને શ્રધ્ધ્ળુઓ વિદાય આપી. લોકોએ ગણેશજીનું કોળીયાકના દરિયામાં વિસર્જન કર્યું હતું તેમજ સમુદ્રસ્નાન કરી લોકો ધન્ય બન્યા હતા.

 

Related posts

લોકસભામાં ભાજપની જીત થતાં ગુજરાત સરકારમાં મોટું પરિવર્તન થશે કે નહી? આ રહ્યો જવાબ

Bansari

ગુજરાતની આ બેઠકે ભાજપ માટે રાખ્યો રંગ, જે ઉમેદવાર જીતે તે પાર્ટીની બને છે સરકાર

Bansari

ગુજરાતની બેઠકોના પરિણામમાં થઇ શકે છે વિલંબ, આ છે કારણ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!