GSTV
Home » News » ભાજપ આ 123 સીટો પર બહુમતિ ન મેળવી શક્યું તો મોદી નહીં બની શકે પીએમ

ભાજપ આ 123 સીટો પર બહુમતિ ન મેળવી શક્યું તો મોદી નહીં બની શકે પીએમ

modi

2014ની લોકસભાની ચૂંટણીમાં દેશભરમાં મોદીલહેર હોવાથી ભાજપને ઐતિહાસિક બહુમતિ મળી હતી, પરંતુ 2019માં ભાજપ માટે પરિસ્થિતિ મુશ્કેલ છે. ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ જેવા ભાજપના પરંપરાગત ગઢ ગુમાવ્યા પછી આ રાજ્યોમાં ભાજપની સફળતા ઝાંખી પડે તેવી શક્યતા છે. આ ઉપરાંત 2014માં જ્યાં જ્વલંત સફળતા મળી હતી એ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ ભાજપને કેટલીક બેઠકો ગુમાવવાનો ભય છે. આથી નુકસાનનો આંકડો સરભર કરવા ભાજપની થિન્ક ટેન્કે 2014ની એવી બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જ્યાં 2014માં ભાજપના પ્રયાસો ટૂંકા પડ્યા હતા. આવી બેઠકોની સંખ્યા 123 હોવાથી ભાજપે તેને ‘મિશન 123’ નામ આપ્યું છે.

બેઠકો જીતવા ભાજપે વિશેષ પ્લાન બનાવ્યો

ભાજપે ત્રણ રાજ્યોની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખ્યા પછી પોતાના ગઢમાં પડેલાં ગાબડાં પૂરવા માટે ચૂંટણી પહેલાં મિશન વન ટ્વેન્ટી થ્રીની વ્યૂહરચના પર કામ શરૂ કરી દીધું હતું. આ મિશન હેઠળ 2014માં મોદીલહેર છતાં ન જીતી શકાયેલી દેશભરની કુલ 123 લોકસભા બેઠકો જીતવા ભાજપે વિશેષ પ્લાન બનાવ્યો છે. મિશન હેઠળ મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ ઉપરાંત ગુજરાત, મહારાષ્ટ્રમાં બેઠકો ગુમાવવાની સંભાવના સરભર કરવાનું આયોજન કરાયું છે. જેમાં પ.બંગાળ, આસામ, ઓડિશાની 77 બેઠકો પૈકી ગત ચૂંટણીમાં ભાજપને ફક્ત 10 જ બેઠકો મળી હતી. અલગ તારવેલી 123 બેઠક પર વિસ્તારકો, યુવા મોરચો કાર્યરત છે મોદી પણ દરેક બેઠકનો પ્રવાસ કરશે.

ક્યા ગઢમાં ગાબડા પડે તેમ છે?

2014ની ચૂંટણીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની કુલ 138 બેઠકોમાંથી ભાજપને 111 બેઠકો પર વિજય મળ્યો હતો. આ ઉપરાંત ઉત્તરપ્રદેશમાં પણ 80માંથી 71 બેઠકો મળી હતી. આમ, મધ્ય અને પશ્ચિમ ભારતની કુલ 138 અને ઉત્તરપ્રદેશની 80 એટલે કે 218માંથી ભાજપને 182 બેઠક મળી હતી. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં હાલમાં જ ભાજપે સત્તા ગુમાવી છે. ઉત્તરપ્રદેશમાં સપા અને બસપા ગઠબંધન ભાજપ માટે મોટો પડકાર ઊભો કરશે એ નિશ્ચિત છે. મહારાષ્ટ્રમાં શિવસેના સાથે ગઠબંધન સધાયા પછી પણ ભાજપ પોતાની 23 બેઠકો જાળવી શકે એવું ય હાલ જણાતું નથી, એવું પક્ષનો આંતરિક સર્વે કહે છે.

તો બીજી તરફ સવાલ એ ઊભો થાય છે કે, મધ્ય-પશ્ચિમોત્તરની ખોટ પૂર્વ ભારત ભરપાઈ કરશે? 2014ની ચૂંટણીમાં દેશભરમાં મોદીલહેર હોવા છતાં જે રાજ્યોમાં ભાજપના રથને રોકવામાં આવ્યો હતો તેમાં ઓરિસ્સા અને પ.બંગાળ મુખ્ય હતા. ઓરિસ્સાની 21 બેઠકોમાંથી ભાજપને 1 અને પ.બંગાળની 42 બેઠકોમાંથી ફક્ત 2 બેઠક મળી હતી. સેવન સિસ્ટર્સ તરીકે ઓળખાતા પૂર્વોત્તર ભારતના આસામ સહિતના 7 રાજ્યોની કુલ 22 બેઠકોમાંથી ભાજપને ફક્ત 7 બેઠકો મળી હતી. આમ, આ 9 રાજ્યોની કુલ 85 બેઠકોમાંથી ભાજપને માત્ર 10 બેઠકો પર સફળતા મળી હતી. આ વખતે ભાજપે આ 9 રાજ્યોમાં 50 બેઠકો જીતવાનો લક્ષ્યાંક રાખ્યો છે અને એ મુજબની રણનીતિ છેલ્લાં બે વર્ષથી અમલમાં પણ મૂકી દીધી છે.

282 બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય

2014ની ચૂંટણીના પરિણામોના વિશ્લેષણના આધારે ભાજપે નવી રણનીતિ ઘડી છે. 2014ની ચૂંટણીમાં ભાજપે 428 બેઠકો પર ઉમેદવારો ઊભા રાખ્યા હતા, જે પૈકી 282 બેઠકો પર ભાજપના ઉમેદવારનો વિજય થયો હતો. આંકડાઓનું વિષ્લેષણ કરતાં અલગ અલગ 20 રાજ્યોમાં ગુમાવેલી 146 બેઠકો પૈકી 54 બેઠકો પર ભાજપના ઉમેદવાર બીજા સ્થાને રહ્યા હતા. આમ ગુમાવેલી બેઠકો પૈકી 69 બેઠકો એવી છે જે પરંપરાગત રીતે ભાજપ માટે અનુકૂળ ગણાતી ન હોવા છતાં છેલ્લાં પાંચ વર્ષમાં અહીં વાતાવરણ પલટાયું છે .જો આ 123 બેઠકો પર વિશેષ આયોજન કરવામાં આવે તો અહીં ભાજપ માટે ઉજળી તકો રહેલી છે. આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને ઓરિસ્સામાં શાસનવિરોધી લહેર ઊભી કરીને ભાજપ મહત્તમ ફાયદો લઇ શકે છે.

Related posts

કોટામાં 75 વર્ષની મહિલાએ આપ્યો બાળકીને જન્મ, ચોંકી ઉઠ્યાં ડોક્ટર્સ

Kaushik Bavishi

અયોધ્યામાં મોટી સંખ્યામાં પોલીસ બંધોબસ્ત ગોઠવાયો, ધારા 144 લાગતા અનેક તર્ક વિતર્ક

Kaushik Bavishi

મોહન ભાગવતનાં નિવેદન પર ભડક્યા અસદુદ્દીન ઓવૈસી, જાણો તેઓ બોલ્યા શું?

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!