જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબેની ગુજરાત મુલાકાતને લઇને સઘન વ્યવસ્થા કરાઇ છે. જેમાં સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત રહે તે માટે બંદોબસ્તમાં 15 હજાર જેટલા પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. તો આ ઉપરાંત ટેક્નિકલ સર્વેલન્સ પણ રાખવામાં આવશે.
જાપાનનાં વડાપ્રધાન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે અને તેમને આવકારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની અગાઉ જ ગુજરાત આવી જશે ત્યારે સ્વાભાવિક રીતે સુરક્ષાની દ્રષ્ટિએ રાજ્ય પોલીસ માટે સુરક્ષા વ્યવસ્થા કરવી એ પડકાર રૂપ સ્થિતી બની રહેશે.
જાપાની વડાપ્રધાન અમદાવાદ એરપોર્ટ પહોંચશે ત્યાંથી જ સઘન સુરક્ષા હશે. જેમાં અમદાવાદ એરપોર્ટ પર લગભગ 300 પોલીસ કર્મચારીઓ રહેશે. ત્યારબાદ સાબરમતી આશ્રમ ખાતે 600 પોલીસ કર્મચારીઓ હાજર રહેશે. તો હૈયાત હોટેલ પર 300 પોલીસ કર્મચારીઓ સિદી સૈયદની જાળી પર અને તો તેની નજીકમાં જ રહેલી હોટેલ અગાસીયા પર 600 પોલીસ કર્મચારીઓ ખડેપગે રહેશે. તો આ ઉપરાંત ગાંધીનગર ખાતે 5000 પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત રહેશે.
તો ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પણ બંદોબસ્ત માટે વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 10 સેક્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં ક્યુઆરટી ટીમ અને ક્લોઝ પ્રોટેક્શન ટીમનો પણ સમાવેશ થાય છે. આ ટીમ ખાસ પ્રકારે પીએમના વાહનની આગળ રહેશે મહત્વની વાત એ છે કે, તમામ જે સેક્ટર બનાવવામાં આવ્યા છે. તેમાં એક-એક એસીપીને નિયુક્ત કરવામાં આવ્યા છે. જે તે ટીમનું સુપર વિઝન કરશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ અને ગાંધીનગરમાં યોજાનારા કાર્યક્રમમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે.