રાજકોટ મહાપાલિકાના ખાસ સભા તોફાની બની હતી. સામાન્ય સભા બાદ ભાજપ અને કોંગ્રસના સદસ્યો વચ્ચે ઝપાઝપી થઇ હતી. બોર્ડ પૂર્ણ થયા બાદ બહાર નીકળતા સમયે કોંગ્રેસ નગરસેવક વિજય વાંક અને ભાજપના નગરસેવક ઉદય કાનગડ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
વિજય વાંકે આક્ષેપ લગાવ્યો છે કે ઉદય કાનગડ ગુંડાગીરી કરી પાછળથી ઘા કર્યો હતો. તો ભાજપના નગરસેવક અને પૂર્વ મેયર ઉદય કાનગડે વિજય વાંક સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો આક્ષેપ લગાવ્યો હતો. સભામાં વિપક્ષે પ્લે કાર્ડ સાથે સત્તા પક્ષ સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતુ. હોબાળા અને વિરોધને પગલે રાજકોટ કોર્પોરેશનમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે. વિપક્ષના નેતાએ આક્ષેપો કર્યા કે 40 કરોડના પ્લોટમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. ઝૂંપડપટ્ટીના નામે બિલ્ડરને કરોડો રૂપિયાનો ફાયદો કરાવવાનો ખેલ ચાલી રહ્યો છે. વિપક્ષે કોમર્શિયલ પ્લોટને એસઇ ડબલ્યુ એસના રિઝર્વેશનમાં ફેરવવા દરખાસ્ત કરીને એવો પણ આક્ષેપ કર્યો કે ટીપીઓ દ્વારા ગેરકાયદે કામ કર્યા છે.