બ્રેક્ઝિટ બાદ થેરેસા મેએ બ્રિટનની વિઝા પ્રણાલી માટે લીધો મોટો નિર્ણય, 40 વર્ષ બાદ આવ્યું પરિવર્તન

બ્રિટને 40 વર્ષ બાદ વીઝા પ્રણાલીમાં અત્યાર સુધીના સૌથી મોટા પરિવર્તનનું એલાન કર્યું છે. આ પરિવર્તનને કારણે ભારતીય પ્રોફેશનલ્સને સૌથી વધારે ફાયદો થશે. બ્રેક્ઝિટ બાદ બ્રિટન વીઝાના મામલામાં ભારત અને અન્ય કોઈપણ દેશના નાગરિકોને યુરોપિયન યુનિયનના 27 સદસ્ય દેશોના નાગરિકોની સમાન જ માનીને પ્રાથમિકતા આપશે.

બ્રિટનના વડાંપ્રધાન થેરેસા મેની સરકારે બુધવારે આના સંદર્ભે ઘોષણા કરી હતી. જેને કારણે ભારતીય પ્રોફેશનલ્સમાં ખુશીની લહેર છવાઈ છે. દર વર્ષે હજારો ભારતીય પ્રોફેશનલ્સ નિયમોને કારણે બ્રિટન જઈ શકતા ન હતા. પરંતુ હવે વીઝા નિયમોમાં પરિવર્તન બાદ બ્રિટનમાં વધુ ભારતીય પ્રોફેશનલ્સને કામ મળી શકશે. આને બ્રિટિશ વીઝા પ્રણાલીમાં ગત ચાર દશકમાં સૌથી મોટું પરિવર્તન માનવામાં આવે છે.

ગૃહ સચિવ સાજિદ જાવિદે એક શ્વેતપત્ર પણ જાહેર કર્યું છે. જેમાં કુશળ પ્રવાસીઓ માટે એક નવો વીઝા માર્ગ અને વર્ક પરમિટ માટે વાર્ષિક 20 હજાર 700ની મર્યાદાને સમાપ્ત કરવાનો પ્રસ્તાવ છે. જો બ્રેક્ઝિટની તમામ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે, તો આ પ્રસ્તાવ 2021થી લાગુ થશે.

મહત્વપૂર્ણ છે કે બ્રેક્ઝિટ બાદ યુરોપિયન યુનિયનના પ્રોફેશનલ્સ અને ઓછા કુશળ કર્મચારીઓને બ્રિટનમાં આવીને કામ કરવાનો સ્વચાલિત અધિકાર રહેશે નહીં. હાલ યુરોપિયન યુનિયનના નાગરિકોને આવી સુવિધા ઉપલબ્ધ છે. જાવિદે કહ્યુ છે કે કોઈપણ સંભવિત પ્રવાસીના મૂળ દેશના સ્થાને તેના કૌશલ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવશે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter