વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં રાજકોટ શહેરની ત્રણ સહીત જિલ્લાની 6 બેઠક ભાજપે કબ્જે કરી છે. જ્યારે કોંગ્રેસ જસદણ અને ધોરાજી બેઠક પર વિજય મેળવી ચુકી છે. રાજકોટના પરિણામ અનેક ફેક્ટર સામે લાવ્યા છે. તો જનતાએ ફરી એક વખત ભાજપ ઉપર વિશ્વાસ પણ મુક્યો છે.
ઢોલ નગારા, આતશબાજી અને કાર્યકરો સાથે રાજકોટમાં ફરી એક વખત ભગવો લહેરાયો છે. રાજકોટ શહેરની ત્રણેય બેઠક કે જેમાં ખુદ મુખ્યપ્રધાન લડી રહ્યા હતા તે પશ્ચિમની પ્રતિષ્ઠાભરી બેઠકમાં આખરે ભાજપ અને સીએમ રૂપાણીએ જંગી લીડ સાથે જીત મેળવીને ભાજપે પોતાનો ગઢ જાળવી રાખ્યો. પાટીદાર ફેક્ટર હોય કે જીએસટી પ્રશ્ને વેપારીઓની નારાજગી હોય. આ બધા કારણો તેના અસ્થાને રહ્યા. અને રૂપાણી સૌથી વધુ લીડ સાથે વિજેતા બન્યા તો ગોવિંદ પટેલે પણ ત્રીજી ટર્મ માટે પ્રજાનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો.
જ્યારે રાજકોટ પૂર્વ બેઠક કોંગ્રેસ પાસેથી છીનવી ભાજપના અરવિંદ રૈયાણી પ્રથમ વખત વિધાનસભા પહોંચી ગયા છે. જ્યારે ગ્રામ્ય બેઠક ઉપર કાંટે કી ટક્કર બાદ આખરે લાખાભાઈ સાગઠીયાએ જીત મેળવી. ભાજપના ગોવિંદ પટેલ રાજકોટ દક્ષિણ બેઠક ઉપરથી જીત્યા છે. રાજકોટમાં મળેલી જીત બદલ ખુદ સીએમ રૂપાણીના ધર્મપત્નીએ જનતાનો આભાર માન્યો.
ભાજપે રાજકોટની 8 માંથી 6 બેઠક જરૂર મેળવી છે. પરંતુ જસદણનો ગઢ જાળવવામાં કુંવરજીભાઇ સફળ રહ્યા છે. જસદણ માટે ખુદ પ્રધાનમંત્રી મોદી સભા કરી ચુક્યા હતા. છતાં કોંગ્રેસે બાજી મારી છે. જિલ્લાની ગોંડલ બેઠક જાળવવામાં ભાજપ સફળ થયું. અહીં ગીતાબા જાડેજા જીત્યા.
તો જેતપુર બેઠક પર ભાજપના જયેશ રાદડીયાએ જીત પ્રાપ્ત કરી. ધોરાજી બેઠક ઉપર પાટીદાર પ્રભાવ અને સ્થાનિક પ્રશ્નોની અવગણનાને પગલે ભાજપના હરિભાઈ પટેલ પરાજીત થયા અને પાસ આંદોલનથી પ્રકાશમાં આવેલા લલિત વસોયાએ કોંગ્રેસની ટિકિટમાંથી વિધાનસભા પ્રવેશ મેળવ્યો.
રાજકોટમાં ભલે ભાજપે પોતાનો દબદબો કાયમ કર્યો હોય. પરંતુ સૌરાષ્ટ્રએ ચિંતા કરાવી છે. જામનગર, અમરેલી, જૂનાગઢ અને મોરબીએ ભાજપ માટે સવાલો ઉભા કર્યા છે. ગણિત હવે ભાજપે નવીજ રીતે માંડવું પડશે. ભાજપ દ્વારા વિજય ઉત્સવ ઉજવાય ભલે ઉજવાય, પરંતુ મોવડીઓને જરૂર એ વાત અંગે વિચારવું પડશે કે ભૂલ ક્યાં રહી ગઈ કે જેથી સૌરાષ્ટ્રમાં બેઠકો ઘટી.